ઇન્ડસ્ટ્રીમાં ભારે તેજી: એક ક્વાર્ટરમાં જ ગ્રોસ લોન પોર્ટફોલિયો ૪૮ ટકા સુધી વધ્યો!
માઈક્રોફાઈનાન્સ ઈન્ડસ્ટ્રીઝનો ફરીથી જમાનો આવ્યો છે. હવે બેંકો કે ફાયનાન્સ કંપનીઓ પેઢીઓને મસમોટી લોન આપવાની જગ્યાએ હવે સામાન્ય લોકોને ૧ લાખ કે ૧ લાખી નીચેની માઈક્રોફાઈનાન્સ આપવામાં વધુ રસ દાખવી રાખવી છે. માઈક્રોફાઈનાન્સને મોટી લોન કરતા વધુ સેફ માનવામાં આવે છે. માઈક્રોફાઈનાન્સની ચૂકવણીનો દર પણ ઉંચો છે. જ્યારે મોટી લોનમાં ફાયનાન્સ કંપનીઓનું રિસ્ક વધી જાય છે. જેથી આગામી સમયમાં ભારતમાં ફરીથી નાના ધીરાણ એટલે કે, માઈક્રોફાઈનાન્સ જમાનો આવશે તેવી શકયતા છે.
લાંબા સમયથી માઈક્રોફાઈનાન્સ કંપનીઓ ધીમી પણ મકકમ ગતિએ આગળ આવી રહી છે. માઈક્રોફાઈનાન્સ ઈન્ડસ્ટ્રીઝનો ગ્રોસ લોન પોર્ટફોલીયો વર્ષ ૨૦૧૯ના સપ્ટેમ્બર સુધીના ૪૭.૮૫ ટકા વધીને રૂ.૨.૧ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. અગાઉ પણ આવી રીતે માઈક્રોફાઈનાન્સ કંપનીઓનું કદ વધ્યું હોવાનું નોંધાયું હતું. માઈક્રોફાઈનાન્સ ઉદ્યોગનો ગ્રોસ લોન પોર્ટફોલિયો જુલાઈથી સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં ૪૭.૮૫ ટકા વધીને ૨.૦૧ લાખ કરોડ થયો હતો. ગયા વર્ષે આ ગાળામાં ૧.૩૬ લાખ કરોડનો લોન પોર્ટફોલિયો હતો.
માઈક્રોફાઈનાન્સ ઈન્સ્ટિટ્યૂશન્સ નેટવર્ક (એમએફઆઈએન)ના ત્રિમાસિક રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં કુલ માઈક્રોફાઈનાન્સ લોન એકાઉન્ટની સંખ્યા ૯.૭૯ કરોડ થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં ૭.૪૩ કરોડ હતી. નોટબંધી પછીના સમયગાળાથી એટલે કે માર્ચ ૨૦૧૭થી ૧.૮૩ બોરોઅર્સનો ઉમેરો થયો છે. મતલબ કે સરેરાશ વર્ષે ૭૩ લાખ નવા એકાઉન્ટ બન્યા છે. વાર્ષિક ૧૬.૮૭ ટકાના ચક્રવૃદ્ધિદરે તેમાં વધારો થઈ રહ્યો છે.
રિપોર્ટ અનુસાર છેલ્લાં અઢી વર્ષમાં ૧.૮૩ કરોડ મહિલાઓએ પ્રથમવાર માઈક્રોફાઈનાન્સ લોન લીધી છે. આરબીઆઈ નિયંત્રિત માઈક્રોફાઈનાન્સ ઈન્સ્ટિટ્યૂશન્સમાં નાની રકમની લોન લેનારાઓનો વિશ્વાસ વધ્યો હોવાનો આ સંકેત કરે છે. માઈક્રોફાઈનાન્સ એકાઉન્ટ્સમાં પૂર્વ અને ઉત્તરપૂર્વનું ૪૦ ટકા યોગદાન છે, દક્ષિણનું ૨૮ ટકા, ઉત્તરનું ૧૦ ટકા અને પશ્ચિમનું ૧૪ ટકા યોગદાન છે. મધ્ય ભારતનું ૭ ટકા યોગદાન છે. ટોપ ૧૦ રાજ્યોમાં જ ૮૨.૭ ટકા ગ્રોસ લોન પોર્ટફોલિયો છે.
માઈક્રોફાઈનાન્સમાં તમિલનાડુ સૌથી મોટુ રાજ્ય છે. બીજા ક્રમે પશ્ચિમ બંગાળ છે અને ત્રીજા ક્રમે બિહાર આવે છે. બેન્કો માઈક્રો-ક્રેડિટમાં સૌથી વધુ બજાર હિસ્સો ધરાવે છે. કુલ લોન પૈકી ૮૦,૫૭૦ કરોડની લોન બેન્કોએ આપી છે, જે કુલ માઈક્રોફાઈનાન્સ લોનના ૪૦ ટકા છે. એનબીએફસી-એમએફઆઈ બીજા ક્રમ પર આવે છે, જેમણે કુલ ૬૨,૯૬૦ કરોડની માઈક્રોફાઈનાન્સ લોન આપી હતી. તેમનો બજાર હિસ્સો ૩૧ ટકા રહ્યો છે. સ્મોલ ફાઈનાન્સ બેન્કનો બજાર હિસ્સો ૧૭ ટકા રહ્યો છે, જેમણે ૩૪,૮૨૯ કરોડની લોન આપી છે. એનબી એફસીએ ૧૧ ટકા લોન(૨૧,૩૮૧ કરોડ) આપી હતી. અન્ય માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટિટ્યૂશન્સનો હિસ્સો ૧ ટકા રહ્યો હતો. સપ્ટેમ્બરના અંતે ૮૫ એનબીએફસી-એમએફઆઈનો ઓન-બેલેન્સ શીટ પોર્ટપોલિયો ૬૨,૯૬૦ કરોડનો હતો, જે ૩૫ રાજ્યોમાં ૬૦૧ જિલ્લામાં ફેલાયેલો છે. તેમાં ગત વર્ષની સરખામણીમાં ૧૭ ટકાની વૃદ્ધિ થઈ હતી. આ પૈકી એમએફઆઈએનના સભ્ય એવી ૫૪ એનબીએફસી-એમએફઆઈને ૯૪૪૩ કરોડનું ડેટ ફંડિંગ મળ્યું હતું.