ટાર્ગેટ કિલિંગમાં શામેલ આતંકીઓ વિરુદ્ધ કાશ્મીરમાં સતત સર્ચ ઓપરેશન ચાલુ: ખાત્મો બોલાવવા સૈન્ય સજ્જ
અબતક, શ્રીનગર
જમ્મુ-કાશ્મીરમાં સોમવાર રાતથી ચાલી રહેલી અથડામણમાં 4 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. સોપોર જિલ્લાનાં જાલુરા વિસ્તારમાં રાત્રે 10 વાગે લશ્કર-એ-તૈયબાનો એક અને કુપવાડામાં સવારે 2 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. ત્રણમાંથી બે આતંકવાદી પાકિસ્તાની હતા, જ્યારે એક સ્થાનિક આતંકી હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ વધુ એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. બીજી તરફ બીએસએફએ સોમવાર રાતથી જ કનાચકના દયારાનમાં નજરે પડેલા એક ડ્રોનને ફાયરિંગ કરીને તોડી પાડવામાં આવ્યું હતુ.
રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ થયેલા ફાયરિંગ બાદ ડ્રોન સાથે જોડાયેલ પેલોડને નીચે લાવવામાં આવ્યું હતું. પેલોડમાં બાળકોના ટિફિન બોક્સની અંદર 3 મેગ્નેટ આઈઇડી હતા. જેમાં ટાઈમર સેટ કરવામાં આવ્યું હતું.
આ તરફ કુપવાડામાં સવારથી જ સેના અને આતંકીઓ વચ્ચે થયેલ અથડામણમાં 2 આતંકીઓ માર્યા ગયા છે. કાશ્મીરનાં આઈજીપી વિજય કુમારે જણાવ્યું હતુ કે માર્યા ગયેલા પાકિસ્તાની આતંકવાદીનું કોડ નામ તુફૈલ છે. બીજા આતંકીનું નામ ઈશ્તિયાક લોન છે. જેણે હાલમાં આતંકવાદનો રસ્તો પકડ્યો હતો. પાકિસ્તાની આતંકવાદી લાહોરનો રહેવાસી હતો. આ માહિતી આતંકવાદીઓ પાસે જપ્ત કરવામાં આવેલ દસ્તાવેજો પરથી મળી છે. સ્થળ પરથી બે એક -56 રાઈફલ જપ્ત કરવામાં આવી છે.
સોપોરમાં માર્યા ગયેલા આતંકવાદીનું નામ હંજલા છે, તેના બે સાથી ભાગી ગયા હતા, પરંતુ તેમની બેગ ત્યાં જ છોડી ગયા હતા, જેમાં દસ્તાવેજો મળ્યા હતા. જેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે હંજલા પાસેથી એક એકે-47 અને 5 મેગેઝીન પણ જપ્ત કર્યા છે.
આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે ટાર્ગેટ કિલિંગમાં સામેલ આતંકવાદીઓને ઓળખવાની અને તેમને ખતમ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. રાહુલ ભટની હત્યામાં બે આતંકવાદીઓ સામેલ હતા. જેમાંથી એકનું મોત થયું છે અને એક બાકી છે. તેની શાધખોળ ચાલું છે. અમરીન ભટની હત્યામાં સામેલ 2 આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા છે. બેન્ક મેનેજર વિજય કુમાર હત્યા કેસના આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે. તેમની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે, અથવા ઠાર મારવામાં આવશે.