આનંદો… ૩૦ ટકા ‘ગુમસુદા’ મતદારો લોકશાહીને મજબૂત કરી શકશે
આધારકાર્ડને વોટર આઈડી કાર્ડ સાથે લીંકઅપ કરી અત્યાધુનિક ટેકનોલોજીથી મતદારની ખરાઈ થયા બાદ મતદાર ગમે ત્યાંથી મતદાન કરી શકશે
દેશમાં ૩૦ ટકા મતદારો એવા છે જે પોતાના મતદાન ક્ષેત્રથી દૂર વસવાટ કરતા હોય છે. પરિણામે ચૂંટણી સમયે તેઓ મતદાન કરવા પહોંચી શકતા નથી. આવા ૩૦ ટકા મતદારોના કારણે ઘણી વખત ચૂંટણીના પરિણામો ઉંધી દિશામાં ચાલ્યા જાય છે. જેથી હવે આવા મતદારો પણ લોકશાહીને મજબૂત કરે તેવી ગોઠવણ સરકાર કરવા જઈ રહી છે. હવે કોઈપણ સ્થળાંતરીત મતદારો મતદાનથી વંચિત રહે નહીં તે માટેની સુવિધા ચૂંટણી વિભાગ દ્વારા ગોઠવાય છે.
તાજેતરમાં ચૂંટણીપંચને કેટલીક સત્તાઓ અપાઈ હતી. જેમાં આરપી એકટ અને આધાર એકટને સંકલીત કરવાનો નિર્ધાર થયો હતો. આધાર નંબરને વોટર આઈડી કાર્ડ સાથે જોડવાનો પ્રયાસ થશે. દૂર વસતા મતદારો સમયસર મતદાન કરી શકે અને પોતાના મતક્ષેત્ર સુધી લાંબા થવું ન પડે તે માટે મતદાન મથક પર અત્યાધુનિક સંશાધનો ગોઠવવામાં આવશે. અત્યાધુનિક મતદાન મથકમાં આધારકાર્ડ સાથે લીંક થયેલા વોટર આઈડી કાર્ડને ઈમેજ અને વોઈસી ઓેન્ટીકેશન કરવામાં આવશે. મતદારને ૧૨ ડિજીટના આધાર આઈડીથી પણ ઓળખી શકાશે. ઉપરાંત આધાર વેરીફીકેશન પધ્ધતિના માધ્યમથી પોલીંગ એજન્ટ મતદારની ખરાઈ કરી શકશે.
અહીં નોંધનીય છે કે, દેશમાં ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લાખો મતદારો શહેરી વિસ્તારમાં સ્થળાંતરીત થઈ ચૂકયા છે. ઉપરાંત એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં નોકરી-ધંધા કે પારિવારીક કારણોસર સ્થળાંતરીત થતા હોય તેવા પણ લાખો લોકો છે. આ બધા લોકો લોકસભા કે વિધાનસભાની ચૂંટણી સમયે પોતાના મતદાન ક્ષેત્રમાં યોગ્ય સમયે પહોંચી શકતા નથી. આવા સંજોગોમાં મતદાનથી વંચિત રહી જતાં મતદારોને ગમે ત્યાંથી મતદાનની સુવિધા ચૂંટણીપંચ આપવા જઈ રહ્યું છે.
સ્થળાંતરીત મતદારનું વેરીફિકેશન આવી રીતે થશે
કેટલાક ચોક્કસ મતદાન મથકોએ અત્યાધુનિક સાધનો ગોઠવાશે. જ્યાં મતદાનના ફિંગર પ્રિન્ટના બાયોમેટ્રીક ડેટા લેવાશે. ઉપરાંત ઈનબીલ્ટ લીવલાઈનેશ ટેસ્ટ દ્વારા મતદારના ચહેરાની ઓળખ થશે જેમાં મતદારે પોતાનું માથુ એક દિશાએથી વરુધ્ધ દિશામાં ફેરવવાનું રહેશે જેના ચિત્રો કોમ્પ્યુટરમાં ઉતરશે. ત્યારબાદ વોઈસ બાયોમેટ્રીક ઓેન્ટીકેશન માટેની પ્રક્રિયા થશે. નોંધનીય છે કે, આધારનો ડેટા કોઈ સ્થળે સ્ટોરેજ થતો નથી. માટે વિડીયો રેકોર્ડીંગ કે વેબ કાસ્ટીંગના માધ્યમથી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મતદાન કરવા આવનાર વ્યક્તિ બોગસ તો નથીને? તેની ખરાઈ કરવા ઈલેકટ્રોનિક પોસ્ટર બેલેટની પધ્ધતિ પણ અપનાવાશે. ઉપરાંત ક્યુઆર કોડનો પણ ઉપયોગ થશે.
વોટીંગ પ્રોટોકોલ સમયે બ્લોક ચેઈન ટેકનોલોજીનો ઉપયોગ
બોગસ વોટીંગ થાય નહીં તે જોવા માટે વોટીંગ પ્રોટોકોલ સમયે તંત્ર દ્વારા બ્લોક ચેઈન ટેકનોલોજીનો ઉપયોગ થશે. વર્તમાન સમયે રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સ્ટેજમાં આ ટેકનોલોજીનો પ્રયોગ થઈ રહ્યો છે. જેમાં મતદારને હેશકોર્ડ ફાળવાશે. જો મત સાથે છેડછાડ થઈ હશે તો ઘટસ્ફોટ થશે. આ હેશકોર્ડના માધ્યમથી મતદાર ક્યાં મતદાન ક્ષેત્રનો છે અને ક્યાંથી વોટ આપવા માંગે છે, તેમજ સામાપક્ષેથી મતદાન થયું છે કે કેમ તે તપાસવાની ટુ વે ટેકનોલોજીનો ઉપયોગ થશે.