રાજકોટના કોઠારીયા રોડ અંકિત ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં મોડીરાત્રે કારખાનેથી છૂટીને ઘર તરફ જઈ રહેલા ચાર પરપ્રાંતીય મજૂરોને ખૂલ્લા પ્લોટ પાસે આંતરી પાંચ શખ્સોએ એક મજૂરને છરીના ઘા ઝીંકી મોબાઈલ ફોનની લૂંટ ચલાવી નાસી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ ઘટના અંગેની પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ ઉતરપ્રદેશના વતની અને હાલ સાઈબાબા સર્કલ પાસે ગુલાબનગર 6માં ભાડાની ઓરડીમાં રહેતા મજૂર પ્રધ્યુમન લાલબિહારી ચૌહાણ ઉ.23એ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રાહુલ તેના બે ભાઈઓઅને બેઅજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઈકાલે રાત્રે ફરિયાદી પ્રધ્યુમન ચૌહાણ, પ્રદીપ યાદવ, યશવંત ચૌહાણ સહિતના ચાર મજૂરો કારખાનેથી છૂટીને રાત્રીના દશેક વાગ્યે ઘરે જઈ રહ્યા હતા ત્યારે અંકિત ઈન્ડસ્ટ્રીયર એરીયા શેરી નં.1માં આવેલ ખૂલ્લા પ્લોટ પાસે આરોપીઓએ ચારેય મજૂરોને અટકાવી ગાળો દઈ ચારેય પ્રદીપ યાદવને એક શખ્સે પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. જયારે બાકીના આરોપીઓએ અન્ય મજૂરોને ગાળો દઈ ઢીકાપાટુનો મારમારી રૂ.3000ની કિંમતના મોબાઈલની લૂંટ ચલાવી નાસી ગયા હતા.
આ ઘટના બાદ ગંભીર રીતે ઘવાયેલા પ્રદીપ યાદવને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયારે અન્ય મજૂરોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
આજીડેમ પોલીસે આ ઘટના સંદર્ભે હત્યાનો પ્રયાસ અને ધાડનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ક્રાઈમ બ્રાંચ આજીડેમ પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે.આ બનાવની તપાસ આજીડેમ પી.આઈ. વી.જે.ચાવડા, જાવીદ રિઝવી સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે