બેંગ્લોર, મુંબઈ, સુરત અને રાજકોટ સહિત દેશના મોટાભાગના શહેરોમાં સ્થળાંતરિતોનો દેકારો :  વતન પરત મોકલવા સરકારે કરેલી વ્યવસ્થા બાદ જો કોઈ ચૂક રહી જશે તો સ્થળાંતરિતો કોરોના વિસ્ફોટ કરી શકે

મહામારી રોકવા માટે સરકારે તબક્કાવાર ત્રણ લોકડાઉનની અમલવારી કરાવી છે. આ લોકડાઉન દરમિયાન અન્ય એક સ્થળેથી બીજા સ્થળે વસવાટ કરતા શ્રમિકો, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓની હાલત કફોડી બની ચૂકી છે. કેટલાક સ્થળાંતરિતોને ઘરે જવાની મજબૂરી છે. તો કેટલાક સ્થળાંતરિતો પુરતી સુવિધા મળતી હોવા છતાં ઘરે જવાની જીદ લઈને બેઠા છે. સરકારે તમામ સ્થળાંતરિતોને પોતાના વતન પહોંચાડવાની વ્યવસ્થા તો કરી છે પરંતુ આ વ્યવસ્થામાં ક્યાંક જો ચૂક રહી જશે તો કોરોનાના કેસમાં વિસ્ફોટ થશે અને મહામારીને રોકવી ખુબજ મુશ્કેલ બની જશે તેવું સામે આવી રહ્યું છે.

દેશના વિવિધ સ્થળે ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, પં.બંગાળ અને ઓરિસ્સાના શ્રમિકો ઉદ્યોગોમાં શ્રમદાન કરે છે. આ ઉપરાંત દેશના ઘણા રાજ્યોના વિદ્યાર્થીઓ પણ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અભ્યાસ કરી રહ્યાં છે. કેટલાક પ્રવાસીઓ એવા છે જેઓ લોકડાઉન સમયે પ્રવાસનના સ્થળે હતા અને એકાએક લોકડાઉનની જાહેરાત થતાં ત્યાં ફસાઈ ચૂકયા છે. આવા લોકોની સંખ્યા લાખોમાં છે. જેમાંથી કોને ક્યાં ચેપ લાગ્યો છે તેનો કોઈ અદાજ નથી. લાખો લોકો પોતાના વતન જવા ધીરજ ગુમાવી રહ્યાં છે. પરિણામે ગઈકાલે દેશના લગભગ તમામ શહેરોમાં સ્થળાંતરિતોએ દેકારો કર્યો હતો. સરકારે પણ આવા સ્થળાંતરિતોને વતન પરત મોકલવા તૈયારી કરી છે. ખાસ ટ્રેન દોડાવાઈ છે.

ગઈકાલે બેંગ્લોર, મુંબઈ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં રઘવાયા થયેલા સ્થળાંતરિતોએ દેકારો બોલાવ્યો હતો. બેંગ્લોરમાં સ્થળાંતરિતોના ટોળા અને પોલીસ જવાનો વચ્ચે અથડામણ પણ થઈ હતી. પથ્થરમારાના કારણે જાનમાલને નુકશાન થયું હતું. પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. બેંગ્લોરમાં ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડના અનેક લોકો કામ કરી રહ્યાં છે. બેંગ્લોરમાં ઈન્ટરનેશનલ હેબીશન સેન્ટર ખાતે સ્થળાંતરીતોને પરત મોકલવાનો કેમ્પ શરૂ  થયો હોવાની અફવા ઉડી હતી. પરિણામે હજારોની સંખ્યામાં સ્થળાંતરિતો એકઠા થયા હતા અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આવી જ સ્થિતિ સુરતમાં જોવા મળી હતી. જ્યાં પોલીસને કડક હાથે કામ કરવાની ફરજ પડી હતી. રાજકોટમાં પણ સ્થળાંતરિતો રોડ ઉપર ઉતરી પડ્યા હતા. ભારે કસ્મકસ બાદ મામલો થાળે પડ્યો હતો. આવું જ મુંબઈમાં પણ બન્યું હતું. જ્યાં વતન પરત જવાની જીદ સાથે ટોળા ઉમટવા લાગ્યા હતા. જો કે, પોલીસે કડક પગલા અને સમજાવટ બાદ મામલો થાળે પાડ્યો હતો.

