આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છના ઘણા ખરા વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટાની સાથે માવઠા થવાની હવામાન વિભાગની આગાહી 

સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણ સતત બદલાઈ રહ્યું છે ત્યારે મહત્તમ તાપમાન મંગળવારે 42.3 ડિગ્રી રહેવા પામ્યું હતું. છતાં સાંજે હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે ભારે પવનથી વીજળીનો થાંભલો અને ઝાડ અનેક જગ્યાએ ધરાશાયી થયા હતા. અમદાવાદમાં પણ સાંજના સમય બાદ આ જ સ્થિતિ જોવા મળી હતી. હજુ આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છના ઘણા વિસ્તારમાં વાતાવરણ પલ્ટાની સાથે માવઠા થવાની આગાહી કરવામાં આવી છે. જો કે આવતીકાલથી સૌરાષ્ટ્રમાં વાતાવરણ ચોખ્ખુ થઈ જશે અને ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ આજના દિવસે લોકલ ફોર્મેશન બંધાતા એટલે કે ગરમીનું પ્રમાણ અને ઉપરી હિસ્સામાં વધારે ભેજ રહેતા અમુક જગ્યાએ વિજળીના કડાકા સાથે કમોસમી વરસાદ તેમજ અમુક જગ્યાએ વરસાદની સાથે બરફના કરા પડે તેવી શકયતા છે. જો કે આ સ્થિતિ આજે એક દિવસ જ જોવા મળશે. સવારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં વાતાવરણ કલીયર જોવા મળ્યું હતું અને તડકો નીકળતા ગરમીનો અહેસાસ થવા લાગ્યો હતો. આવતીકાલથી તો વાતાવરણ એકદમ ચોખ્ખુ થઈ જશે. ત્યારબાદ ગરમીનો પારો ઉપર જશે અને પવનમાં પણ લુ ઝરશે.

હવામાન વિભાગની આગાહી મુજબ અગાઉ 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તાર જેવા કે રાજકોટ, અમરેલી, જૂનાગઢ, મોરબી અને સુરેન્દ્રનગરમાં વીજળી સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સાથો સાથ બપોરના સમયે ગરમીની પણ અનુભુતિ કરી હતી. સાયકલોનિક સક્યુલેશન દક્ષિણ-પશ્ર્ચિમી રાજસ્થાન અને તેના નજીકના વિસ્તારમાં જોવા મળ્યું હતું. પરિણામે વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને લોકોએ હળવા ઝાપટાની સાથે બપોરના સમયે ભારે લુની પણ અનુભૂતિ કરી હતી. મંગળવારે સાંજે વીજળી સાથે ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી અને ધારી, વડીયા, કોટડાપીઠા અને ગોંડલ તેમજ કુંકાવાવમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો. રાજકોટમાં 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. અમદાવાદમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી અને કેટલીક જગ્યાએ થાંભલા ધરાશાયી થયા હતા અને દૂકાનોના બોર્ડ પણ ઉડી ગયા હતા.

જો કે હવે આવતીકાલથી સાઈકલોનિક સર્ક્યુલેશન દૂર થશે અને વાતાવરણ એકદમ ક્લીયર થઈ જશે. ત્યારબાદ ગરમીનું પ્રમાણ પણ વધશે અને પારો લગભગ 42 ડિગ્રીને પાર નહીં પરંતુ 43, 44 ડિગ્રી  આસપાસ રહે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે.

છેલ્લા પાંચ દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છના વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા રોગચાળાની દહેશત ફેલાય છે. એકબાજુ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે બીજી બાજુ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. અને હવે ભર ઉનાળે સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ વરસતા વધુ રોગચાળો ફેલાય તેવી દહેશત ફેલાવા પામી છે. રાજકોટ સહિત અન્ય મહાનગરોમાં પણ કોરોનાના કેસો દિવસે ને દિવસે રેકોર્ડ બનાવી રહ્યા છે. ત્યારે આવા વાતાવરણના લીધે અન્ય રોગચાળાઓ પણ ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

ગોંડલ, કોટડાપીઠા, ધારી સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ

ગોંડલ શહેર તેમજ પંથકમાં દિવસ દરમિયાન ગરમી રહ્યાં બાદ સાંજના સમયે વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ગોંડલ પંથકના દેરડી કુંભાજી, મોટી ખીલોરી તેમજ ધારી, વડીયા અને કોટડાપીઠામાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ઉનાળુ બાજરી, તલ, મગ અને મગફળી, લસણ, ડુંગળી સહિતના પાકોને નુકશાન થવાની શકયતાથી ખેડૂતો ચિંતાતૂર બન્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.