ભારતમાં પ્રવાસન ક્ષેત્રને વિકાસ આપવા માટે સરકાર દ્વારા વિવિધ પગલા ભરવામાં આવી રહ્યા છે. જેમાં હવે મધ્યમ કક્ષાની હોટલને ઈન્ફ્રાસ્ટ્રકચરનું સ્ટેટસ આપવામાં આવશે. જેથી હોટલોને વિદેશી ફંડીગ તેમજ સરકારી સહાયો સરળતાથી મળી રહેશે. પ્રવાસન સચિવ રશ્મિ વર્માએ કહ્યું હતું કે, મધ્યમ કક્ષાની હોટલોને ઈન્ફ્રાસ્ટ્રકચરનું સ્ટેટસ આપવા માટે કેબિનેટમાં દરખાસ્ત મુકી દેવામાં આવી છે.
જેમાં ૫૦ કરોડથી વધુના પ્રોજેકટો માટે વિવિધ સહાયો આપવામાં આવશે. વધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નાના-એકમો પણ હોટલ ઈન્ડસ્ટ્રીમાં આવીને સરળતાથી કામ કરી શકે તેવા નિયમો ઘડવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.
વધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, હોટલ ક્ષેત્રને ફાયદો મળતા પ્રવાસનને વિકાસ મળશે. તેમજ દેશના દરેક ખુણે લોકોને રહેવા તથા જમવાની સુવિધા પણ મળી રહેશે. પ્રવાસન માટે સાનુકુળ વાતાવરણ ઉભું કરવાની દિશામાં આ પગલું ભરવામાં આવ્યું છે. જેમાં હોટલોમાં ૫૦ કરોડથી વધુના પ્રોજેકટોને ઈન્ફ્રાસ્ટ્રકચરનું સ્ટેટસ આપી દેવામાં આવશે. આ સ્ટેટસ મળતા હોટલ ઉધોગકારોને ઘણી રીતે ફાયદો પહોંચશે. તેમજ સરકારી યોજના વિદેશી ફંડીગ વગેરે બાબતે પણ મહત્વના કામો સરળતાથી પાર પડશે.
ભારત છેલ્લા થોડા વખતથી પ્રવાસન ક્ષેત્રે ખુબ આગળ વધી રહ્યું છે. દેશ-વિદેશના લોકો અલગ-અલગ સ્થળો જોવા માટે ઉત્સુક છે. ત્યારે પ્રવાસન ક્ષેત્રનો વધુ વિકાસ થાય અને વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય તે દિશામાં કામગીરી થઈ રહી છે. પ્રવાસીઓની સંખયામાં વધારા સાથે તેઓની પુરતી સુવિધા પણ મળી રહે તે માટે સરકાર પણ ગંભીર બની છે.