રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદે સત્તારૂઢ થયા બાદ કાર્યકર્તાઓ સાથે સિધો સંવાદ કરવાના ઉમદા હેતુ સાથે મુકેશભાઇ દોશીએ ત્રણેય મહામંત્રી અશ્વિનભાઇ મોલીયા, ડો.માધવ દવે અને વિરેન્દ્રસિંહ ઝાલાને સાથે રાખી શહેરના તમામ 18 વોર્ડમાં પ્રવાસ કર્યો હતો. તમામ શ્રેણીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. વ્યક્તિગત ધોરણે તેઓ 4500થી વધારે કાર્યકર્તાઓને મળ્યા હતા અને પક્ષની હાલની સ્થિતિ અંગે રજેરજની માહિતી મેળવી હતી. પ્રવાસ પૂર્ણ થયા બાદ આજે તેઓએ રાજકોટ શહેર ભાજપના પ્રભારી પ્રકાશભાઇ સોની સાથે ‘અબતક’ મીડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ એવો હુંકાર કર્યો હતો કે લોકસભાની આગામી ચૂંટણીમાં રાજકોટ બેઠક પાંચ લાખથી વધુ મતોની લીડ સાથે જીતવા માટે માઇક્રોપ્લાનીંગ કરવામાં આવશે. તમામ શ્રેણીના કાર્યકર્તાઓને બૂથ, શક્તિકેન્દ્ર અને વોર્ડકક્ષાએ ચૂંટણીલક્ષી જવાબદારી સોંપવામાં આવશે.
તમામ શ્રેણીના કાર્યકર્તાઓને બૂથ, શક્તિકેન્દ્ર અને વોર્ડકક્ષાએ ચૂંટણીલક્ષી જવાબદારી સોંપાશે: શહેરના 18 વોર્ડમાં પ્રવાસ પૂર્ણ કર્યા બાદ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ લીધી ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત
વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાનો લાભ લેવા શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે અને વિરેન્દ્રસિંહ ઝાલાનો અનુરોધ
પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યા બાદ મુકેશ દોશીએ 150 જેટલા સંગઠાત્મક કાર્યક્રમો આપ્યા: ટૂંક સમયમાં શહેર ભાજપની જમ્બો કારોબારીની રચના કરવામાં આવશે
‘અબતક’ની મુલાકાત દરમિયાન તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે તેઓ રાજકોટમાં પહેલીવાર અનુસૂચિત જનજાતિ મોરચાની નિમણુંક કરનાર પ્રથમ શહેર પ્રમુખ બન્યા છે. સંગઠનની રચનામાં વિવિધ સમાજ અને સંસ્થાના આગેવાનોને પાર્ટીની વિચારધારા સાથે શહેર ભાજપના સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવામાં આવશે. વિવિધ મોરચાઓના સેલની સાથે વિવિધ સમિતિઓની પણ રચના કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. પ્રમુખ પદે સત્તારૂઢ થયા બાદ મેં સંગઠનલક્ષી 150થી વધુ કાર્યક્રમો યોજ્યા છે. વોર્ડ પ્રવાસ દરમિયાન મને એવું માલૂમ પડ્યું કે કાર્યકર્તાઓમાં મતભેદ ચોક્કસ હોય શકે પરંતુ સંઘના સંસ્કારનું સિંચન થયું હોવાના કારણે ભાજપના એકપણ કાર્યકર્તામાં મનભેદ રતિભાર પણ નથી.
તેઓએ ઉમેર્યું હતું કે આગામી 22મી જાન્યુઆરી અર્થાત્ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને યાદગાર બનાવવા અને રાજકોટમાં નૂતન દિવાળી જેવો માહોલ કરવા માટે વોર્ડ વાઇઝ આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. શહેરની પ્રજાની ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખી ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટમાં રામમંદિરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી રામ ભગવાનની પાદુકાના પૂજા-અર્ચનનો રથ તૈયાર કરવામાં આવ્યો છે. ભાજપનો કોઇપણ કાર્યકર્તાને કોઇપણ કામ સોંપવામાં આવે તે સહજતાથી તેનો સ્વિકાર કરે છે. મારી વ્યક્તિગત વાત કરૂં તો મને પડકારજનક કામ ખૂબ જ ગમે છે. એક સામાજીક ક્ષેત્રમાંથી હું રાજકીય ક્ષેત્રમાં હાલ કામ કરી રહ્યો છું. પરંતુ બંનેમાં ખૂબ મોટું અંતર રહેલું છે. શહેર ભાજપના કાર્યકર્તાઓ રાજ્ય અને સરકારની યોજનાઓનો લાભ ઘર-ઘર સુધી પહોંચે તે માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી રહ્યો છે. અમારૂં સંગઠન માળખું ખૂબ જ મજબૂત છે. હવે અમે લોકસભાની આગામી ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોઇપણ ઉમેદવાર આવે અમારા માટે કમળનું નિશાન સૌથી મહત્વનું છે.
તેઓએ ઉમેર્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં રાજકોટ લોકસભામાં પાંચ લાખથી વધુ લીડથી ભાજપનો ભવ્ય વિજય થાય તે માટે માઇક્રોપ્લાનીંગ કરવામાં આવશે. વિધાનસભાવાઈઝ 50 હજાર નમો એપ ડાઉનલોડ કરાવવી તેમજ ધારાસભ્યો દ્વારા પણ નમો એપ ડાઉનલોડ વધારે થાય તે માટેના પ્રયત્ન કરવા. નમો એપ ડાઉનલોડ કરાવવા વિસ્તાર કે 7 દિવસ સુધી અન્ય વોર્ડમાં વિસ્તારક તરીકે જવાનું અને તેમનો મુખ્ય ઉદેશ નમો એપ ડાઉનલોડ કરાવવાનો રહેશે.
