કચ્છ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘની અંજાર ખાતે ૧૧મી વાર્ષિક સાધારણ સભા મળી

અંજારના સરદાર વલ્લભભાઇ પટેલ ટાઉનહોલમાં ગઇકાલે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી પુરષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ૧૧મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી પુરષોત્તમ રૂપાલાએ તેમની આગવી શૈલીમાં ટાઉનહોલમાં તેમજ ઓનલાઇન મિટિંગમાં જોડાયેલ કચ્છના દૂધ સંઘ મંડળીના સભાસદોને સંબોધન કરતાં જણાવ્યું કે, હવે પશુઓની નસ્લ સુધારવાના કામમાં પણ ડેરીઓએ જોડાવવું પડશે. દૂધાળા પશુઓની ઉત્પાદન ક્ષમતા, સ્વાસ્થ્ય, રસીકરણ સહિતની સુવિધાઓ પશુપાલકો સુધી પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ રહેવા દૂધ સંઘને અપીલ કરી હતી. પશુ સંવર્ધન પર ભાર મુકી કૃત્રિમબીજ દાન થકી પશુપાલકો વધુ લાભ લે તેવી અપીલ કરી હતી.કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉદાર યોજનાઓ છેવાડાના પશુપાલકો સુધી પહોંચે તે માટે ડેરી સંચાલકો સુધી પહોંચે તે દિશામાં પ્રયાસો કરવા પણ આગ્રહ કર્યો હતો. ઊંટણીના દૂધ થકી સમગ્ર કચ્છના પશુપાલકોએ અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે હવે પ્રોડક્ટના પેકેજીંગ પર ધ્યાન આપી ગ્રાહકોને આકર્ષવા પ્રયાસ કરવાનું નમ્ર સુચન કર્યું હતું. આ ઉપરાંતે ઓનલાઇન માધ્યમોનો ઉપયોગ કરીને પશુપાલકો અને ખેડૂતોની પ્રોડક્ટને લોકો સુધી પહોંચાડવા પણ સુચન કર્યું હતું. આ પ્રસંગે સામાજિક, શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, કચ્છના ભૂકંપ બાદ જિલ્લામાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિના મંડાણ થયા અને કચ્છને ખડુ કરવામાં પશુપાલકોનો બહુ મોટો ફાળો રહેલ છે. દુષ્કાળના સમયમાં પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છનો સતત પ્રવાસ કરીને પશુપાલકોની સતત ચિંતા કરી હતી, અને દુષ્કાળના કપરા સમયે ૬૦૦ કરોડ રૂપિયા પશુપાલકોને ફાળવીને નવજીવન આપ્યું હતું. કચ્છ-મોરબી મતવિસ્તારના સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું કે, આફતને અવસરમાં બદલવા માટે કચ્છીઓ માહીર છે ત્યારે ભૂકંપ બાદ કચ્છ જિલ્લાને વિકાસશીલથી વિકસીત જિલ્લો બનાવવામાં પશુપાલકો અને સરહદ ડેરીએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. સરહદ ડેરીના માધ્યમથી ૭૦ હજાર પરિવારો રોજગારી મેળવી રહ્યા છે. ટેક્નોલોજીનો વધુને વધુ ઉપયોગ કરી આગળ આવવા અપીલ કરી હતી.  અમૂલના મેનેજીંગ ડિરેક્ટર ડો. આર.એસ. સોઢીએ જણાવ્યું કે, પશુપાલકોને ધનાઢ્ય ઉદ્યોગપતિઓ સાથે સરખામણી કરી પશુપાલકોને પોતાના વ્યવસાય પ્રત્યે હંમેશા સજાગ રહેવા અનુરોધ કર્યો હતો. કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ૧૧મી વાર્ષિક સાધારણ સભા પ્રસંગે કચ્છ જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર તત્કાલીન નાયબ પશુપાલન નિયામક અને હાલે સંયુક્ત પશુપાલન નિયામક ડો. કે.જી બ્રહ્મક્ષત્રિયનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાન હેઠળ રેડ ટેગ ડે ઉજવણી અંતર્ગત મસ્કા દૂધ ઉત્પાદક મંડળીના મયુરભાઇ મોતા, બલરામ દૂધ ઉત્પાદક મંડળીના અરજણબાઇ પોકાર, સુદાણાવાંઢ દૂધ ઉત્પાદક મંડળીના મેઘુભા ગઢવીને ૧૦,૦૦૦ હજાર રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમના પ્રારંભે સરહદ ડેરીના વાઇસ ચેરમેન હસમુખભાઇ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન અને અંતે ડાયરેક્ટર વિશ્રામભાઇ રાબડીયાએ આભારવિધી કરી હતી. કાર્યક્રમનું સંચાલન રેલવે બોર્ડ તેમજ મનરેગાના ડાયરેક્ટર મનજીભાઇ આહિરે કર્યું હતું.

આ પ્રસંગે ગાંધીધામ મતવિસ્તારના ધારસભ્ય માલતીબેન મહેશ્વરી, અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ ગોવિંદભાઇ ડાંગર, નગરપાલિકાના પ્રમુખ રાજેશભાઇ પલણ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ત્રિકમભાઇ છાંગા, કેડીસીસી બેન્કના ચેરમેન દેવરાજભાઇ ગઢવી, આહિર સમાજના પૂર્વ પ્રમુખ બાબુભાઇ હુંબલ તેમજ સંગઠનના આગેવાનો, સરહદ ડેરીના ડાયરેક્ટરઓ પંચાયત અને પાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કચ્છ જિલ્લાના વિવિધ સ્થાનો પરથી સરહદ ડેરીના સભાસદો અને મંડળીઓના સભ્યો ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.