ભવનાથમાં ચાલતા મહાશિવરાત્રીના મેળામાં આજે હજારો અઘોરી સાધુઓ મૃગી કુંડમાં ડુબકી લગાવી થઈ જશે અદ્રશ્ય
વિવિધ અખાડાના સાધુ-સંતો, મહંતો, દિગમ્બર સાધુઓની ભવ્યાતિ ભવ્ય રવેડી નિકળશે: મૃગી કુંડમાં સ્નાન અને ભવનાથ દાદાની મહાઆરતી બાદ થશે મહાશિવરાત્રીના મેળાનું સમાપન
૨૧ આજે પવિત્ર શિવરાત્રિનો દિવસ અને મેળાનો અંતિમ દિવસ છે અને ભવનાથનો શિવરાત્રી મેળો ચરમસીમાએ પહોંચ્યો છે, દેશ વિદેશના ભાવિકો સાથે વિદેશી લોકો પણ આજની દિગંબર સાધુઓની રવેડી અને સંતોના શાહી સ્નાનના દર્શન કરવા લાખોની સંખ્યામાં જોડાશે.
ભરપૂર જામેલા ભવનાથના મેળામાં ભવનાથ શ્રેત્રાના સંતો, મહંતોના આશ્રમો સેવક ગણોથી ઉભરાય રહ્યા છે, અનેક આશ્રમોમાં ભંડારા યોજાય રહ્યા છે, તો દેશભરમાંથી ભવનાથ શ્રેટ્રમાં પધારેલા સંતો, દિગંબર સાધુઓ ધુણાઓ ધખાવી ભાવિકોને દર્શન અને આશીર્વાદ આપી રહ્યા છે.
આ મેળામાં ભક્તિ સાથે ભજન સાથે ભજનનું પણ મહત્વ હોય ત્યારે રાત્રિના સમયે ભવનાથના મેળામાં આવેલા સાધુ-સંતોના આશ્રમોમાં અને ભવનાથ ક્ષેત્રોમાં રાતભર ભજનની રંગત જામે છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ ભજનિકોની સાથે ઊભરતા કલાકારો પણ ભજનની રંગત જમાવે છે અને ભજનના રસિયાઓ ભજનના રંગે રંગાય રહ્યા છે.
મેળામાં બાળકો તથા યુવાનો ચકડોળ, ફાજતફાલકા અને મનોરંજનના ઉપકરણોમાં ચિચિયારી સાથે આનંદ મેળવી રહયા છે, ભજનના રસિયાઓ ભજનની મોજ માણી રહ્યા છે, સંત પ્રેમીઓ સંતોની સેવામાં મગ્ન છે, અન્ન શ્રેત્રોના સંચાલકો, સેવકો ભાવિકોની સેવામાં મસ્ત બન્યા છે.
શિવરાત્રિના પાંચ દિવસ દરમિયાન મેળામાં આવતા ભાવિકો માટે લગભગ ૨૫૦ થી વધુ સંતોના આશ્રમ, અન્ન શ્રેંત્રો, ઉતારા મંડળો, સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ પકવાનો સાથેના ભાવતા ભોજન, ચા, છાસ, સરબત, નાસ્તા અને આરામ તથા રાત વાસાં માટે પાગરણ, ગાદલા સહિતની નોંધનીય સેવાઓ અપાય રહી છે. અને લાખો લોકો તેનો લાભ લઈ રહ્યા છે.
ગઇકાલે મેળાનો ચોથા દિવસ હતો ત્યારે લગભગ ૬ લાખથી વધુ લોકો આ મેળાને માણવા આવી ચૂક્યા હોવાનું અનુમાન થઈ રહ્યું છે, અને આજે આ લખાય છે ત્યારે ગુજરાતભરમાંથી બસ, ટ્રેઈન, ખાનગી વાહનોમાં હજારોની સંખ્યામાં લોકો જુનાગઢ તરફ આવી રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે, આજ સવારથી જ જુનાગઢ આવતી તમામ બસો, ટ્રેઈન લોકોથી ભરચક્ક આવી રહી છે, તો ભવનાથ ક્ષેત્રમાં જતો રસ્તો ભાવિકો અને વાહનોથી ભરચક્ક છે, અને આજે મેળાનો અંતિમ દિવસ છે ત્યારે મેળામાં લાખો લોકો આવી પહોંચે તેવું અનુમાન થઈ રહ્યું છે ત્યારે બપોરથી જ ભવનાથ તરફ તમામ વાહનો માટે પ્રવેશ બંધી કરી દેવામાં આવશે.
