લોધીકા તાલુકાના મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં ગોડાઉનમાં દારૂની હેરાફેરી વેળાએ એલસીબીએ દરોડો પાડી રૂા.4.90 લાખની કિંમતના 2592 બોટલ વિદેશી દારૂ સાથે ત્રણ રાજસ્થાની શખ્સોની ધરપકડ કરી રૂા.8.74 લાખનો મુદામાલ કબજે કરી નાશી છૂટેલા બે રાજસ્થાની શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
વધુ વિગત મુજબ રાજકોટ જીલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવા એસ.પી.જયપાલસિંહ રાઠોડે આપેલી સુચનાને પગલે એલસીબીના પી.આઈ. વી.વી.ઓડેદરા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ ત્યારે મેટોડા જીઆઈડીસી ગેઈ નં.2 માં ગોડાઉનમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની પી.એસ.આઈ. એચ.સી.ગોહીલને મળેલી બાતમીના આધારે પી.એસ.આઈ. ડી.જી.બડવા, હેડ કોન્સ્ટેબલ રવિ દેવભાઈ બારડ, કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પરમાર, નૈષિભાઈ મહેતા અને મનોજ બાયલ સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.
ત્રણ માસથી ભાડે શેડ રાખી દારૂનો વેપલો કરતા: બોલેરો પીકઅપ વાનમાં દારૂ ભરતી વેળાએ એલસીબી ત્રાટકી: રૂ. 8.74 લાખનો મુદામાલ કબ્જે
દરોડા દરમ્યાન રૂા.4.90 લાખની કિંમતનો 2592 બોટલ દારૂ સાથે રાજસ્થાનના ઓમપ્રકાશ લાલરામ બિશ્નોઈ, મુકેશ પુનારામ જાંગુ અને હુકમરામ સોનારામ ખીલેરીની ધરપકડ કરી હતી ઝડપાયેલા શખ્સો ગોડાઉનમાંથી બોલેરોમાં દારૂ ભરી રહયા હતા અને ડીલીવરી કરે જ તે પૂર્વે જ એલસીબીએ રૂા.8.74 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલ શખ્સની પ્રાથમીક પુછપરછમાં ત્રણ માસથી ભાડેથી ગોડાઉન રાખી દારૂનો વેપલો કરતા હોવાનુ તેમજ આ દારૂનો જથ્થો રાજસ્થાનના સુખદેવ ઉર્ફે પીન્ટુ બીશ્નોઈ અને મુકેશ ગોદારાએ મોકલ્યો હોવાનુ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.