હૈદરાબાદમાં જન્મેલા નડેલા ફેબ્રુઆરી 2014માં માઈક્રોસોફ્ટના સીઈઓ બન્યા હતા
માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ કહ્યું છે કે તેમના માટે ભારતનો ત્રીજો સર્વોચ્ય નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણ મેળવવો સમ્માનની વાત છે. સેન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સલ જનરલ ડો. ટીવી નાગેન્દ્ર પ્રસાદે તેમને ગયા સપ્તાહે ઔપચારિક રીતે આ સમ્માન આપ્યું હતું.
સત્ય નડેલા આવતા વર્ષે જાન્યુઆરીમાં ભારત આવવાની યોજના બનાવી રહ્યા છે. તે આ વર્ષના 17 વિજેતાઓમાંથી એક છે. પદ્મ ભૂષણ પ્રાપ્ત કરવા ઉપર નડેલાએ કહ્યું હતું કે, ’પદ્મ ભૂષણ મળવું અને આટલા અસાધારણ લોકો સાથે ઓળખાણ મેળવવી ગૌરવની વાત છે. હું રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને ભારતના લોકોનો આભારી છું. હું ભારતભરના લોકો વધુ સાથે કામ કરવા આતુર છુ. તેમને ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં મદદ કરી શકું તેથી તેઓ વધુ સિદ્ધિ મેળવી શકે.’
નડેલા અને ડો. પ્રસાદ વચ્ચે ભારતમાં સમાવેશી વૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં ડિજિટલ ટેક્નોલોજીની મહત્વની ભૂમિકા વિશે ચર્ચા થઈ હતી. આ મુલાકાત બાદ નડેલાએ કહ્યું હતું કે, આવનારો દાયકો ડિજિટલ ટેક્નોલોજીનો હશે. ભારતીય ઉદ્યોગ અને તમામ કદના સંગઠનો ટેક્નોલોજી તરફ વળ્યા છે. તેનાથી નવીનતા, લડાયકતા અને કાર્યક્ષમતાને આગળ વધારશે. હૈદરાબાદમાં જન્મેલા નડેલા ફેબ્રુઆરી 2014માં માઈક્રોસોફ્ટના સીઈઓ બન્યા હતા અને જુન 2021 માં તેમને કંપનીના ચેરમેન પણ બનાવવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, નાગરિક પુરસ્કાર ત્રણ શ્રેણિયોમાં આપવામાં આવે છે. તેમાં પદ્મ વિભૂષણ (અસાધારણ અને વિશિષ્ટ સેવાઓ માટે), પદ્મ ભૂષણ (ઉચ્ચ વર્ગની વિશિષ્ટ સેવા) અને પદ્મ શ્રી (વિશિષ્ટ સેવા) નો સમાવેશ થાય છે. આ પુરસ્કારો દર વર્ષે વડા પ્રધાન દ્વારા રચાયેલ સમિતિની ભલામણો પર આપવામાં આવે છે.