હવે ૧૦ ભારતીય ભાષાઓને સપોર્ટ કરશે આ ટ્રાન્સલેટર
માઈક્રોસોફટ દ્વારા ૫ અન્ય ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો છે જે રીયલ ટાઈમ ટ્રાન્સલેશન કરાવી આપવામાં આવશે. માઈક્રસોફટ દ્વારા જે પાંચ નવી ભારતીય ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં ગુજરાતી, મરાઠી, કન્નડ, મલીયાલમ અને પંજાબીનો સમાવેશ કરવામાં આવ્યો છે. કંપની દ્વારા તેમનું ટ્રાન્સલેટર બીંગ અને માઈક્રોસોફટ ટ્રાન્સલેટરની વેબસાઈટ ઉપર મુકવામાં આવ્યું છે. માઈક્રોસોફટ ટ્રાન્સલેટર એપ્લીકેશન એન્ડ્રોઈડ, આઈઓએસ અને વિન્ડોઝમાં ઉપલબ્ધ રહેશે. આ પાંચ ભાષાઓનો ઉમેરો કરવાની સાથે જ માઈક્રોસોફટ ટ્રાન્સલેટરે ભારતની ૧૦ ભાષાઓનો ઉમેરો કર્યો છે. અત્યાર સુધી માઈક્રોસોફટ ટ્રાન્સલેટરમાં બંગાળી, હિન્દી, તામીલ, તેલુગુ અને ઉર્દુ ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કુલ ૧૦ ભાષાનો ઉમેરો થતાની સાથે જ ભારતમાં બોલાતી ૯૦ ટકા ભાષાઓ માઈક્રોસોફટે અપનાવી લીધી છે.
માઈક્રોસોફટ દ્વારા જે ટ્રાન્સલેટર લોન્ચ કરવામાં આવ્યું છે તે કોરોનાનાં કહેર વચ્ચે કરવામાં આવ્યું હોવાનું પણ મનાય છે જેનું મુખ્ય કારણ એ છે કે, આ સમયગાળા દરમિયાન મુખ્યત્વે લોકો ઘરે બેસી કામ કરતા હોય છે ત્યારે વૈશ્ર્વિક ફલક પર રહેલા રહેવાસીઓને આ ટ્રાન્સલેટરનો ફાયદો મળી શકે તે હેતુસર નવી ભાષાઓ ઉમેરવામાં આવી છે. માઈક્રોસોફટ દ્વારા જે ટ્રાન્સલેટર બહાર પાડવામાં આવ્યું છે તે રીયલ ટાઈમ ટ્રાન્સલેટર માટે અત્યંત ઉપયોગી છે. માઈક્રોસોફટનાં સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ લોકો આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ ખુબ વધુ પ્રમાણમાં કરે તેવું પણ જણાવવામાં આવ્યું છે. માઈક્રોસોફટનું માનવું છે કે, લોકો વધુને વધુ આ ટ્રાન્સલેટરનો ઉપયોગ કરે અને ભારતની ભાષાઓને પ્રોત્સાહિત પણ કરે. માઈક્રોસોફટ છેલ્લા ૨૦ વર્ષથી ભારતીય ભાષાઓને અનુસરી રહી છે અને તેનો ઉપયોગ પણ કરી રહી છે. માઈક્રોસોફટ દ્વારા બનાવવામાં આવેલા ટ્રાન્સલેટરને ગુગલ પ્લે સ્ટોર, એપ સ્ટોર અને માઈક્રોસોફટ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે અને તેનો ઉપયોગ પણ મહતમ રીતે કરવામાં આવશે.