સામાજીક અંતર સાથે રેલવે તંત્રે આપ્યો સૌને પ્રવેશ, રેલવે પોલીસનું સરાહનીય પગલું
કોરોનાની મહામારીથી સૌ કોઈ ચિંતિત છે. ગુજરાતમાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાની બીજી લહેરમાં કોરોના કેસો ઝડપભેર વધી રહ્યાં છે. રાજકોટમાં અલગ-અલગ ઈન્ડસ્ટ્રીઝમાં બહોળી સંખ્યામાં પરપ્રાંતિય શ્રમિકો રોજીરોટી અર્થે આવતા હોય છે ત્યારે કોરોનાના કેસોમાં વધારો થતાં શ્રમિકોની રેલવે સ્ટેશને લાઈન જોવા મળી હતી.
આજે બપોરના 12:30 કલાકે પોરબંદર-હાવડા ટ્રેન રવાના થવાના એક કલાક પહેલા રેલવે સ્ટેશન પર પરપ્રાંતિય શ્રમિકો પોતાના પરિવાર સરસામાન સાથે જોવા મળ્યા હતા. રેલવે સ્ટેશન પર તમામ મુસાફરોનું થર્મલ સ્ક્રીનીંગ, સેનેટાઈઝ કરી, ટીકીટ ચેક કરી રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. હાલ જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સનું યોગ્ય રીતે પાલન થાય તે માટે રેલવે પોલીસની મદદ લેવામાં આવી રહી છે. તમામ લોકોને માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા રેલવે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી રેલવે સ્ટેશન ખાતે પરપ્રાંતિય શ્રમિકોની લાઈનો જોવા મળી રહી છે. ત્યારે ક્યાંયને ક્યાંય લોકોમાં કોરોનાનો ડર તથા લોકડાઉન લાદવામાં આવશે તેવી અફવાના પગલે પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતન તરફ દોટ મુકી છે.
‘અબતક’ દ્વારા પરપ્રાંતિય શ્રમિકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે, હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે લગ્ન હોવાથી પરિવાર સાથે પોતાના વતન જઈ રહ્યાં છીએ. રાજકોટમાં 15 વર્ષથી કામ ધંધો કરીએ છીએ. રોજી રોટી સારી મળે છે પરંતુ લગ્ન હોવાથી બે મહિના પૂર્વે જ ટ્રેનની ટીકીટ બુક કરાવી હતી. તેથી જઈ રહ્યાં છીએ. કોરોના ડરના કારણે પોતાના વતન નથી જઈ રહ્યાં તે વાત ખોટી ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન મુકેશબાબુએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ઘણા સમયથી કામ કરીએ છીએ. કોરોનાની મહામારીના કારણે હાલ મંદી જોવા મળી છે. તેથી કામમાંથી થોડા સમયની રજા લઈ પોતાના વતન જઈ રહ્યો છે. થોડા સમય બાદ ફરીથી કામ અર્થે રાજકોટ પરત ફરીશ. હાલ એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. ધંધામાં મંદિ છે તેથી વતન જવું હિતાવહ લાગી રહ્યું છે.