શહેર-જિલ્લામાં કોરોનાને રોકવા માઇક્રો પ્લાનીંગ
કોરોનાના વધતા કહેરને રોકવા માટે તંત્રના પ્રયાસો
કોવિડ-૧૯ની સ્થિતિની સમીક્ષા કરતા અધિક મુખ્ય સચિવ-પ્રભારી સચિવ
દર્દીઓની સારવાર માટે આંતર માળખાકીય વ્યવસ્થા સુધારાશે
અધિક મુખ્ય સચિવ, પ્રભારી સચિવે આરોગ્ય, વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજી
ઉચ્ચ સત્તાધીશોએ જી.જી. હોસ્પિટલની મુલાકાત લઇ સ્થિતિ નિહાળી
અબતક, જામનગર
જામનગરમાં સતત વધતા કોરોનાના કેસને ધ્યાને લઈ ગુજરાત રાજ્યના અધિક મુખ્ય સચિવ (મહેસુલ) પંકજકુમાર તથા જામનગરના પ્રભારી સચિવ અને રાજ્યના મહેસુલ તપાસણી કમિશનર નલિન ઉપાધ્યાય જામનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતાં જ્યાં તેમણે સમિક્ષા બેઠક યોજી હતી.
અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જિલ્લાના વહીવટી અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી, જિલ્લાની કોવિડ પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી અને સંક્રમણને અટકાવવા માટે અધિકારીઓ સાથે માઈક્રો પ્લાનિંગ અને ડીટેલ એનાલીસીસ કર્યું હતું. ત્યારપછી અધિક મુખ્ય સચિવ તેમજ પ્રભારી સચિવએ કોવિડ હોસ્પિટલ ગુરુગોવિંદસિંઘ હોસ્પિટલની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે હોસ્પિટલની વ્યવસ્થાઓ નિહાળી તેની સમીક્ષા કરી હતી તેમજ તબીબી સ્ટાફ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કલેક્ટર રવિશંકર, કમિશનર સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિપીન ગર્ગ, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, કોરોના નોડલ એસ.એસ. ચેટરજી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદા, જામનગર શહેર પ્રાંત અધિકારી આસ્થાબેન ડાંગર વગેરે અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જામનગરમાં વધતા જતા કોરોના સંક્રમણને કાબુમાં લેવા અને ભવિષ્યની આવશ્યકતાને ધ્યાને લઈ ગુજરાત રાજયના મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર જામનગરની મુલાકાતે છે, સચિવે જી.જી. હોસ્પિટલ, ગુજરાત આયુર્વેદ યુનિ.ના પી.જી. વિભાગ અને યુ.જી. વિભાગમાંના કોવિડ કેર સેન્ટર, શહેરની ખાનગી કોવિડ હોસ્પિટલો વિનસ અને સ્વામિનારાયણ હોસ્પિટલ, જામનગરની ડેન્ટલ હોસ્પિટલ અને કામદાર કોલોનીના યુ.એચ.સી.ની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં સચિવે દરેક કોવિડ હોસ્પિટલ અને સેન્ટરની વ્યવસ્થાઓનું અવલોકન કર્યુ હતું તથા આવશ્યક સૂચનો કર્યા હતાં. આગામી દિવસોમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધે તો દર્દીઓને પૂરતા પ્રમાણમાં આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડી શકાય અને આરોગ્યની વધુ ગુણવત્તાલક્ષી સેવાઓ આપી શકાય તે માટે સચિવ દ્વારા બેઠકોમાં આંતરમાળખાકીય વ્યવસ્થાઓનો વ્યાપ વધારવા વિશે અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ હતી. સાથે જ સંક્રમણની સાંકળને તોડવા માટે અને જામનગરમાં કોવિડના કહેરને નાથવા માટે અધિક મુખ્ય સચિવએ તેમજ પ્રભારી સચિવશ્રીએ અધિકારીઓ સાથે ડીટેઈલ માઈક્રો પ્લાનિંગ કર્યુ હતું.
આ તકે અધિક મુખ્ય સચિવે કહ્યું હતું કે, જામનગરમાં કોવિડ માટેની કામગીરી સારી રીતે થઈ રહી છે, પરંતુ વધુ દર્દીઓને પણ વધુ સારી સારવાર અને પૂર્ણ વ્યવસ્થાઓ મળી રહે તેના આયોજન માટે આ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં અધિક મુખ્ય સચિવે ડેન્ટલ હોસ્પિટલના તબીબો અને અધિકારીઓ, આયુર્વેદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અનુપ ઠાકર અને અન્ય તબીબો, જી.જી. હોસ્પિટલના તબીબી સ્ટાફ, યુ.એચ.સી.ના મેડિકલ ઓફિસર અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે અનેક બેઠકો યોજી વ્યવસ્થાપન વિશે આયોજન કર્યુ હતું.
આ મુલાકાત અને બેઠકમાં કલેક્ટર રવિશંકર, કમિશ્નર સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિપીન ગર્ગ, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, જી.જી. હોસ્પિટલના ડીન નંદીની દેસાઈ, ઈન્ચાર્જ અધિક્ષક દિપક તિવારી, જી.જી. હોસ્પિટલના નંદિની બાહરી, જામનગર શહેર પ્રાંત અધિકારી આસ્થાબેન ડાંગર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદા વિગેરે અધિકારીઓ-કર્મચારીઓવગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કોરોનાના વધુ ૧૪ર પોઝિટિવ કેસ
જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું ભયાનક રૃપ જોવા મળી રહ્યું છે. સતત ચાર દિવસથી કોરોનાની સદી થઈ છે, ત્યારપછી ગઈકાલે કોરોનાના અજગરી ભરડાએ માઝા મૂકી છે. એક જ દિવસમાં જામનગર જિલ્લામાં રેકોર્ડબ્રેક ૧૪ર પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. જેમાં જામનગર શહેરના એક દિવસના ૧ર૧ જ્યારે ગ્રામ્ય વિસ્તારના ર૧ પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે, જો કે ડિસ્ચાર્જ થનારા દર્દીઓના રેટમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને એકીસાથે ૧૧૨ દર્દીઓએ કોરોનાને માત આપી હોવાથી જી.જી. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોનાના કારણે મૃત્યુનો દર પણ સતત વધતો જાય છે. ગઈકાલે બપોર પછીથી આજ બ૫ોર સુધીમાં વધુ ૧૨ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે, જેમાં જામનગર શહેરના ૧૦ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ર દર્દીનો સમાવેશ થાય છે. છેલ્લા ૪૮ કલાક દરમિયાન કોરોનાના કારણે ર૮થી ૪૦ વર્ષની વયના પણ દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાથી યુવા વર્ગ માટે ચિંતાનો વિષય બન્યો છે. જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ર,૩૯૧ નો થયો છે, જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વધુ ર૧ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી ગ્રામ્ય વિસ્તારનો આંકડો ૩૯૭ નો થયો છે. સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ર,૭૮૮ ની થઈ છે.
એસ.ટી. ડિવિઝનમાં કર્મચારીઓના
કોરોના ટેસ્ટ, ચાર પોઝિટિવ
જામનગરના એસ.ટી. ડિવિઝનમાં ફરજ બજાવતા કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાના સહયોગથી એસ.ટી. ડિવિઝનમાં ૧૪૬ થી વધુ કર્મચારીઓનું આરોગ્ય પરીક્ષણ અને કોરોનાનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પૈકી ચાર કર્મચારીઓના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે અને તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. ઉપરાંત તેઓના સંપર્કમાં આવેલા અન્ય કર્મચારીઓને હોમ આઈસોલેશનમાં રાખવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે.