આનંદ કુમારને પહેલેથી જ ગણિત બહુ ગમે! (સામાન્યત: આપણે ત્યાં બાળકો ગણિતનાં નામથી પણ 100 જોજન દૂર રહેવાનું પસંદ કરે એવી માનસિકતા જોવા મળે!
આનંદકુમાર અને સુપર 30 ફિલ્મ તો હવે જૂની થઈ ગઈ. પરંતુ તે વિશેના વિવાદ વિશે જાણવું રસપ્રદ લાગ્યું. જ્યારે તમે સફળ થાઓ છો ત્યારે તમારા કર્મ અને સમાજ પરત્વેની જવાબદારીમાં વધારો થાય છે, પરંતુ એ જ સફળતાને ટકાવી રાખવા માટે આ બંને પરિબળોમાં સાતત્યતા જળવાવી જરૂરી બની જાય છે. ઘણી બધી વખત એવું બને છે કે સફળ માણસ પોતાના કામ સાથે સમાધાન કરવા માંડે છે, જેના લીધે તેની ગુણવત્તામાં ઘટાડો થાય છે અને ધીરે ધીરે તેનો સૂરજ આથમી જાય છે. સુપર 30 સાથે પણ આવું જ કંઈક બની રહેલું હોવાના એંધાણ જણાઈ રહ્યા છે. પરમ દિવસે રીલિઝ થનારી હ્રીતિક રોશનની આ ફિલ્મ વાસ્તવમાં બિહારના પટણામાંથી આવતાં વિશ્વપ્રખ્યાત ગણિતજ્ઞ આનંદ કુમારના જીવન પર આધારિત છે. આજે ફિલ્મ વિશે ચર્ચા કરવાને બદલે આનંદ કુમારની લાઇફ પર ફોકસ કરીએ.
વર્ષનાં પહેલા જ દિવસે એટલે કે 1લી જાન્યુઆરી, 1973ના રોજ જન્મેલા આનંદ કુમારનો પરિવાર પ્રમાણમાં ગરીબ. પિતા ક્લાર્ક એટલે સ્વાભાવિક રીતે પ્રાઇવેટ સ્કૂલિંગ તો ન જ પોસાય. પોતાના દીકરાને એમણે પટણાની હિન્દી મીડિયમ સરકારી સ્કૂલમાં ભણવા મૂક્યો. બાળકના ભવિષ્યનો મોટાભાગનો ચિતાર પ્રાથમિક શિક્ષણ દરમિયાન મળી જતો હોય છે. તે આગળ જતાં ભણતર ક્ષેત્રે કેટલું ઉકાળશે એનો ખ્યાલ પણ આવી જ જાય છે. આનંદ કુમારને પહેલેથી જ ગણિત બહુ ગમે! (સામાન્યત: આપણે ત્યાં બાળકો ગણિતનાં નામથી પણ 100 જોજન દૂર રહેવાનું પસંદ કરે એવી માનસિકતા જોવા મળે!) કોલેજકાળ દરમિયાન તો ભાઈએ એકાદ-બે રીસર્ચ-પેપર પણ આંતરરાષ્ટ્રીય સ્તરે મોકલેલા. પહેલેથી જ આનંદ કુમારની ઇચ્છા એવી કે લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી શિક્ષણ લઈને મહાન ગણિતજ્ઞ બનવું! પરંતુ વિધાતાએ એના લેખ જરાક અળવીતરા અંદાજમાં લખ્યા હતાં.
કેમ્બ્રિજમાં એડમિશન તો મળી ગયું પણ એ અરસામાં એમના પિતાનું અવસાન થયું. મા બિચારી એકલપંડે ગુજરાન ચલાવી શકે એટલી સદ્ધર નહીં. એટલે આનંદ કુમારે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જવાના સપનાને તિલાંજલિ આપી માતા સાથે પાપડ વણવાના શરૂ કર્યા. સવારે ગણિત સાથે પનારો અને સાંજે પાપડ સાથે! ઘેર-ઘેર પાપડ વહેંચ્યા. 1994-95ની સાલ દરમિયાન એવી કોશિશ પણ કરી કે ક્યાંકથી કોઇક સ્પોન્સર્સ મળી જાય જેથી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જઈને ભણતર આગળ વધારી શકાય. પણ છેવટે તો નિષ્ફળતા જ હાથ લાગી.
ઘરની નજીક મહિને 500 રૂપિયાનાં ભાડા પર ટ્યુશન ક્લાસિસ શરૂ કર્યા, જેમાં શરૂઆતમાં બે બાળકોએ એડમિશન લીધું. ધીરે ધીરે એ સંખ્યા વધીને 500 સુધી પહોંચી. પટણાનાં ગરીબ-મજૂર બાળકોનું ભણતર ન અટકે તેમજ એમને મોંઘાભાવના ટ્યુશન ક્લાસિસમાં ન જવું પડે એ માટે આનંદ કુમારે પોતાના કોચિંગ ક્લાસિસની ફી વર્ષદીઠ 1500 રૂપિયા રાખી, જેથી દરેક માતા-પિતાને પરવડે! પરંતુ એક ઘટના એવી બની કે જેણે આનંદ કુમારના મનમાં સુપર 30ના બીજ રોપ્યા.ગામનાં જ એક ગરીબ ખેડૂતનો દીકરો એમની પાસે આવ્યો ને કહ્યું કે મારા પિતા બટેટા ઉગાડીને ઘરનું ગુજરાન ચલાવે છે. ટ્યુશન ક્લાસની ફી ભરી શકું એટલા પૈસા તો નથી પણ ગણિત વિષયમાં ખૂબ રસ છે. જો તક મળે તો હું આગળ મોટી કોલેજમાં જઈને ભણવા માંગુ છું.
આ સાંભળીને આનંદ કુમારને થયું કે આવા તો કંઈ કેટલાય બાળકો એવા હશે જેમને આઇ.આઇ.ટી. (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ્સ ઓફ ટેક્નોલોજી)માં એન્જિનિયરીંગ કરવાની ઇચ્છા હશે પરંતુ મૂડીના અભાવે ત્યાં સુધી પહોંચી નહીં શકતા હોય. અને આ સાથે જન્મ થયો, સુપર 30 નો! જેમાં એક પ્રવેશ પરીક્ષા રાખીને આનંદ કુમાર કુલ 30 એવા ગરીબ બાળકોની પસંદગી કરતા, જેમની આંખોમાં આઇ.આઇ.ટી. સુધી પહોંચવાનું સપનું અને ધગશ હોય. એમનું રહેવાનું, ખાવા-પીવાનું બધું જ આનંદ કુમારના ખર્ચે! આનંદ કુમારનો ભાઈ પ્રણવ કુમાર ઇન્સ્ટિટ્યુટના કામ સંભાળે, જ્યારે એમની માતા બાળકો દરરોજ ઘરનું સ્વાદિષ્ટ ભોજન બનાવે!2002માં શરૂ થઈ સુપર 30ની પહેલી બેચ! 2004થી તો એમાંના વિદ્યાર્થીઓએ શિક્ષણ ક્ષેત્રે રીતસરનો હાહાકાર મચાવી દીધો. વિદ્યાર્થીઓનાં ધાડેધાડા આઇઆઇટીમાં પહોંચવા લાગ્યા. અહીં સવાલ એવો થાય કે આનંદ કુમારની ટીચિંગ મેથડમાં એવી તે કઈ ખાસિયત હતી કે જેણે એમને આ સફળતા અપાવી? તેઓ મલ્ટીમીડિયા એજ્યુકેશનનાં ખાસ આગ્રહી. ગાણિતીક પ્રશ્નોને મલ્ટીમીડિયા સ્લાઇડમાં ઢાળી આખી એક વાર્તા તૈયાર કરે.
જેમાં જુદા જુદા પાત્રો પણ હોય અને એ રીતે અઘરામાં અઘરા લાગતાં સમીકરણો અને દાખલાઓ બાળકોને ગળે ઉતારવામાં મદદ કરે. 2008, 2009 અને 2010 આ ત્રણ વર્ષો દરમિયાન આનંદ કુમારની ખ્યાતિ ચરમસીમા પર પહોંચી. એમની સુપર 30 બેચનાં ત્રીસે-ત્રીસ વિદ્યાર્થીઓને આઇઆઇટીમાં એડમિશન મળ્યું, ને એ પણ બેક-ટુ-બેક ત્રણ વર્ષો સુધી! ડિસ્કવરી ચેનલથી માંડીને ન્યુયોર્ક ટાઇમ્સ સુધીનાં મીડિયા હાઉસ દ્વારા એમની નોંધ લેવામાં આવી. દેશ-વિદેશના સંસ્થાનોમાં એમના પ્રેરણાદાયી વક્તવ્યો ગોઠવવામાં આવ્યા. પુષ્કળ અવોર્ડ અને સન્માનોથી નવાજવામાં આવ્યા. 2014ની સાલમાં રાજકોટની નામાંકિત સ્કૂલ દ્વારા એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો, જેમાં સર જે.જે.રાવલ અને પિતાંબર પટેલ જેવા વૈજ્ઞાનિકોની હાજરીમાં એમનું સન્માન કરવામાં આવ્યું. એમની બાયોગ્રાફી સુદ્ધાં લખાઈ! અને હવે એક આખી ફિલ્મ પણ!
