ગીરના માલધારીઓને દૂધનું મૂલ્યવર્ધન કરવા અને દૂધ બનાવટોને બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત કરવા માટે સાસણમાં માલધારીઓના આર્થિક ઉત્કર્ષ માટે યોજાયેલ વર્કશોપમાં માર્ગદર્શન અપાયું હતું, આ સાથે ગાયના છાણમાંથી બનાવતી વિવિધ ચીજ વસ્તુઓની જાણકારી આપવામાં આવી હતી.

ગીર સાથે જેમનો કાયમી નાતો છે તેવા માલધારીઓના આર્થિક ઉત્કર્ષ માટે અને વન્ય પ્રાણીઓના સંવર્ધન માટે ગીર પશ્ચિમ વન વિભાગ દ્વારા સાસણ ખાતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માલધારીઓના પશુઓની દૂધ ઉત્પાદકતા વધે અને તેમના પશુઓમાં આવતા જુદા જુદા રોગોને અટકાવી શકાય જેના કારણે પરોક્ષ રીતે વન્યપ્રાણીઓમાં પણ રોગોનું નિયંત્રણ કરી શકાય તે સહિતની માહિતી આપવામાં આવી હતી.

સાસણમાં યોજાયેલા વર્કશોપમાં માલધારીઓને અપાયું માર્ગદર્શન

ગીર પશ્ચિમના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરના માર્ગદર્શનમાં વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત આયોજિત સ્કિલ અપ ગ્રેડેશન વર્કશોપમાં પશુપાલન સાથે જોડાયેલા માલધારીઓને મૂલ્યવર્ધન માટે અને પોતાના ઉત્પાદનોને એક બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત કરવા માટે નિષ્ણાતોએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

કામધેનુ યુનિવર્સિટીના ડો. જે.બી. કથીરિયાએ દૂધ ઉત્પાદન વધારવા માટે પશુ માવજત, પશુઓનો ખોરાક વગેરે પશુ સંવર્ધનની બાબતોને વણી લઈને માલધારીઓ માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું ઉપરાંત પશુઓમાં આવતા જુદા-જુદા રોગોના અટકાવ તથા નિયંત્રણ માટે વિગતવાર જાણકારી આપી હતી.

ગીરના કારણે અહીંની દૂધ બનાવટોને મોટી ઓળખ મળવાની સંભાવનાઓ પડેલી છે. ગીરના માલધારીઓ માત્ર દૂધના વેચાણ કરવાને બદલે જો તેનું મૂલ્યવર્ધન કરીને પેંડા, પનીર, માવો વગેરે બનાવીને વેંચાણ કરવામાં આવે તો મોટી આવક મેળવી શકાય તેમ છે. આ માટે તેમણે વન વિભાગના સહયોગ સાથે માલધારીઓને જરૂરી તાલીમ આપવાની સાથે જરૂરી ટેકનોલોજી માટે પૂરતી મદદ  કરવા માટે તૈયારી દર્શાવી હતી.

ઉમિયા ફાઉન્ડેશનના કેતનાબેન ગજ્જરે ગાયના છાણમાંથી બનાવતી વિવિધ ચીજ વસ્તુઓની જાણકારી આપી હતી.

નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરે આ કાર્યશાળાની પૂર્વભૂમિકા આપતા જણાવ્યું કે, સમય સાથે કદમતાલ મિલાવીને પ્રગતિ સાધી શકાય છે. જેથી પશુપાલન જેવા ક્ષેત્ર માટે પણ નવું જ્ઞાન અને ટેકનિક અપનાવી ખૂબ જરૂરી બની રહે છે.

આ કાર્યશાળામાં વન વિભાગના અધિકારીઓ અને માલધારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં આર.એફ. ઓ. ગઢવીએ આભાર વિધિ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.