પ્રજા સતત વિભાજિત થતી હોવાનું ઉપસતું ચિત્ર:કોરોના વાયરસનો હાહાકાર શમ્યા બાદ પોલિસ સહિતના વહિવટકર્તાઓ પ્રત્યેની કટ્ટુતા રાજકીય ક્ષેત્રને પણ સ્પર્શવાનાં ચિહનો: પ્રજા-રાજકર્તા વચ્ચેનાં સંઘર્ષમાં માઠા પરિણામો આવવાની દહેશત: સંવાદિતા કથળશે ! અસામાજીક તત્વો માથુ ઉંચકવાની ઘેરી સંભાવના
સરહદો સીલ કરવાની હિલચાલ અશાંતિ સર્જવાનો સંભવ: બજારો પર વિપરિત અસરનું જોખમ કોઈપણ કડક પગલા તંત્ર અને પ્રજા વચ્ચે તડાફડી સર્જવાની મજબૂત વકી: કોરોના ગ્રસ્ત મુશિબતોને થાળે પાડવામાં અને પૂન: સંવાદિતા સર્જવામાં તંત્રના નાકે દમ આવી જવાનું નકકી !
ગૂજરાતના ગ્રઝલ સમ્રાટ શ્રી અમૃત ‘ઘાયલ’એ તેમની એક ગઝલમાં લખ્યું છે કે
‘ભરી દરબાર બેઠો છું છતા ભેંકાર લાગે છે
સકળ સંસાર ભૂતાવળતણો ઓથાર લાગે છે’
તેમણે જે અકે બીજી ગઝલમાં લખ્યું છે કે
‘કહે છે રંગમાં આવો, પરંતુ રંગ એ લાવી નથી શકતો
પડી છે બેડીઓ એવી કખખડાવી નથી શકતો’
આ ગઝલોમાં અત્યારે આપણા દેશના સામાન્ય માનવીઓની હાલતનો આબેહૂબ ચિત્તાર છે.
સત્તાધીશોનાં કોરોનાલક્ષી નિર્ણયોથક્ષ આમ જનતા તંગ આવી ગઈ છે. એમાં પણ સ્થાંતરિત હિજરતીઓ તેમજ મજૂરી કરતા અસંખ્ય લોકો તો ત્રાહિમામ પોકારી પોકારી ગયા છે. આને લીધે પ્રજા સતત વિભાજીત થતી રહી હોવાનું ચિત્ર ઉપસે છે. અને તે આપણા સમાજ માટે અમંગળ એંધાણ હોવાનાં સંકેતો આપે છે.
કોરોના વાયરસનો હાહાકાર આપણા ગરીબ અને અકિંચન લોકો માટે અતિ વસમો બન્યો છે.એ શમ્યા બાદ પોલિસ સહિતના પોલિસ તંત્ર સહિતના વહિવટકર્તાઓ પ્રત્યેની તેમની કડવાશ રાજકીય ક્ષેત્રને પણ સારી પેઠે સ્પર્શવાની દહેશત પેદા કરે છે.
એને લીધે સામાજિક સંવાદિતા કથળશે અને અસામાજીક તત્વોને માથું ઉંચકવાની તક મળશે.
સરહદો સીલ કરવાની હિલચાલ અશાંતિ નોતરશે. બજારો પર પણ વિપરિત અસરનું જોખમ વધશે અને ઉથલપાથલોની શકયતાઓ વધારશે.
કોઈ ગમે તેમ કહે તો પણ કોરોના વાયરસ એ કૂદરતી કોપનું પરિણામ છે. કેટલાક ચૂસ્ત આસ્તિક લોકો તો એવું કહેવા પ્રેરાય છે. કે વિશ્ર્વની માનવજાતે કરેલા પરમેશ્ર્વરને અણગમતા અને કૂદરતની તથા પ્રકૃતિની મૂલ્યવાન સંપત્તિનો મન ફાવે તેમ દ્રોહ કરતા દૂષ્ટકૃત્યોની આ આકરામાં આકરી શિક્ષા છે. આપણો દેશ પણ એમાંથી બાકાત રહી શકયો નથી.