પરંતુ લેખની શરૂઆતમાં કહ્યું એમ, સફળતા હંમેશા બહુ મોટી જવાબદારીઓ લઈને સાસરે આવે છે. જેને સંભાળી શકવી એ દરેકના હાથની વાત નથી. આનંદ કુમાર પર એવા આરોપો લગાવવામાં આવ્યા છે કે તેઓ પોતાના ટ્યુશન ક્લાસિસના વિદ્યાર્થીઓ પાસેથી 33,000 રૂપિયાની ફી વસૂલી કર્યા બાદ એમાંના ચુનંદા 30 લોકોને સુપર 30 બેચમાં સ્થાન આપે છે. બીજો આરોપ એવો પણ છે કે, 2018ની સાલમાં એમણે મીડિયા સમક્ષ એવું જાહેર કર્યુ હતું કે સુપર 30ની બેચમાંથી 26 લોકોને આઇઆઇટીમાં એડમિશન મળી ગયું છે. પરંતુ વાસ્તવિકતા જુદી જ છે. ખરેખર ત્રણ જ વિદ્યાર્થીઓ જેઈઈ (ઉંઊઊ)ની પરીક્ષામાં ક્વોલિફાય થયા હતાં, જ્યારે બાકીના વિદ્યાર્થીઓને અન્ય કોચિંગ સંસ્થાઓમાંથી પૈસા આપીને ખરીદી લેવાયા હતાં!
જ્યારે આનંદ કુમારનું કહેવું છે કે આ તમામ આરોપો બેબૂનિયાદ છે, એનું કોઇ વજૂદ જ નથી!
સુપર 30ને નીચું દેખાડવા માટેના આ પ્રયાસો છે. કદાચ તેઓ સાવ ખોટા તો નથી જ! કારણકે વર્ષો પહેલા એમની કોચિંગ સંસ્થામાં વિદ્યાર્થીઓનો ધસારો જોઇને બિહારનાં અન્ય ક્લાસિસનાં માલિકો અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા હતાં. આનંદ કુમારના કહેવા મુજબ, એમના પર બોમ્બમારો કરીને એમની હત્યા કરી નાંખવાનો પણ પ્રયાસ થયો. પરંતુ પોતે બચી ગયા. અને એ ઘટના બાદ એમણે શસ્ત્રધારી બે બોડીગાર્ડને પોતાની સુરક્ષા માટે તૈનાત કર્યા.
આનંદ કુમારના કેસનું મૂલ્યાંકન કરનારો એક આખો વર્ગ એવો છે, જે એવું માને છે કે 2008ની સાલમાં સુપર 30 બેચનાં તમામ વિદ્યાર્થીઓને સફળતા મળ્યા બાદ આનંદ કુમાર હવે એના પર કોઇ ધ્યાન આપતાં જ નથી. તેઓ દેશ-વિદેશમાં લેક્ચર્સ અને ઇન્ટરવ્યુ આપવામાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે સુપર 30નો કોન્સેપ્ટ જ હવે પડી ભાંગ્યો છે. ફક્ત મીડિયામાં ચગી રહેવા માટે તેઓ પ્રતિવર્ષ આ ખેલ ચલાવી રહ્યા છે, પરંતુ સુપર 30ની વિશ્વસનીયતા હવે રહી નથી.
આ હકીકતને પણ નજરઅંદાજ તો ન જ કરી શકાય. ચાલુ વર્ષે એટલે કે 2019ની સાલમાં એમની સુપર 30માંથી ફક્ત 18 વિદ્યાર્થીઓ જ આઇઆઇટીનાં દરવાજા ખખડાવી શક્યા છે. અને હજુ પણ વિવાદ શમ્યો તો નથી જ! સાચુ-ખોટું તો આનંદ કુમાર જ જાણે, પણ એમની સુપર 30 બેચની સફળતા ક્યાંક એમના જ બેજવાબદારીપૂર્ણ વર્તણૂકને કારણે ડૂબી ન જાય તો સારું!