ભવનાથ મહાદેવ મંદિરે સંતોની અને જૂનાગઢના અધિકારીઓ, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિરના શિખર ઉપર ધ્વજા રોપણ થયા બાદ આ મેળાનો પ્રારંભ થયો હતો અને પ્રથમ દિવસથી જ મેળો જામ્યો છે, ગઇકાલે મેળાના ચોથા દિવસ સુધીમાં લગભગ ૬ લાખથી વધુ લોકો ભવનાથનો મેળો માણી ચૂક્યા છે. ત્યારે આજે શિવરાત્રિ અને મેળાનો મહત્વનો છેલ્લો દિવસ હોવાથી ભવનાથના ખાતે રાત્રિના સમયે હર હર ભોલે… બમ બમ ભોલેના નાદ સાથે ભવનાથ ક્ષેત્રના વિવિધ અખાડાના સાધુ-સંતો-મહંતો દિગંબર સાધુઓની ભવ્યાતિભવ્ય રવેડી નીકળશે, બાદમાં દિગંબર સાધુ-સંતો મૃગીકુંડમાં સ્નાન કરશે અને ભવનાથ દાદાની મહાઆરતી સાથે ભવનાથનો શિવરાત્રી મેળો સંપન્ન થશે.
આ મેળાનો મહત્વનો શિવરાત્રિનો પાવન દિવસ આજે છે ત્યારે સવારથી છેક રાતના બાર વાગ્યા સુધી લોકો ધોમ ધખતા તડકા, ભોજન કે તરસની પરવા કર્યા વગર રવેડીના દર્શન કરવા માટે ભવનાથના રવે ડીના માર્ગો ઉપર એક જ જગ્યાએ બેસી રહી રવેડીનો રવેડીના દર્શન કરી ધન્યતા અનુભવશે.
આ વર્ષે મેળામાં કોરોનાના વાયરસને કારણે લોકો ઓછા આવે તેવી શક્યતા સેવાઈ રહી હતી પરંતુ તે તમામ શક્યતાઓ ખોટી સાબિત થવા પામી છે અને આ પાંચ દિવસના મેળામાં અનુમાન બહારના લાખો ભાવિકોએ મેળો માણ્યો છે.
આમ જોઈએ તો ભવનાથનો શિવરાત્રિનો મેળો એટલે સંત સમુદાયનું મિલન સ્થાન ગણાય છે તેથી આ મેળામાં દેશભરના સંતો, મહંતો, દિગંબર સાધુઓ, યોગીઓ, જોગીયો, તપસ્વીઓ ખાસ આ દિવસોમાં પધારે છે અને પાવન પવિત્ર ભવનાથ ક્ષેત્રમાં ધુણા ધખાવી, તપ આરાધના કરવાની સાથે આ મેળામાં આવતા લોકોને દર્શનનો લાવો આપે છે અને શિવરાત્રીની રાત્રિના રવેડીમાં જોડાઈ છે અને રવેડી પૂર્ણ થયા બાદ ભવનાથ મંદિર પાસે આવેલ મરઘી કુંડમાં શાહી સ્નાન કરી પોતાના આશ્રમમાં ભણી રવાના થાય છે.
જયશ્રીકાનંદજી મહારાજના સંચાલન હેઠળ આ વખતનો શિવરાત્રી મેળો યોજવામાં આવ્યો છે, આ ઉપરાંત
અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મુકતાનંદ બાપુ, મહામંડલેશ્વર ભારતીબાપુ, ભવનાથ મંદિરના મહંત હરીગીરિ બાપુ, મહંત તનસુખગિરી બાપુ, ઇન્દ્રભારતી બાપુ , તેમજ ગિરનાર મંડળના સંતોના સાનિધ્યમાં અને જૂના અખાડા, અગ્નિ અખાડા, આહવાન અખાડાના સંતોના વડપણ હેઠળ આવતી કાલે અદભૂત, અલૌકિક અને ભવ્ય રવાડી યોજવામાં આવશે.
રવાડીમાં દિગંબર સાધુઓ ભાલા, તલવાર, લાઠી સાથે અંગ કસરતના હેરતભર્યા પ્રયોગ કરી અને અવનવા દાવો રજૂ કરતા હોવાથી આ રવેડીના દર્શન કરવા એ પણ એક લહાવો ગણાય છે.
ભવનાથ ની શિવરાત્રિની રવેદીમાં આ વર્ષે પ્રથમ વખત જ વ્યંઢળ અખાડા જોડાય રહ્યું છે, અને વ્યંઢળ અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણનંદજી સહિતનાં અખાડાના સાધ્વીઓ ભવનાથ ખાતે પધાર્યા છે. જેઓ રવેડી માં જોડાઈને શાહી સ્નાન પણ કરશે.
રવેડીમાં પ્રથમ પાલખી પંચદશનામી અખાડાની
ભવનાથમાં આજે શિવરાત્રિની રાત્રે ૯ વાગ્યાનાં અરસામાં ભવનાથ મંદિરની પાછળ આવેલા જુના દશનામી પંથ-અખાડાથી દિગંબર સાધુઓ સાથેની રવેડી પ્રારંભ થાય છે. આ રવેેેડિમાં પ્રથમ પંચદશનામી અખાડાની પાલખી ભગવાન દત્તાત્રેયની હોય છે. તે ઉપરાંત અભાવ અખાડાના ગાદીપતિની પાલખી અને અગ્નિ અખાડાના ગાયત્રીજીની પાલખી સાથે આ રાવેડી ભવનાથ શેત્રમાં વિહરે છે,
આ રવેદિમાં અલગ અલગ જગ્યાએથી આવેલા સાધુ-સંતો પોતપોતાના રસાલા, ધર્મધજા અને ધર્મદંડ સાથે પોતાના શિષ્યો સાથે નીકળે છે. જેમાં દિગંબર સાધુઓના ભાલા, તલવાર તથા પટાબાજીનાં ખેલ અને લાઠી(લાકડી)નાં હેરતભર્યા પ્રયોગો જોવા લોકો ઉમટી પડે છે.
