બીડી સળગાવતા ઓરડીમાં લીકેજ ગેસથી આગ ભભૂકી’તી: ચાર શ્રમિકની હાલત ગંભીર
લોધીકાના મેટોડામાં ચાર દિવસ પહેલા ડાયમંડ પાર્ક સોસાયટીમાં 40 ઓરડી વિસ્તારમાં શ્રમિકોની ઓરડીમાં આગ ભભૂકતાં અંદર સુઈ રહેલા પાંચ મજૂરો ગંભીર રીતે દાઝી ગયા હતા.
જેમાં એક શ્રમિકે સારવારમાં દમ તોડતા પરપ્રાંતીય પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ લોધીકાના મેટોડામાં ગેઇટ નંબર.2માં આવેલા 40 ઓરડી તરીકે ઓળખાતા બિલ્ડીંગની એક ઓરડીમાં રહેતા અને મેટોડામાં આવેલી મેકપાવર કંપનીમાં મજૂરી કામ કરતા કમલેશ રાજુશ્યામ શેખવાર(ઉ.વ.20), રોહિત હરિશંકર શેખવાર(ઉ.વ.20), મંગલીપ્રસાદ શ્રીશ્યામલાલ શેખવાર(ઉ.વ.40) અને મયંક રામલખન શેખવાર (ઉ.વ.22) અને રાહુલ વિજયબહાદુર શેખવાર (ઉ.વ.22) એમ પાંચેય યુવાનો રાતે નોકરી પરથી પોતાના રૂમ પર આવ્યા હતાં અને રસોઇ બનાવી જમીને સુઇ ગયા હતાં. તેમજ ગેસનો બાટલો બંધ કરવાનું ભૂલી જતાં રૂમમાં ગેસ પ્રસરી ગયો હતો અને પાંચમાંથી મયંકે સવારે બીડી સળગાવતાં આગ ભભૂકતા દાઝી ગયેલા પાંચેયને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા.
જ્યાં સારવાર દરમિયાન રાહુલ શેખવારનું લાંબી સારવાર બાદ પણ મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. તો બીજી તરફ હજુ કમલેશ શેખવાર, રોહિત શેખવાર, મયંક શેખવાર અને મંગલીપ્રસાદ શેખવારને વધુ સારવાર માટે પરિવારજનો તેમના વતન લઈ ગયા છે.
આ ઘટનાની જાણ થતાં લોધીકા પોલીસ મથકના સ્ટાફે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.