રાજકોટ જિલ્લામાં મધ્યાહ્નન ભોજન યોજનાના અનેક કેન્દ્રો ઉપર જથ્થો ન મળ્યો હોય સંચાલકોમાં દેકારો બોલી ગયો છે. જેને પગલે મધ્યાહ્નન ભોજન કર્મચારી મંડળ દ્વારા 15મીથી કેન્દ્રો બંધ કરી દેવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.
રાજકોટ જિલ્લામાં 1192 મધ્યાહ્નન ભોજન કેન્દ્ર કાર્યરત છે. જેમાં અનેક કેન્દ્રો ઉપર જથ્થો હજુ સુધી મળ્યો ન હોય, સંચાલકો અનાજના ઉછી ઉધારા કરી કેન્દ્ર ચલાવી રહ્યા છે. ખાસ કરીને જેતપુર, ઉપલેટા અને વીંછીયા સહિતના તાલુકાઓમાં કેન્દ્ર ઉપર દાળ કે અનાજનો જથ્થો મળ્યો નથી.
ઉપલેટા, જેતપુર અને વીંછીયા સહિતના અનેક તાલુકાઓમાં અનાજનો જથ્થો ન મળ્યો, ઘણા કેન્દ્રોમાં તો બે- ત્રણ મહિનાથી દાળ જ ન આવ્યાનો ધડાકો
તમે અનાજ ન આપો તો અમારે બાળકોને ખવડાવવું શુ ? મધ્યાહ્નન ભોજન કેન્દ્રના સંચાલકોનો સરકારને વેધક સવાલ
આ મામલે ઓલ ગુજરાત રાજ્ય મધ્યાન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોરભાઈ જોષીએ જણાવ્યું છે કે મધ્યાન ભોજન યોજના માટે ઓક્ટોબર માસનું અનાજ, દાળ, તેલ આજ સુધી ફાળવવામાં આવ્યું નથી. રાજકોટ, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, પાટણ જિલ્લામાં જથ્થો મળેલો નથી. ઓનલાઇન પરમિટમાં પણ બચત જથ્થો બાદ કરવામાં આવતા સંચાલકો પાસે સ્ટોકમાં જથ્થો રહ્યો નથી. મોટાભાગના કેન્દ્રો બંધ કરવાની ફરજ પડી છે તાપી, સોનગઢ, ગોધરા, મહીસાગર, લુણાવાડા, અમરેલી, વડીયા, મોરબી, હળવદ, રાજકોટ, ઉપલેટા, જેતપુર, અમદાવાદ સહિતના તાલુકાઓમાં તો બે ત્રણ માસથી દાળ જ આવી નથી. આમ કેન્દ્રો હવે ચલાવી શકાય તેમ ન હોય જો જથ્થો 15મી સુધીમાં આપવામાં નહીં આવે તો કેન્દ્ર બંધ કરવાની ફરજ પડશે.