માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટરે કંપનીના CTO (ચીફ ટેક્નોલોજી ઓફિસર) તરીકે પરાગ અગ્રવાલને નિયુક્ત કર્યા છે. પરાગ આઇઆઇટી મુંબઈના વિદ્યાર્થી રહી ચૂક્યા છે અને તેઓ હવે ટ્વિટરમાં એડમ મેસિંગરની જગ્યા લેશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, 2016ના અંતમાં એડમે ટ્વિટર છોડી દીધું હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પરાગ અગ્રવાલની નિમણૂંક ઓક્ટોબરમાં જ કરી દેવામાં આવી હતી, પરંતુ કંપનીએ હવે તેને સત્તાવાર રીતે જાહેર કર્યું છે.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી લીધી છે PhDની ડિગ્રી
પરાગ અગ્રવાલે 2011માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં PhDની ડિગ્રી લીધી છે અને ત્યારે તેમણે ટ્વિટરમાં એડવર્ટાઇઝમેન્ટ એન્જિનિયર તરીકે જોઇન કર્યું હતું. તાજેતરમાં જ તેમને Most Distinguished (એદમ અલગ) સોફ્ટવેર એન્જિનિયરનું ટાઇટલ મળ્યું હતું.ઉલ્લેખનીય છે કે 2011માં ટ્વિટર જોઇન કરતા પહેલા તેમણે માઇક્રોસોફ્ટ, યાહૂ અને AT&T જેવી મોટી ટેક્નોલોજી કંપનીઓમાં રિસર્ચ ઇન્ટર્નશિપ કરી છે. રિપોર્ટ પ્રમાણે, તેમણે યુઝર્સની ટાઇમલાઇન પર ટ્વિટની પ્રાસંગિકતા વધારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લીધી છે.