માઇક્રો ડોનેશન- નમો એપ ડાઉનલોડ કરાવી નમો એપના માધ્યમથી મીનીમમ રૂા.5થી ડોનેશન કરાવવાનો રહેશે તેમજ આગામી દિવસોમાં ટુંક સમયમાં જ શહેર ભાજપ કારોબારી, વિશેષ આમંત્રિત, કાયમી આમંત્રિત સહિત જમ્બો કારોબારીની રચના કરવામાં આવશે. સંગઠનની રચનામાં વિવિધ સમાજના, સંસ્થાના આગેવાનોને જોડી પાર્ટીની વિચારધારા સાથે સંગઠનને વટવૃક્ષ બનાવવાનો નિર્ધાર કરવામાં આવેલ હતો તેમજ વિવિધ મોરચાઓ સેલની સાથે વિવિધ સમિતીઓની પણ રચનાઓ પૂર્ણ ક2વામાં આવશે.
આગામી દિવસોમાં વિકસિત રાષ્ટ્ર થાય તે માટે પ્રયત્નો કરવાના રહેશે. તેમજ વિકસિત ભારતના એમ્બેસેડર તરીકે નામ જાહેર કરવાના રહેશે. આગામી લોકસભામાં ભાજપનો મતદા2નો રેસીયો 51% થી વધુ થાય તે માટેના પ્રયત્નો કરવાના રહેશે. ‘ભાજપ જોડો અભિયાન’ આપણા વિસ્તારમાં સારા લોકોને ભાજપ સાથે જોડવાનું કામ કરવાનું રહેશે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની સ્થાપના દિવસ સુધી કોર્પોરેશનના માધ્યમથી શહેરના તમામ મંદિરોમાં સફાઈ અભિયાન કરવાનું રહેશે. અયોધ્યામાં રામ ભગવાનની મૂર્તિની સ્થાપના દિવસ તા.22 ના રોજ દરેક ઘરે દિપ પ્રાગટ્ય થાય, રંગોળી થાય તે માટેનો વ્યાપક સ્વરૂપે પ્રયત્ન કરવાના રહેશે. શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઇ મોલીયા, ડો.માધવ દવે અને વિરેન્દ્રસિંહ ઝાલાએ સંસ્થાઓ અને સમાજની કોઇપણ જ્ઞાતિને પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
ભાજપમાં સંગઠનનો માણસ જ કાયમી હોય છે: પ્રકાશભાઇ સોની
સંગઠનના લોકો જ સરકારને પ્રજા સુધી લઇ જવાની મહત્વપૂર્ણ કામગીરી કરે છે: પ્રભારી
રાજકોટ શહેર ભાજપના પ્રભારી પ્રકાશભાઇ સોનીએ આજે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે સંગઠન થકી જ ભાજપ મજબૂત બન્યું છે. મુખ્યમંત્રી હોય કે ગ્રામ પંચાયતનો સભ્ય ચૂંટાયેલા લોકો ક્યારેય કાયમી હોતા નથી. ભાજપમાં સંગઠનનો માણસ જ કાયમી હોય છે. સરકારને પ્રજા સુધી લઇ જવામાં સંગઠન ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. વિપક્ષને આડા સાથે લેતા તેઓએ જણાવ્યું હતું કે વિપક્ષ પાસે કેટલી સીટ છે તે મહત્વનું નથી પરંતુ પ્રજાલક્ષી પ્રશ્ર્નો સતત વિપક્ષ ઉઠાવતું રહે તે મહત્વનું છે.
ભૂતકાળમાં લોકસભામાં ભાજપ પાસે માત્ર બે બેઠકો હોવા છતાં મજબૂત વિપક્ષની જવાબદારી નિભાવી હતી. હાલ વિરોધ પક્ષ માત્રને માત્ર ચૂંટણી સમયે જ પ્રજા વચ્ચે દેખાય છે. જ્યારે ભાજપ 365 દિવસ અને 24 કલાક પ્રજા વચ્ચે રહેનારી પાર્ટી છે. આગામી 22મી જાન્યુઆરીએ બીજી દિવાળી હોય તેવો માહોલ ઉભો કરવામાં આવશે. સનાતની છે તેને રામને સ્વિકારી લેવા જોઇએ. પ્રજા ખૂબ ક્લીયર છે.
રતિભાર પણ અસમંજસમાં નથી. મોદી માટે ક્લીયર છે. ભાજપ સતત ચાલનારી પાર્ટી છે. નરેન્દ્ર મોદી ન હોય તો પણ ભાજપ અને સંઘ સતત રહેશે જ. જ્ઞાતિવાદના સીમાડામાંથી રાજનીતીને બહાર કાઢવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેમાં આગામી દિવસોમાં 100 ટકા સફળતા મળશે. રાજકોટ શહેર ભાજપનું સંગઠન માળખુ ખૂબ જ મજબૂત છે. પ્રમુખ મુકેશભાઇ દોશીના નેતૃત્વમાં કાર્યકર્તાઓ ખૂબ જ સારૂં કામ કરી રહ્યા છે.