અબતક, રાજકોટ
આજે પર્યુષણ પર્વનો અંતિમ દિવસ એટલે કે આજે સંવત્સરી છે. દેરાવાસી જૈનોએ ગઇકાલે ક્ષમાપનાનું પર્વ ઉજવ્યું જ્યારે આજે સ્થાનકવાસી જૈનો સંવત્સરી મહાપર્વની ઉજવણી કરી રહ્યાં છે. જૈઓએ એકાબીજાને મિચ્છામી દુક્કડમ કહી ક્ષમાયાચના માંગી હતી. વર્ષ દરમ્યાન કોઇ ભૂલ થઇ હોય, અજાણતા કોઇને દુ:ખ પહોંચ્યુ હોય ત્યારે આજે જૈનોએ એકાબીજાની માફી માંગી પરમ સુખ-શાંતિની અનુભૂતિ કરી હતી. આજે શહેરના વિવિધ ઉપાશ્રયોમાં સવારે પ્રાર્થના, ક્ષમાધર્મ, પ્રવચન, આલોચના તથા સાંજે પ્રતિક્રમણ સહિતના કાર્યક્રમો યોજાશે. બાદ આવતીકાલે આયંબીલ ભવનોમાં પારણા થશે.
“ક્ષમા વીરસ્ય ભૂષણમ ક્ષમાને વીરોનું આભૂષણ કહેવાયું છે.
ક્ષમા શક્તિમાનને શોભે. દૂબેળ વ્યક્તિનો માફીનો કોઇ અર્થ નથી. જ્યારે સમર્થ વ્યક્તિ કોઇ દુબેળ વ્યક્તિ પાસે પોતાની ભૂલની ક્ષમા માંગે ત્યારે ધર્મે સોળે કળાએ ખીલી ઉઠે છે. અરે દેવો પણ દુંદુભી વગાડવા અને પુષ્પ વૃષ્ટિ કરવા થનગને છે. એટલે જ તો ગજસુકુમાર મુનિની ક્ષમાની અંતગડ સૂત્રમાં નોંધ લેવાણી. તેવી જ રીતે રાજા પરદેશીને પોતાની જ પત્નીએ ભોજનમાં ઝેર આપ્યું છતા રાજાએ ક્ષમા ધારણ કરી અને એટલે જ તો એક આખું આગમ શ્રી રાયપસેણીય સૂત્ર રાજા પરદેશીના નામે લખાણું. ક્ષમા માંગવી એ નબળાઇ નહીં પણ તાકાત છે.
સંવત્સરી-ક્ષમાના આ મહાપર્વના દિવસે ચોતરફ વાતાવરણ આનંદ અને ઉલ્લાસભર્યુ દ્રષ્ટિગોચર થાય છે. ક્ષમાની આપ-લે કરવાથી પરમ સુખ અને શાંતિનો અનુભવ થાય છે. માત્ર જૈન ધર્મે જ નહીં પરંતુ જગતના દરેક ધર્મો ક્ષમાને અદ્ભૂત મહત્વ આપે છે. ચાલ્સ ગ્રીસ વોકડ નામના ચિંતકે “ફરગીવનેસ અ ફિલોસોફીકલ એક્ષપ્રોશન નામના પુસ્તકમાં આલેખ્યું છે. “ધ હિલીંગ હટે નામના પુસ્તકના લેખક નોમેન કઝીન્સનું માનવું છે કે વેરભાવના રાખવાથી શરીરમાં હૃદ્ય રોગના હુમલા આવે છે તેમજ અનેક રોગ આવે છે. એનાથી ઉલ્ટુ ક્ષમાનો ગુણ જે લોકોએ અપનાવ્યો તો ઘણા લોકોના બ્લડ પ્રેશર ઓછા થયેલાં. એક ડોક્ટરે કહ્યું કે શરીરમાં મોટાભાગના રોગો વેર વૃતિ અને ઝઘડાને કારણે થાય છે.
મનની અંદરની શાંતિ, ક્ષમાભાવથી મળે છે. આવું ફ્રેન્ચ નવલ કથાકાર એન્ટુ મોરઇસે કહેલું. નેલસન મંડેલાની ક્ષમા અદ્ભૂત હતી. ભૂલ થઇ જવી સરળ છે પરંતુ ક્ષમા આપવી કે માંગવી તે દિવ્ય ગુણ છે. ચીની ફિલસૂફે કહેલું તમે કોઇને માફ કરો ત્યારે તમારામાં એક નવી દિવ્ય ચેતના જાગી છે. નવી શક્તિ આવે છે. વેર રાખવું એ નબળો માણસ પુરવાર થવા જેવું છે, જ્યારે માફી આપવી તે બહાદુર માણસોનું કામ છે તેમ મહાત્મા ગાંધીજી કહેતાં.