નોંધનીય છે કે, ગુજરાતમાં રહેલા સ્થળાંતરિતોને પોતાના વતન પર મોકલવાની કામગીરી શરૂ  થઈ ચૂકી છે. વેબસાઈટ પર નોંધણી બાદ સ્થળાંતરિતોને ટ્રેન મારફતે પરત મોકલાઈ રહ્યાં છે. રાજ્યના તમામ જિલ્લાના કલેકટર તંત્ર સહિતનાએ આ કામગીરી આરંભી છે. અલબત સરકારની કામગીરી અંગે અનેક સવાલો ઉભા થયા  હતા. સ્થળાંતરિતો પાસે ભાડુ લેવાશે કે કેમ તે અંગે રાજકારણ શરૂ  થયું હતું. સરકાર પોતાના ખર્ચે સ્થળાંતરિતોને વતન પરત પહોંચાડી રહી છે. અલબત આ વતન જવાની જીદ બેખૌફી, બેદરકારી કે મજબૂરી દેશને કોરોના સામે લાચાર બનાવી દે તેવી દહેશત છે. જો કોઈ સ્થળાંતરિત વ્યક્તિઓ કોરોનાના સંક્રમણનો શિકાર બન્યો હશે તો આ સંક્રમણ અન્ય સુરક્ષીત સ્થળે પણ લાગશે. આવો જ એક તાજો દાખલો જામનગરમાંથી સામે આવ્યો છે. અત્યાર સુધી જામનગર જિલ્લો ગ્રીન ઝોન સમાન હતો. નજીવા કેસ નોંધાયા હતા ત્યારબાદ જામનગર કોરોના મુક્ત થઈ ગયું હતું. પરંતુ એકાએક ત્રણ થી ચાર લોકોના અમદાવાદ (રેડ ઝોન)માંથી જામનગર લાવવાની કવાયત થઈ હતી અને કવોરન્ટાઈન કરાયા હતા. જ્યાં માલુમ પડ્યું હતું કે, કેટલાક લોકો સંક્રમણનો શિકાર બની ચૂકયા છે. આવી જ સ્થિતિ અન્ય રાજ્યોમાં પણ થઈ શકે છે. સંક્રમણનો ભોગ બનેલી વ્યક્તિ નહીં પકડાય તો અનેક લોકોના મોત નિપજી શકે છે.

  • અબતક દ્વારા ગત ૨૮ માર્ચે જ સ્થળાંતરિતોની બેખૌફી અને મજબૂરીથી આરોગ્યના જોખમ અંગેના અહેવાલો પ્રસિધ્ધ થયા હતાScreenshot 1 3
  • દુબઈ-અબુધાબીમાંથી બે લાખથી વધુ ભારતીયોને ૭મીથી પરત લાવવા કવાયત

દુબઈ અને અબુધાબીમાં ફસાયેલા ૨ લાખથી વધુ ભારતીયોને આગામી તા.૭મીથી પરત લાવવાની કવાયત કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. આ ભારતીયો માટે યુદ્ધ જહાજો, નેવીના જહાજો અને કોમર્શિયલ ફલાઈટનો ઉપયોગ કરવામાં આવનાર છે. અગાઉ ૧૯૯૦ વખતે કુવેતમાં થયેલા સંગ્રામ સમયે પણ ભારત દ્વારા ૧.૭ લાખ ભારતીયોને પરત લવાયા હતા. યુએઈના વિવિધ પ્રાંતમાં લાખો ભારતીયો વસવાટ કરે છે. વર્તમાન સમયે મહામારી સામે દુબઈ સહિતના સ્થળો ટકી શકે તેવી સ્થિતિમાં નથી. એક તરફ લાખો લોકોના જીવનો પ્રશ્ર્ન છે. બીજી તરફ દુબઈનું અર્થતંત્ર પડી રહ્યું છે. જેના ગંભીર પરિણામો આગામી સમયમાં ભોગવવા પડશે તેવી વકી છે. ભારત સરકાર દ્વારા હવે લાખો લોકોને પરત લાવવા પ્રયાસ હાથ ધરાશે. ભારત આવ્યા બાદ લોકોને કેટલીક શરતોનું પાલન કરવું પડશે. જેમાં કોવિડ ટેસ્ટ કર્યા બાદ ૧૪ દિવસના એકાંતવાસ અને ત્યારબાદ સરકાર અને આરોગ્યતંત્રના દિશાનિર્દેશ મુજબ વતન આવનાર દરેકને નિયમો પાડવાના રહેશે. તમામ માટે આરોગ્ય સેતુ એપ્લીકેશનમાં નોંધણી કરવાનું ફરજિયાત રહેશે. ભારતીય દુતાવાસ અને વિવિધ દેશમાં રહેલી એલચી કચેરીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી વતન વાપસી માટેના ભારતીય નાગરિકોને આ સુવિધાઓ આપવામાં આવશે.

  • સ્થળાંતરિતોને ટિકિટનું ભાડુ આપવાની કોંગ્રેસની જાહેરાત શું રાજકીય સ્ટંટ ?

