લૂઝ દૂધના ભાવમાં પણ લીટરદીઠ બે રૂપિયાનો વધારો આવશે

અબતક-રાજકોટ

અમૂલ ડેરી દ્વારા તમામ પ્રકારના દૂધની કિંમતોમાં પ્રતિલીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજથી ભાવ વધારો લાગૂ પણ કરી દેવામાં આવ્યો છે. દરમિયાન અમૂલના પગલે સ્થાનિકસ્તરની લોકલ ડેરી દ્વારા હવે છૂટક દૂધના વેંચાણમાં ભાવ વધારો કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

ચોતરફ મોંઘવારીથી ભીસાયેલી જનતાને અમૂલ ડેરીએ ભાવ વધારોનો ડામ આપ્યો છે. આઠ મહિના બાદ અમૂલ ડેરી દ્વારા ગઇકાલે તમામ પ્રકારના દૂધની કિંમતમાં પ્રતિલીટર બે રૂપિયા ભાવ વધારો કરવામાં આવ્યો છે અને આ ભાવ વધારો આજથી જ લાગૂ કરી દેવામાં આવ્યો છે. અમૂલ તાજાના 500 મીલીના ભાવ હવે 24 રૂપિયા, અમૂલ ચાય મજાના 500 મીલીના ભાવ રૂા.24, અમૂલ ચાય મજા એક લીટરના પાઉચના ભાવ રૂા.48, અમૂલ શક્તિનો 500 મીલીના ભાવ રૂા.27, અમૂલ સ્લીમ એન્ડ ટ્રીમનો 500 મીલી પાઉચનો ભાવ રૂા.21, અમૂલ ગોલ્ડનો 500 મીલી પાઉચનો ભાવ રૂા.30, અમૂલ બફેલો દૂધના 500 મીલીના પાઉચનો ભાવ રૂા.31, અમૂલ ટી સ્પેશ્યલ 1 લીટરના પાઉચનો ભાવ રૂા.55 અને અમૂલ ગાયના દૂધના 500 મીલી પાઉચનો ભાવ રૂા.25 કરવામાં આવ્યો છે. આજથી ભાવ વધારો લાગૂ થઇ ગયો છે.

અમૂલ ડેરીના પગલે હવે સ્થાનિક ડેરીઓ દ્વારા પણ છૂટક દૂધની વેંચાણ કિંમતોમાં લીટરદીઠ બે રૂપિયા વધારો કરવાની વેતરણ શરૂ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.