અરબી સમુદ્રમાં લો-પ્રેશર એરીયા બનતા વાતાવરણમાં પલટા આવશે: જુનાગઢ કૃષિ યુનિ.ના વૈજ્ઞાનિકોએ કરી આગાહી
આગામી 10 ડિસેમ્બર બાદ કેરાળા પાસે અરબી સમુદ્રમાં લો પ્રેશર એરિયા બનશે. જેના કારણે ઉત્તર, પશ્ચિમ તરફ સાયકલોન સર્ક્યુલેશનમાં ગતિ થશે, અને તેના કારણે આગામી 11, 12 અને 13 ડિસેમ્બરના રોજ સોરઠ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે. તથા કમોસમી વરસાદ પણ પડી શકે છે. જેની વધુ અસર રાજકોટ આસપાસમાં થાય તેવો વર્તારો જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના ધીમંત વઘાસીયાના જણાવ્યા અનુસાર આગામી તારીખ 11 થી 13 ડિસેમ્બરની આસપાસ જુનાગઢ જિલ્લા સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના અમુક વિસ્તારોમાં અરબી સમુદ્રમાં 10 ડિસેમ્બરના રોજ સર્જાનનારા લો પ્રેશરને કારણે માવઠા થવાની શક્યતા છે. અને હાલના અનુમાન મુજબ રાજકોટના અમુક વિસ્તારમાં આ લો પ્રેશરની વધુ શક્યતાઓ થઈ શકે છે.
જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આ વર્તારા મુજબ જો માવઠું થશે તો, સોરઠ વિસ્તારના આંબાવાડીમાં ભારે નુકસાન થવાની સંભાવના ઉત્પન્ન થઈ છે. કારણ કે, હાલમાં આંબામાં કોરામણ જોવા મળી રહી છે, અને મોર ફૂટવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. જો માવઠું થાય તો, કેરીના પાકને નુકસાન થવાની શક્યતાઓ પૂરેપૂરી છે. આ સાથે સોરઠ પંથકમાં શિયાળુ પાકમાં ઘઉં, ચણા, ધાણા, જીરૂ, સહિતના પાકોનું વાવેતર થયું છે. જો કે, ધાણામાં હાલ સુકારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત આગામી દિવસોમાં જો કમોસમી વરસાદ થશે તો, ખેડૂતો માટે ચિંતાનો વિષય પણ બની જશે. તેવું જાણકારો જણાવી રહ્યા છે.