અબુધાબીમાં કરોડો લોકોની આસ્થાના પ્રતિક સમાન બીએપીએસ હિન્દુ મંદિરનું બાંધકામ પૂર જોશમાં ચાલી રહ્યું છે અને 2024માં વસંત પંચમીનાં દિવસે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાય એ રીતે તૈયારી ચાલી રહી છે ત્યારે તાજેતરમાં યુ.એ.ઈ.ના પ્રવાસે ગયેલા જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારીને આ મંદિરમાં ઈંટ મુકવાની એટલે કે કાર સેવાની સુંદર તક મળી હતી. આ મંદિરની મુલાકાત પ્રંસગે સ્થાનિક આગેવાનો સુનિલભાઈ પારેખ કિશોરભાઈ મેહતા અને કલ્પેશભાઇ દોશી કાનાભાઇ પાઘી અને જાણીતા કવિ ભાર્ગવ ઠાકર વગેર ખાસ ઉપસ્થિત રહ્યા હતા
રાજકોટ જિલ્લા ભાજપ સંસ્કૃતિક સેલના ક્ધવીનર મિલન કોઠારીએ જણાવ્યું છે કે, અગાઉ પણ દુબઈ ગુજરાતી સમાજના પ્રમુખ અશોકભાઈ કોટેચા તેમ જ જાણીતા પાશ્વગાયક મનહર ઉધાસ વગેરે સાથે અબુધાબી ખાતે બની રહેલા સ્વામિનારાયણની મુલાકાત લેવાની તક મળી હતી.
પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજે આ મંદિર માટે શુભ સંકલ્પ કર્યો હતો. યુએઈના રાજા દ્વારા મંદિર માટેની જમીન દાનમાં આપવામાં આવી હતી. આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિર કેવળ ઉપાસના અને સાધનાનું સ્થાન નહીં પરંતુ અહીંથી સમાજ કલ્યાણની ગંગોત્રી અવિરત વહેતી રહેશે. સેવા, સમર્પણ, શારીરિક શ્રમદાન અને આર્થિક બલિદાનથી નિર્માણાધીન આ મંદિર આવનારા યુગો સુધી આધ્યાત્મિકતા અને ભારતીય સંસ્કૃતિ પ્રકાશિત કરતું રહેશે. યુએઈ ખાતે રહેતા 26 લાખથી વધુ ભારતીયો અને પ્રવાસી તરીકે આવતા અનેક લોકોને આંતરધર્મીય સંવાદ, પ્લુરલિઝમ અને વૈશ્વિક માનવીય મૂલ્યોની પ્રેરણા આપશે. આ ઉપરાંત બાળકો તથા આવનારી અનેક પેઢીઓને ઉજ્જવળ ભાવિની દીશા ચીંધશે.
આ મંદિર અબુધાબીમાં અબુ મુરેખાહ ખાતે બંધાઈ રહ્યું છે. સમગ્ર મંદિર પરિસર કુલ 27 એકરમાં ફેલાયેલું રહેશે જેમાં 14 એકરમાં ભવ્ય મંદિર અને અન્ય સુવિધાઓ રહેશે. બાકીના 13 એકરમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં રહેશે. આ ઉપરાંત 4000 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો એક સભાગૃહ પણ હશે.
યુએઈ સરકારે મંદિર માટેની 2015 માં જાહેરાત કરી હતી. મંદિરના નિર્માણમાં ઇકો-ફ્રેન્ડલી અભિગમ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અબુધાબીના હિન્દુ મંદિરની ડિઝાઈન, તેનું નિર્માણ અને તેના સંચાલન માટે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાને પસંદ કરવામાં આવી છે. મધ્ય પૂર્વના આરબ દેશોમાં રચાઈ રહેલું પથ્થરમાંથી નિર્મિત સર્વપ્રથમ મંદિર હશે જેમાં 7 શિખરો હશે જે અનેક દૃષ્ટિકોણથી અદ્વિતીય અને અનોખું મંદિર બની રહેશે. મંદિરમાં થનારી પથ્થરની કોતરણી દ્વારા પ્રાચીન કલા અને સ્થાપત્યને પુનજીર્વિત કરવામાં આવી છે.
આ મંદિર પરિસરમાં વિઝીટર્સ સેન્ટર, પ્રાર્થના ખંડ, પ્રદર્શન ખંડ, સ્પોર્ટ્સ અંગેની સુવિધા, થીમેટીક બગીચાઓ, જળ સંસાધનો, ફૂડકોર્ટ, બુક સ્ટોક સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. રાજકોટથી ગયેલા આ મહાનુભાવોને મંદિર પરિસરમાં પ્રસાદનો લાભ પણ મળ્યો હતો.