માઇક્રોસોફ્ટે તેના સર્ચ એન્જિનને પાવરફુલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ કર્યું,ઓનલાઈન સર્ચિંગની દુનિયામાં સર્ચ એન્જિન ગૂગલનો દબદબો ઘટવાના એંધાણ
ઓનલાઈન સર્ચિંગની દુનિયામાં સર્ચ એન્જિન ગૂગલનો દબદબો છે, પરંતુ માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ કહ્યું હવે ગૂગલનું આ વર્ચસ્વ ખતમ થવા જઈ રહ્યું છે. કંપનીએ સર્ચ એન્જિન બિંગને નવા અવતારમાં રજૂ કરવાની જાહેરાત કરી છે. બિંગને કંપની દ્વારા ભાષા આધારિત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ કરવામાં આવ્યું છે. કંપનીએ નવું એજ બ્રાઉઝર પણ રજૂ કર્યું છે. તે માઇક્રોસોફ્ટ ચેટબોટ ટેક્નોલોજીથી પણ સજ્જ છે. સત્ય નડેલાએ તેને ઓનલાઈન સર્ચની દુનિયામાં એક નવી શરૂઆત ગણાવી છે. એક લોન્ચ ઈવેન્ટ દરમિયાન સત્ય નડેલાએ કહ્યું કે ’આ એક નવી શરૂઆત છે અને રેસ આજથી શરૂ થઈ રહી છે’.
માઇક્રોસોફ્ટે તેના સર્ચ એન્જિન બિંગને પાવરફુલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ કર્યું છે, જેમાં એ જ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાંથી એઆઈ બોટ ચેટ જીપીટી બનાવવામાં આવ્યું છે. થોડા જ સમયમાં ચેટ જીપીટી એ 100 મિલિયન યુઝર્સને પાર કરી લીધા છે અને સમગ્ર વિશ્વમાં ઘણી લોકપ્રિયતા મેળવી છે. ચેટ જીપીટી નિબંધ લેખન, ભાષણની તૈયારી, પરીક્ષામાં મદદ જેવા ઘણા કાર્યો થોડીક સેક્ધડોમાં પૂર્ણ કરી રહ્યું છે, જેના કારણે ચેટ જીપીટીના વપરાશકર્તાઓમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. માઈક્રોસોફ્ટ માને છે કે સર્ચ એન્જિન બિંગને ચેટ જીપીટી સાથે સજ્જ કરીને, ઓનલાઈન સર્ચિંગને જબરદસ્ત રીતે અપગ્રેડ કરવામાં આવશે.
ચેટ જીપીટી કેલિફોર્નિયા સ્થિત સ્ટાર્ટઅપ ઓપન એઆઈ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ સ્ટાર્ટઅપ વર્ષ 2015માં શરૂ થયું હતું. વર્ષ 2019 માં, માઇક્રોસોફ્ટે ઓપન એઆઈમાં એક અબજ ડોલરનું રોકાણ કર્યું. આ સિવાય તાજેતરમાં જ સ્ટાર્ટઅપે કંપની સાથે મલ્ટી-બિલિયન ડોલરની ડીલ પણ કરી છે. ઈલોન મસ્ક સહિત અન્ય ઘણી કંપનીઓએ પણ આ સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે.
ઓનલાઈન સર્ચિંગની દુનિયામાં ગૂગલના વર્ચસ્વનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઓનલાઈન સર્ચિંગ માટેના વૈશ્વિક બજારના 84 ટકા હિસ્સા પર ગૂગલનો કબજો છે. કંપની દર ક્વાર્ટરમાં જાહેરાતના વેચાણમાં 10 બિલિયન ડોલરથી વધુની કમાણી કરે છે, જે કંપનીની કુલ આવકના બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. તે જ સમયે, માઇક્રોસોફ્ટના બિંગનો ઓનલાઈન સર્ચમાં 9 ટકા હિસ્સો છે.
એઆઈ બાર્ડની એક ભૂલે ગૂગલને 8 લાખ કરોડનું નુકસાન કર્યું
ટેક્નોલોજીની દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલને તેના હજુ લોન્ચ પણ નહીં થયેલા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ બાર્ડની એક ભૂલે રૂ. 8 લાખ કરોડમાં રોવડાવી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે માઈક્રોસોફ્ટ દ્વારા સમર્થિત ચેટબોટ ચેટજીટીપી સામે ગૂગલે ઉતાવળે એઆઈ ટૂલ બાર્ડનો ડેમો રજૂ કર્યો હતો, જેમાં બાર્ડે જવાબ આપવામાં ભૂલ કરતાં ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ માટે પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવી સ્થિતિ સર્જાઈ છે. બાર્ડની આ ભૂલના કારણે આલ્ફાબેટનો શેર 8 ટકા જેટલો તૂટયો હતો. પરીણામે કંપનીની માર્કેટ કેપ 1.35 લાખ કરોડથી 100 અબજ ડોલર ઘટીને 1.27 ટ્રિલિયન ડોલર રહી ગઈ છે.
એઆઈને લઈને ગૂગલ અને માઈક્રોસોફ્ટ વચ્ચે જામશે કાંટે કી ટક્કર
ટેક્નોલોજીની દુનિયાની બે ટોચની કંપનીઓ માઈક્રોસોફ્ટ અને ગૂગલ વચ્ચે તિવ્ર પ્રતિસ્પર્ધા ચાલી રહી છે. સર્ચ એન્જિનમાં વર્ષો સુધી ટોચનું સ્થાન ધરાવનાર ગૂગલને માઈક્રોસોફ્ટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સના ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ કંપની ઓપનઆઈ કંપની દ્વારા બનાવાયેલા ચેટબોટ ટૂલ ચેટજીપીટી મારફત પડકાર ફેંક્યો છે. ચેટજીપીટીને ટક્કર આપવા માટે ગૂગલે પણ તેનું એઆઈ આધારિત ચેટબોટ બાર્ડ લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે. ગૂગલનું આ ચેટબોટ લામ્ડા (એલએએમડીએ) પર આધારિત છે. કંપનીએ સોશિયલ મીડિયા પર બાર્ડનો પ્રમોશનલ વીડિયો બતાવ્યો હતો.