બંને પુત્રોને સમસ્યા હોવાથી આવા એમ.આર.બાળકો માટે કામ કરવાની પ્રેરણા મળી અને આજે સિતારા દિવ્યાંગ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાતભરમાં જાણીતું થઈ ગયું
આજથી ૨૮ વર્ષ પહેલા સલિમભાઈ સુમરાના લગ્ન મુમતાજબેન સાથે થયા. પ્રથમ પુત્રનો જન્મ થયો ને તેને માનસિક ક્ષતિ જોવા મળી બાદમાં બીજા પુત્રના જન્મે પણ આજે સમસ્યા જોવા મળતા બંને થોડા મુંઝાયા પણ મન મકકમ કરીને સમસ્યા સામે લડવાનું શરૂ કર્યું. બંને પુત્રોને ભલાવ્યા-ગણાવ્યાને ખાસ સંતાનો પોતાનું કામ જાતે કરે તેવા ‘આત્મનિર્ભર-બનાવ્યા …ને એસએસસીની પરીક્ષા પણ અપાવી !!
છેલ્લા ૨૦ વર્ષથી આવા બાળકોની વિવિધ સેવા કરતા સલિમભાઈ પોતે રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. સવારથી સાંજ મહેનત મજુરી કરતા કરતા માનસિક ક્ષતિવાળા દિવ્યાંગ માટે ૨૪ કલાક કાર્યરત રહે છે.
બંને પુત્રો દિવ્યાંગ હોવાને કારણે આવા બાળકોની સેવા માટે સિતારા દિવ્યાંગ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની રચના કરી આજે સલિમભાઈ રીક્ષા વાળા તેના બે પુત્રોની સાથે સંસ્થાના ૧૧૧ બાળકોનાં ‘ખરાઅર્થમાં’ પિતા બની ગયા છે. સમગ્ર રાજકોટ શહેર તેમને માનસિક ક્ષતિ વાળા બાળકોનાં સલિમભાઈ રીક્ષાવાળાથી ઓળખે છે. આ સેવા કાર્યમાં તેમને પત્નીનો ખૂબજ સારો સહયોગ મળ્યો છે.
સલિમભાઈ સુમરાએ અબતક સાથેની વાતચિતમાં જણાવેલ કે મારા પુત્રોની તકલીફ જોઈને મને પ્રેરણા મળી કે આવા વિશેષ કેર લેવા જેવા સંતાનો માટે કામ કરવું જોઈએ. મારા ૧૧૧ બાળકોમાંથી ૧૦થી વધુ બાળકો ખૂબજ પ્રભાવિત છે જે રમત ગમતમાં સ્પે. ઓલ્મ્પિકમાં વિજેતા થઈને રાજય કક્ષાએ વિજેતા થયા છે.
સલિમભાઈ રિક્ષાવાળા પોતાની સંસ્થામાં બાળકોને ખુશ રાખવા રમત ગમત ગીત, સંગીત, ડાન્સ સાથે સવારથી સાંજ પિકનીકનું આયોજન કરીને ખુશ રાખે છે. તેમના કાર્યક્રમમાં છોકરી હોય તો મમ્મીએ અને છોકરો હોય તો પપ્પાએ ફરજીયાત સાથે આવવું પડે છે. તે બધા બાળકોને ફિલ્મ બતાવીને આનંદ કરાવે છે.
સલિમભાઈને પોતાની સંસ્થાની બાળા સંચાલીયા રચના નિલેશભાઈ બોર્ડની પરીક્ષા પાસ કરી ત્યારે બહુજ ખુશી થઈ હતી. તેઓ તમામ બાળકો માટે મેડિકલ સહાય, વિમા પોલિસી સામે તમામ સરકારી સહાય માટે કામગીરી કરે છે. બધા જ આવા બાળકોને એસ.ટી. રેલવેના મફત પાસ પણ કઢાવી આપ્યા છે. ૧૧૧ તમામ બાળકો મધ્યમ વર્ગ તેમજ પછાત વિસ્તારના હોય તેમને મળતી તમામ સુવિધાથી મા-બાપો હરહંમેશ સલિમભાઈના ઋણી રહેશે, તેઓ સિતારા ટ્રસ્ટની કામગીરી ખૂબજ ખુશ છે અને તેમના સંતાનો માટે વિકાસના કાર્યો માટે તેમના આભારી છે તેમ જણાવેલ છે.
વિકલાંગ ધારા અન્વયે સરકારે હાલ ૨૧ વિવિધ કેટેગરીનો સમાવેશ કરાયો છે. જેમાં મેન્ટલી રીટાયર્ડ સાથે સેરેબલ પાલ્સી જેવી સમસ્યામાં બાળકોની વિશેષ દરકાર લેવી પડે છે. ત્યારે સલિમભાઈની સંસ્થા રાજકોટમાં ઉમદા કાર્ય કરી રહી છે.
સલિમભાઈએ મુલાકાતમાં જણાવેલ કે ‘આવા બાળકોને ખુશ રાખવા, ડિપ્રેશનમાં ન આવે તે માટે તેને રમાડો-ગીત-સંગીત વિગેરે તેને ગમતા તમામ કાર્યક્રમો યોજીને આનંદિત રાખો સાથે પોતાનું કામ જાતે કરતાં શિખડાવો તેજ તેની સાચી દવા છે.કારણ કે આવા સંતાનોમાં બીજી ધણી છુપી કલાઓ પડેલી હોય છે. જેને આપણે પ્રોત્સાહન આપીએ તો તેનો સર્વાંગી વિકાસ કરી શકાય છે.
વિશેષ માહિતી માટે સંપર્ક:
સિતારા દિવ્યાંગ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સલિમભાઈ સુમરા મો. ૯૨૭૪૭ ૭૪૧૪૫