યુવકને એકાંતમાં મળવા બોલાવી ઘેનની દવા ખવડાવી બેભાન કરી લુંટ ચલાવતા હોવાની કબુલાત: બે શખ્સોની શોધખોળ
મેટોડા જીઆઈડીસી વિસ્તારમાંથી ત્રણ મહિલા સહિત છ ધાડપાડુને ઝડપી લઈ તેમની પાસેથી છરો, ડિસમિસ સહિતના હથિયાર કબજે કર્યા હતા. મેટોડામાં રહેતા એક વ્યકિતને સ્ત્રીની માયાજાળમાં ફસાવી ધાડની ઘટનાને અંજામ આપવા માટે રાજકોટથી નીકળીને મેટોડા નજીક વોચમાં રહેલા આ શખ્સો પાસેથી પોલીસે એક કાર પણ કબજે કરી છે.
રાજકોટ તરફથી એક કારમાં કેટલાક ગુનાહિત કૃત્યને અંજામ આપવા મેટોડા તરફ આવી રહ્યા છે. જે અનુસંધાને લોધીકાના ફોજદાર ગઢવી, પીએસઆઈ ગોહિલ સહિતના સ્ટાફે વાગુદડ રોડ નજીક મેટોડા જીઆઈડીસી તરફ જવાના કાચા રસ્તે વોચ ગોઠવી હતી. પોલીસ પાસે કારના નંબર સહિતની સચોટ બાતમી હોવાથી રાત્રીના આઠેક વાગ્યે અર્ટીગા કાર નં.જી.જે.૩૨ બી ૫૧૪૬ નીકળતા પોલીસે તેને અટકાવી તલાશી લીધી હતી.
તલાશી દરમિયાન કારમાં બેઠેલા શખ્સો પાસેથી એક છરો, ડિસમિસ, લાકડી, બેટ ઉપરાંત બેભાન કરવાની દવાઓ અને લિકવીડ મળી આવતા પોલીસે હથિયારો અને કાર સહિતનો મુદામાલ કબજે કરી કારમાં બેઠેલા અશોકભાઈ ઉર્ફે મામા ભોપાભાઈ બાબરીયા (ઉ.વ.૨૯, રહે.ભાવનગર તળાજા રોડ ભાંગલી ગેટ પ્લોટ નં.૨૫૪૨), હિતેશ ઉર્ફે હિતો હિમતભાઈ પઢીયાર (ઉ.વ.૨૧, રહે.હાલ સુરત, મુળ સણોસરા તા.સિહોર), નિલેશ ઉર્ફે કાદુ ગોરધનભાઈ મકવાણા (ઉ.વ.૨૧ રહે.હાલ સુરત, મુળ સણોસરા, તા.સિહોર), જીન્નતબેન રફીકભાઈ મકવાણા (ઉ.વ.૩૭, રહે.રાજકોટ ભગવતીપરા શેરી નં.૩), હસીના અહેસાન ફકીર (ઉ.વ.૩૪, રહે.રાણપુર, જી.બોટાદ) તથા હંસાબેન પ્રવિણસિંહ જાડેજા (ઉ.વ.૬૦ રહે. રાજકોટ કોઠારીયા રોડ)ની ધરપકડ કરી હતી. આ કામગીરી દરમિયાન અજય ઉર્ફે વિજય મકવાણા (રહે.નેસડા તા.શિહોર) અને મુખ્ય કાવતરાખોર કમલેશ ઉર્ફે મુન્નો પોપટભાઈ ચાવડા (રહે.ભાવનગર) નાસી છુટયા હતા.
પોલીસની પ્રાથમિક પુછપરછમાં બહાર આવેલી વિગતો મુજબ મુખ્ય કાવતરાખોર કમલેશ ચાવડાને મેટોડા જીઆઈડીસી પાછળ મેલડી માતાના મંદિર પાસે બંગલામાં મનોજભાઈ હરીલાલ જોષી નામના વ્યકિત એકલા રહેતા હોવાની અને તેમની પાસે મોટી રોકડ અને દાગીના હોવાની માહિતી મળી હતી.
જેથી તેણે આ ઘાડનો પ્લાન બનાવ્યો હતો. પ્લાનના ભાગરૂપે તેણે જીન્નત સાથે મનોજભાઈને અવાર-નવાર મોબાઈલમાં વાતચીત કરાવી તેની સાથે મિત્રતા કરાવવાની લાલચ આપી હતી. આજે જીન્નત સાથે મુલાકાત કરાવવાના બહાને આ તમામ શખ્સો મનોજભાઈને ત્યાં ધાડના ઈરાદે જઈ રહ્યા હોવાની કબુલાત આપી છે.
લોધીકા પોલીસે ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોની ધાડ પાડવાની કોશિષનો ગુનો નોંધી રૂ.૪ લાખની કિંમતની જી.જે.૩૨ બી ૫૧૪૬ નંબરની અર્ટીણા કાર, લાકડાના ધોકા, બેટ, ડીસમીસ અને બેભાન બનાવવાની દવા મળી રૂ.૪.૨૪ લાખનો મુદામાલ કબજે કર્યો છે. ધનાઢય પરીવારની વ્યકિતની રેકી કરી તેને સ્ત્રીની મોહજાળમાં ફસાવી મળવા બોલાવી ઘેની દવા પીવડાવી બેભાન કરી લુંટી લેતા હોવાની કબુલાત આપતા વધુ ગુનામાં સંડોવાયેલા હોવાની શંકા સાથે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.
લોધિકા પંથકમાં ૧ વર્ષમાં હનીટ્રેપની બીજી ગેંગ ઝડપાઈ
લોધીકા પોલીસે એક વર્ષ પૂર્વે યુવતીઓની લાલચ આપી અવાવ‚ જગ્યાએ બોલાવી નગર પીપળીયાના યુવકને બળાત્કારના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી રૂ.૧૦ લાખની માંગણી કરી અંતે રૂ.૩ લાખ આપવા ગોઠવાયેલી હનીટ્રેપનો લોધીકાના મહિલા પીએસઆઈ એચ.પી.ગઢવીની સતર્કતાથી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી ગેંગની યુવતી સહિત છ શખ્સોને ઝડપી લીધા બાદ વધુ એક ગેંગને ઝડપી લેતા મહિલા પીએસઆઈ એચ.પી.ગઢવીની સરાહનીય કામગીરી બજાવી છે.