હરીપર ગામે પ્રેમ લગ્ન મામલે બે પરિવાર બાખડયા: સગર્ભા સહિત બે ઘાયલ
મેટોડા પોલીસ મથકમાં ગઇ કાલે ત્રણ મારામારીની ઘટના સામે આવી છે. જેમાં જીઆઇડીસી વિસ્તારમાં ઘરે આવેલી પ્રેમિકા અંગે પુત્રને ઠપકો આપતાં પિતા અને દાદી પર હુમલો કર્યો હતો. જ્યારે હરીપર ગામે પ્રેમ લગ્ન કરનાર નવોઢાને તેની નણંદ સહિતનાઓએ માર માર્યો હતો. જ્યારે સામાપક્ષે પિતાએ જ પુત્રીને માર માર્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં આવેલા જ્યોતિ કારખાનાની પાછળ રહેતા મહેશભાઈ પુંજાભાઈ દાફડા (ઉ.વ.57) અને તેમના માતા ધનીબેન દાફડા (ઉ.વ.70) પર તેમના જ પુત્ર સંજયે હુમલો કરતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સિવિલ ચોકીના પોલીસ સ્ટાફે મેટોડા પોલીસ મથકે જાણ કરતા તેમનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મહેશભાઈ કારખાનામાં મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇ કાલે સાંજે તેમના પુત્ર સંજયની પ્રેમિકા તેના ઘરે આવીને બેસી ગઈ હતી. સંજયની પ્રેમિકા સાથે બોલતાં અગાઉ એક યુવકે આપઘાત કર્યો હતો. જેથી સંજયના માતા પિતાએ તેને ઠપકો આપ્યો હતો અને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ પ્રેમમાં ગળાડૂબ પાગલ પુત્રએ ઊલ્ટાનું પિતા મહેશભાઈ અને તેમના દાદી ધનીબેનને માર માર્યો હતો.
જ્યારે અન્ય બનાવમાં લોધિકાના હરીપર ગામે રહેતી સગીરાને તેના પિતા મેરુભાઈ, ભાઈ અજય, દાદી બઘીબેન, દાદા ભાણાભાઈ સહિતનાઓએ માર માર્યો હતો. જ્યારે સામાપક્ષે શીતલબેન અજયભાઈ પરમાર નામની 18 વર્ષીય નવોઢા જે સગર્ભા હોય તેના પર તેની નણંદ હીરાબેન, ગોવિંદ સહિતનાઓએ માર માર્યાનું સામે આવ્યું હતું. પોલીસે બંને ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.