અબતક, સબનમ ચૌહાણ
સુરેન્દ્રનગર
“ખેડૂત એકતા મંચ ટીમ દ્વારા મજબૂત પુરાવા સાથે કૌભાંડને ઉજાગર કરવામાં આવ્યું જેમાં લખતર તાલુકાના અણીયાળી ગામે ૧૩ વર્ષની દીકરી બાવળિયા નંદની બેન રાજુભાઈ જે શાળામાં અભ્યાસ કરતી હોય એના નામે જોબકાર્ડ બનાવી મનરેગામાં કામ કરતી બતાવી પગારની રકમ ઉપાડી લેવામાં આવી, તેમજ એ જ ગામમાં ખેત તલાવડી આજ સુધી બની નથી ત્યાં પણ ઓનપેપર ખેત તલાવડી બતાવી ૩ મસ્ટર બનાવી અને રકમ ચાઉં કરી જવામાં આવી.
એવી જ રીતે ચોટીલા તાલુકાના નાની મોરસલ ગામે મૃત પામેલા વ્યક્તિના નામે જોબકાર્ડ ચલાવી કૌભાંડ આચરવામાં આવ્યું અને એ જ ગામના આશા વર્કર બહેન ને એક જ સમયે બે જગ્યાએ નોકરી કરતા બતાવી કોઈ જ પ્રકારના ડર વગર કૌભાંડ આચરવામાં આવ્યું, આગળ જોઈએ તો મૂળી તાલુકામાં પણ ગઢડા ગામે ખોટી રીતે ઓન પેપર ખેત તલાવડી દર્શાવી મોટી રકમ ચાઉં કરી જવામાં આવી. કેન્સર પીડિત વ્યક્તિ જેના નાકમાં હજુ સુધી નળીઓ છે. લિક્વિડ પર જીવી રહ્યો છે. તે વ્યક્તિને પણ કામ કરતો દર્શાવી રકમ ઉપાડી લેવામાં આવી.
હદ તો ત્યારે થઈ કે કૌભાંડ બહાર આવ્યું ત્યારે રાતોરાત અધિકારીઓની મિલીભગતથી જેસીબી મશીનથી ખેત તલાવડી બનાવી દેવામાં આવી. એવી જ રીતે મૂળી તાલુકાનુ નવા રાયસંગપર ગામે ખોટા જોબ કાર્ડ બનાવી જોબ કાર્ડ ધારકોને કામ કરતા દર્શાવી ખોટી સહીઓ કરી .૨.૮૨ લાખ જેવી માતબર રકમ બેન્કમાંથી ઉઠાંતરી કરવામાં આવી. ભોગ બનનાર છ વ્યક્તિ જિલ્લા કલેકટરને પણ રજુઆત કરી ચુકયા છે. આવી રીતે કૌભાંડ થયાની અનેક ગામડાઆમાંથી અમારી ટીમને ફરિયાદો મળી રહી છે.
“ખેડૂત એકતા મંચની ટીમ દ્વારા ૨૦ જુલાઈ અને ૨૭ જુલાઈ જિલ્લા કલેકટર તેમજ ડી.ડી.ઓને બે વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી કૌભાંડીઓ પર કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉપરથી કૌભાંડ ઉજાગર કરનાર યુવાનોને આડકતરી રીતે ખોટા ગુન્હામાં ફસાવવાની ધમકીઓ મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના સંસદ અને રાજ્ય કેન્દ્રીય મંત્રીના જ મત વિસ્તારમાં આવડું મોટું કૌભાંડ ચાલી રહ્યું હોય ત્યારે આવા કૌભાંડોના કારણે પૂરી સરકાર બદનામ થઈ રહી હોય તો તાત્કાલિક ધોરણે તપાસના આદેશ કરી કૌભાંડીઓને જેલભેગા કરવામાં આવે, નહી તો આવનારા દિવસોમાં સરકાર અને અધિકારીઓ પર કોઈને પણ વિશ્વાસ રહેશે નહીં. જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવા ખેડૂતોએ જણાવ્યું છે. ત્યારે ખેડૂતો નો સુરેન્દ્રનગર જિલ્લામાં નહિવત વરસાદ પડવાથી ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે.
ગત તા: ૨૬-૦૮-૨૦૨૧ ના રોજ દરેક તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કલેકટરને રજૂઆત કરવા પહોંચેલા જ્યાં ખેતીવાડી અધિકારીએ જાહેરમાં પાક નુકશાન થયાની કબૂલાત કરેલી અને અધિક કલેકટરએ એક વરસાદ પછી બીજો વરસાદના થયાની કબૂલાત કરેલી તેમ છતાં હજુ સુરેન્દ્રનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે. છેલ્લા પંદર દિવસમાં પાક નિષ્ફળ જવાથી ૨ ખેડૂતોએ આત્મહત્યા પણ કરી છે. આ ખેડૂત પરિવારને આપની ગ્રાન્ટમાંથી સહાય ચુકવવામાં આવે. તેમજ સુરેન્દ્રનગર જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય ચુકવવામાં મદદપ થવા ખેડૂતોએ માંગ કરી છે.