આપણા રાજકીય ક્ષેત્ર પ્રતિ દ્રષ્ટમાંડીએ છીએ તો અને રાજકર્તાઓનાં કયાર્ં કરાવ્યાં કારસ્તાનોનો જાય જો લેવા બેસીએ છીએ તે વખતે એમના પ્રત્યે એવી ચીડ ચડે છે કે એ બધામાં એક બીજાથી ચઢે એવી શયતાનિયત સિવાય એમના જમા પાસામાં અન્ય કશું જ નજરે પડતું નથી. ઈન્સાનિયતનો તો છાંટો પણ નથી તેમણે તેમની જનની સમી. માતૃભૂમિને પણ તેમણ અવાર વાર આચરેલી હેવાનિયતમાં છોડી નથી.
માબાપને ભૂલશો નહિ એ વાતને તો આપણા રાજકારણીઓ, રાજપુરૂષો, નેતાઓ અને રાજકર્તાઓ જાણે દુરાચારતા મદિરા સાથે ધોળીને પી ગયા છે !
શ્રી રામના બાંધવ ભરતસમા સાધુચરિત રાજકર્તા આપણા રાજકીય ક્ષેત્રે કોઈ એકાદ પણ નથી!
શબ્દ ભંભોટીયા અને પાખંડ કપટમાં પાવરધાઓ જ આપણા દેશની રાજગાદી ઉપર ચઢી બેઠા છે, જેમને સારા વિચારનું કે સત્કર્મનું એકાદ સપનું પણ આવ્યું હોવાનો સંભવ નથી.
સતયુગમાં એમ કહેવાયું છે કે પાપનો ઘડો ફૂટયા વગર રહેતો નથી એમ પણ કહેવાયું છે કે, મનુષ્યનાં છાના છૂપાં પાપ કયારેક ને કયારેક છાપરે ચઢીને પોકારે છે. અને પાપીને જેવો હોય તેવો, અર્થાત્ આખો સમાજ એનાં ઉપર થૂંકે એવો ચીતરી આપે છે…
કોરોના વાયરસે સર્જેલા હાહાકારમાં આ બધું જ છે.
કહે છે કે, શિશુનાં સ્મિતઅને માતાનાં ધાવણને એની વિશુધ્ધતા તથા પવિત્રતા સાબિત કરવા ‘આઈએસઆઈ’ ના માર્કાની જરૂર હોતી નથી.
આપણા દેશને જો આઈએસઆઈ માર્કાની જરૂરત ન હોય એવા નેતાઓની જબરી ખોટ છે.
સારા નેતાઓ વગરનો આ દેશ છે. એ રીતે આ કમનશીબ દેશ છે! ‘અપને હી હાથોં સે હમને અપના બાપૂ ખોયા, પ્યારા બાપૂ ખોયા’
જગવંધ્ય મહાપૂરૂષને ખોઈ નાખ્યા પછી એ ખાલીપો સ્હેજેય પૂરાયો નથી.
આપણામાં એક કહેવત છે કે, લાખ મરજો પણ લાખના તારણહાર ન મરજો…
લાખોનો તારણહાર બને એવા નેતાની આદેશને ખોટ છે. એનું ‘ઈસેન્સ’ સુધ્ધાં કોરોના વાયરસે ખૂંચવી લીધું છે! ફરી ફરીને એમ કહેવું પડે છે કે આપણે જેજે બાબતોમાં આઝાદી પછી પણ ગરીબ રહ્યા હતા, તેમાં વધુ ગરીબ બન્યા છીએ.
ઉપર દર્શાવ્યું છે તેમ કોરોના વાયરસનાં અનેકવિધ ડંખોની વેદનાઓને અથવા નષ્ટ થયેલી સંવાદિતાને થાળે પાડતાં આપણા માનવ સમાજને તેમજ વહીવટકર્તાઓને નાકે દમ આવી જશે એ નકકી છે. એમાં ‘એલર્ટ’ આલબેલ સતત ચાલુ રહેવાની શકયતાને નકારાતી નથી!