વેતન અને નવા મેનુના પ્રશ્ને મધ્યાહન ભોજન કેન્દ્રોના રસોયા અને મદદનીશો આકરા પાણીએ: સંચાલકો કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવશે

રાજયના ૩૫ લાખથી વધુ બાળકોને કાલથી શાળામાં જમવાનું નહીં મળે

વેતન અને મેનુના પ્રશ્ને ઓલ ગુજરાત રાજય મધ્યાન ભોજન કર્મચારી મંડળે આવતીકાલથી રાજય વ્યાપી હડતાલનું એલાન કર્યું છે. જે અંતર્ગત મધ્યાહન ભોજન કેન્દ્રોમાં ફરજ બજાવતા રસોયા અને મદદનીશો આવતીકાલથી અચોક્કસ મુદત સુધી હડતાલ પર ઉતરવાના છે. આ ઉપરાંત કેન્દ્રોના સંચાલકો પણ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવશે. હડતાલના પગલે આવતીકાલથી રાજયના ૩૫ લાખથી વધુ બાળકોને શાળામાં જમવાનું નહીં મળે.

રાજય સરકાર દ્વારા તાજેતરમાં એકસુત્રતા લાવવા માટે નવુ મેનુ અમલમાં લાવી છે જેમાં કેટલીક વિસંગતતા છે. આ નવા મેનુમાં કોઈપણ પ્રકારનો નાણાંકીય બોજ ન પાડતા જૂના મેનુના બે ભાગ કરી પ્રથમ ભોજન તથા નાસ્તો એમ બે ભાગ કરેલ છે. આ નવા મેનુમાં કોઈ સમય નક્કી કર્યો નથી ભોજન કયારે આપવું તથા નાસ્તો કયારે આપવો જેથી એક સુત્રતા રહેતી નથી.

નામનાર સુપ્રિમ કોર્ટના ચુકાદા અને ભારત સરકારની ગાઈડ લાઈન મુજબ મધ્યાહન ભોજન યોજનાના થતાં ખર્ચમાં દર વર્ષે ૭.૫૦%નો વધારો કરવાની જોગવાઈ છે અમોને છેલ્લા બે વર્ષથી આ ૭.૫૦%નો વધારો મળેલ નથી. તેમજ છેલ્લા બે વર્ષમાં મોંઘવારી અતિશય વધી ગયેલી હોય તો આ સ્થિતિમાં અમારે કેન્દ્ર ચલાવવું કેમ તે પ્રશ્ન છે.

આપવામાં આવતો અનાજનો જથ્થો અપુરતો અને અનિયમીત મળે છે જેથી સરકારની જોગવાઈ મુજબ મેનુ બની શકતુ ન હોય સ્થાનિકે અમોને ઘણી જ મુશ્કેલી પડતી હોય, તેમજ અપુરતો અને અનિયમિત મળવાના કારણે લાભાર્થીને મળવાપાત્ર પ્રોટીન તેમજ કેલેરી આપી શકતા નથી જેથી કુપોષણનો પ્રશ્ન ઉભો થાય તેમ છે.

આ યોજનામાં કામ કરતા અમારા કર્મચારીઓને કયારેય પણ સમય મર્યાદામાં માનદ વેતન મળતુ નથી અમારા કર્મચારીઓ ગ્રામ્ય કક્ષાએ વિધવા બહેનો, ત્યકતા બહેનો તેમજ ગરીબી રેખા નીચે જીવતા કર્મચારીઓને ૩-૪ માસે માનદ વેતન મળે તો પોતાનું ગુજરાન ચલાવવું કેમ તે પ્રશ્ન છે.

નવા મેનુનો કોઈ વિરોધ નથી પરંતુ મુશ્કેલી અને વિસંગતતા કરવામાં આવે છે. નવુ મેનું આવવાથી અનાજ અને ખર્ચનું પ્રમાણ વધે છે. આ નવા મેનુમાં જે નાસ્તાની જોગવાઈ કરેલ છે તેના માટે અલગથી પેશગી તેમજ અલગથી અનાજના જથ્થાની ફાળવણી કરવામાં આવે અને નિયમિત અને પુરતા સમય મર્યાદામાં મળે એવી માંગણી છે.

ભોજન તેમજ નાસ્તા માટે એક સુત્રતા જળવાઈ રહે તે માટે રાજય કક્ષાએથી ભોજન માટે અને નાસ્તા માટે સમય નિયત કરવા કર્મચારીઓને હાલમાં સાવ નજીવા અને મશ્કરી સમાન સંચાલકને ૧૬૦૦ રસોયા તેમજ મદદનીશને ૧૪૦૦, ૫૦૦, ૩૦૦ ચુકવવામાં આવે છે.

ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના અને નામદાર સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ આ નવું મેનું આવવાથી અમારી કામની કલાક વધી ગયેલ હોય, સમાન કામ, સમાન વેતન મુજબ અમોને લઘુતમ વેતન આપવા માંગણી છે.

નવા મેનું અનુ‚પ જ‚રી સાધન સામગ્રી આપવાની પણ માંગ છે. આ તમામ પ્રશ્ને આવતીકાલથી મધ્યાહન ભોજન કેન્દ્રોમાં રસોયા અને મદદનીશો હડતાલ પર ઉતરવાના છે. આ હડતાલના કારણે રાજયભરના ૩૫ લાખ અને રાજકોટના ૧.૫૦ લાખ જેટલા બાળકોને શાળામાં જમવાનું મળશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.