પોતાના વતનને છોડીને ધંધા-રોજગાર નોકરી કે અભ્યાસ માટે દેશના વિવિધ ભાગોમાં સ્થાયી થયેલ રપ ટકા સ્થાંનાતરીતો લોકડાઉનમાં સરકાર માટે માથાના દુ:ખવારૂ પ સાબિત થઇ રહ્યા છે આવા સ્થાનાતરીતોને પોતાના વતનમાં જવા ઉતાવળા થઇ રહ્યા હોય કેન્દ્ર સરકારે તાજેતરમાં તેમના ૫રિવહનની આંશિક પરિવહનની છુટછાટ આપી હતી. જેથી કોરોનાના ભયથી ડરેલા આવા સ્થાંનાતરીતો મોટા પ્રમાણમાં પોતાના  વતનમાં જવા રસ્તાઓ પર ઉભટી આવી રહ્યા છે.  લોકડાઉનમાં છેલ્લા ૪૦ દિવસથી ધંધા-રોજગાર બંધ હોય આવા સ્થાનાતરીતોને તેમના વતનમાં  જવાના ટીકીટ ભાડુ ચુકવવામાં અનેક સ્થાનો પર મુશ્કેલી પડી રહ્યાની ફરીયાદો ઉઠવા પામી હતી. જેથી, દેશભરમાંથી આવા સ્થાનાતરીતોને તેમના વતનમાં જવાનું ટીકીટ ભાડુ કોંગ્રેસ પાર્ટી ચુકવશે તેવી કોંગ્રેસ અઘ્યક્ષ સોનિયા ગાંધીએ તાજેતરમાં જાહેરાત કરી હતી.સ્થાનાતરીતોને તેમના વતનમાં પરત મોકલવા માટે ટીકીટ ભાડુ કોણ ચુકવશે? તે મુદ્દે સ્પષ્ટતા ન કરનારી કેન્દ્ર સરકારે સોનિયાની આ જાહેરાત બાદ સ્પષ્ટતા કરી છે. કેન્દ્ર સરકારના સંયુકત આરોગ્ય સચિવ લવ અગ્રવાલે આ મુદ્દે ગઇકાલે જણાવ્યું હતું કે સ્થાનાતરીતોને તેમના વતનમાં પરત મોકલવા માટે કોઇ ટીકીટ ભાડુ વસુલવામાં આવતું નથી. આ ટીકીટ ભાડાની ૮૫ ટકા રકમ રેલવે તંત્ર અને ૧પ ટકા રકમ રાજય સરકાર ભોગવી રહી છે. દરેક રાજય સરકારો તેમના રાજયના સ્થાનાતરીતોની માંગ મુજબ શ્રમિક સ્પેશ્યલ ટ્રે્રન માટેની રેલવે પાસે માંગ કરી શકે છે. જે બાદ રેલવે તંત્ર જે તે વિસ્તારો વચ્ચે સ્પેશ્યલ ટ્રેન દોડાવવાની મંજુરી આપે છે. કેન્દ્ર સરકારની સ્થાનાકરીતો પાસેથી જેમના વતનમાં જવા કોઇ ટીકીટ ભાડુ વસુલવી નથી કે વસુલનારી નથી તે સ્પષ્ટતા બાદ સોનિયા ગાંધીનું સ્થાનાતરીતોની ટીકીટભાડુ કોંગ્રેસ પાર્ટી દ્વારા ચુકવવાની જાહેરાત રાજકીય સ્ટંટ સમાન પુરવાર થઇ રહ્યું હોય તેમ સાબિત થવા પામ્યું છે. કેન્દ્ર સરકારની આ સ્પષ્ટતા પછી કોરોના જેવી મહામારીના સમયમાં  કેન્દ્ર સરકારને મદદ કરવાના બદલે કોઇને કોઇ મુદ્દાને રાજકીય રંગ આપવાના કોંગ્રેસના પ્રયાસો સામે લોક આક્રોશ ઉભો થવા પામ્યો છે.

  • કોરોનાનાં રિકવરી રેટમાં પણ જબરદસ્ત ઉછાળો

કોરોના મહામારીના કેસ થોડા સમયથી સતત વધ્યા છે. અલબત અન્ય દેશોની સરખામણીએ ભારતમાં કોરોનાનો ચેપ લાગ્યા બાદ સાજા થતાં દર્દીઓની ટકાવારીમાં પણ જબરજસ્ત ઉછાળો નોંધાયો છે. એક તરફ કોરોનાનો ડબલીંગ રેટ પણ ૧૪ દિવસની સરેરાશે પહોંચી ગયો છે. રિકવરી રેટ પણ ઘટ્યો છે. આવા સંજોગોમાં જે રીતે વધી રહી છે તેના પરથી ફલીત થાય છે કે, જો લોકડાઉનની યોગ્ય અમલવારી કરવામાં આવશે તો અન્ય દેશોની સરખામણીએ ભારત ઝડપથી કોરોના મુક્ત થઈ જશે. અલબત થોડા સમયથી દેશમાં સ્થળાંતરિતોની સમસ્યાએ માથુ ઉંચક્યું છે.  જેના પરિણામે કોરોના વાયરસ રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં એટલે કે કોરોનાની અસરગ્રસ્ત ઝોનમાંથી અન્ય વિસ્તારોમાં ફેલાય તેવી દહેશત સેવાઈ રહી છે. જો લાખો શ્રમિકોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં થોડી પણ ચૂક થશે તો લાખો લોકોના જીવન ઉપર ખતરો તોળાવા લાગશે. અલબત સરકારે સ્થળાંતરિતોને કવોરન્ટાઈન રાખવા અને જરૂ ર જણાયે ટેસ્ટ કરવાની તૈયારી પણ કરી લીધી હોવાનું સામે આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.