કેનેડાના ભારતીય એલચીએ રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુની શુભેચ્છા મુલાકાત લીધી
સમગ્ર વિશ્વમાં 11 ઓક્ટોબરે ઉજવાતા “વિશ્વ બાલિકા દિવસ” નિમિત્તે કેનેડાના મુંબઈ સ્થિત ભારતીય એલચી મિ. માઈકલ વોંકએ રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ મુલાકાતના આરંભે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ પુષ્પગુચ્છ એનાયત કરી કેનેડીયન એલચીને આવકાર્યા હતા. તથા રાજકોટ જિલ્લામાં બાલિકાઓને અંગત સ્વચ્છતા જાળવવા વિશે જિલ્લાભરમાં અમલી બનાવાયેલા વિવિધ અભિયાનોથી કેનેડિયન એલચીને માહિતગાર કર્યા હતા. અનાથાશ્રમમાં આશ્રય લઈ રહેલી 200 થી વધુ બાલિકાઓ સાથે કરવામાં આવતી વિવિધ તહેવારોની ઉજવણીની વિગતો કલેકટરએ માઈકલ વોંગને જણાવી હતી. જેની તેમણે ભરપૂર સરાહના કરી હતી.
રાજકોટ જિલ્લાની શાળાએ જતી તથા ન જતી બાલિકાઓ, વંચિત વિસ્તારની ક્ધયાઓ, સંપન્ન પરિવારની કુમારિકાઓ વગેરેની સામાજિક – આર્થિક – માનસિક સ્થિતિનો ચિતાર માઈકલ વોંગએ જિલ્લા કલેકટર પાસેથી મેળવ્યો હતો. અને તેમની સ્થિતિ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો. દેશભરમાં ચલાવાયેલા કોવિડ વેક્સિનેશન અભિયાનની પણ વોંકએ પ્રશંસા કરી હતી. નાયબ મ્યુનિસિપલ કમિશ્નર આશિષ કુમાર, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.