આ સરઘસમાં એક લોકમાન્યતા મુજબ અમરાત્મા અશ્વત્થામા, પાંચ પાંડવો, રાજા ગોપીચંદ અને ભરથરી પણ સાધુવેશે આ સરઘસમાં હોય છે. આમ આ સરઘસ ફરતુ ફરતુ છેલ્લે ભવનાથ મંદિરમાં આવેલ મૃગીકુંડ પાસે આવે છે. ત્યાર બાદ સાાાધુ, સંતો અને મહંતો વારા ફરતી આ મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે. જેમ કુંભના મેળામાં શાહી સ્નાનનું મહત્વ છે તેમ આ ભવનાથનાં મેળામાં મૃગીકુંડમાં સ્નાનનું મહત્વ ખૂબજ છે.
કહેવાય છેકે આ કુંડમાં નહાવા પડેલ અમુક સાધુઓ બહાર આવતા નથી અને ત્યાથી જ અદ્રશ્ય થઈ જાય છે. અહીથી સ્નાન કર્યા બાદ ભવનાથ મહાદેવની આરતી તથા મહાપુજા કરે છે.
શિવરાત્રિનાં સવાર સુધીમાં આ મેળો પુરો થઈ જાય છે. બીજે દિવસે સવારે નાગાબાવાઓ, સાધુ-સંતો અને અલગ અલગ જગ્યાએથી પધારેલા મહંતો પોત પોતાના સ્થાનોએ જવા રવાના થઈ જાય છે. આમ જુનાગઢ શહેરમાં આવેલ ગરવા ગિરનારમાં યોજાતા ભવનાથનાં આ ભાતિગળ અને ભક્તિના પ્રતિક સમા મેળામાં સૌલોકો છ દિવસનાં અંતે પુણ્યનું ભાથુ બાંધીને પોતપોતાના કામમાં લાગી જાય છે. તેમજ સાધુ-સંતો અને મહંતો પણ ભગવાનનાં ધ્યાનમાં લીન થાય છે.
મૃગીકુંડીની પણ ઐતિહાસિક અને વિસ્મયભરી કહાની
ભવનાથ મહાદેવની બાજુમાં આવેલા આ મૃગીકુંડની પણ વિસ્મયભરી કથા છે. રેવતાચળનાં જંગલમાં હરણનાં ટોળામાં માનવ શરીરધારી કોઈ સ્ત્રી ફરે હતી. હરણની જેમ તે કુુદતી હતી,જેનું મોઢું હરણનું જયારે તેનું શરીર સ્ત્રીનું હતું. જેની જાણ થતાં રાજા ભોજ કુરૂક્ષેત્રમા તપ કરી રહેલ ઉર્ધ્વરેતા નામના ઋષિ પાસે જાય છે.
ઋષિએ મૃગીમુખીને માનવીની વાચા આપી જેથી તેણે પોતાના ગત જન્મની વાત કરી કે, આગલા ભવમાં રાજા ભોજ સિંહ હતો અને મૃગમુખી મૃગલી હતી. સિંહે મૃગલીનો શિકાર કર્યો ત્યારે ભાગવા જતા વાંસની ઝાડીમાં તેનું મસ્તક અટવાઈ ગયું અને બાકીનું શરીર સુવર્ણરેખા નદીના પાણીમાં પડ્યું. નદીના પવિત્ર પાણીમાં શરીર પડવાથી તે માનવજન્મ પામી. પરંતુ મોઢું ઝાડીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું.
જેથી ઉર્ધ્વરેતા ઋષિનાં આદેશ પ્રમાણે રાજા ભોજે તપાસ કરાવી તો ઝાડીમાંથી હરણીની ખોપરી મળી આવી. તે સુવર્ણરેખાનાં જળમાં પધરાવવામાં આવી. તેથી મૃગમુખીનું સમગ્ર શરીર માનવીનું બન્યું. અને રાજા ભોજે વિદ્વાનોનાં આશીર્વાદ લઈને તેની સાથે લગ્ન કર્યા.
ત્યાર બાદ પત્નીનું સુચન માનીને રાજાએ રેવતાચળ (ગિરનાર)ની તળેટીમાં એક કુંડ બનાવડાવ્યો. તે કુંડ એટલે આ મૃગીકુંડ. આ કથા લોકાધારિત છે. અને આજ કુંડમાં શિવરાત્રિએ સાધુઓ નાહવા પડે છે.