જયોતિર્લિંગ એટલે જ્યોતિ બિંદુ જે પ્રકાશનો આધારસ્તંભ કે સ્ત્રોત કહેવાય છે
શિવભક્તો નિયમિત રીતે શિવાલયમાં જઈ શિવલિંગની પૂજા કરતાં હોય છે. ભગવાન શિવ એકમાત્ર એવા દેવ છે જેની મૂર્તિ પૂજા થતી નથી. તેમની પૂજા શિવલિંગના સ્વરુપે થાય છે. ભગવાન શિવના પ્રતિક શિવલિંગ અને તેમના જ્યોતિર્લિંગ એક સમાન જ છે શિવનો અર્થ થાય છે કલ્યાણ કરનાર અને લિંગનો અર્થ છે નિર્માણ કરનાર. શિવલિંગ શિવજીના નિરાકાર રુપને દર્શાવે છે. શિવજી આદિ, અનાદી અને અંનત છે. સંપૂર્ણ જગતનો આધાર છે.
સામાન્ય રીતે લોકો એવું જ માને છે કે જ્યોતિર્લિંગ અને શિવલિંગ એક સમાન જ હોય છે. પરંતુ આ બંને વચ્ચે તફાવત છે. આપણે આ વાતને સમજવા માટે શિવપુરાણની એક કથા વિશે જાણીએ. આ કથા અનુસાર એક સમયે સૃષ્ટિના રચનાકાર બ્રહ્મા અને જગત પાલક વિષ્ણુ ભગવાન વચ્ચે વિવાદ થયો હતો. તે બંને વચ્ચે વિવાદનું કારણ હતું કે તે બંનેમાંથી શ્રેષ્ઠ કોણ છે ?
આ બંને દેવોનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો ત્યારે તેમના આ વિવાદનો અંત લાવવા ભગવાન શિવ એક વિશાળ સ્તંભ સ્વરૂપએ પ્રકટ થયા. તેમણે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માને કહ્યું કે તમારા બંનેમાંથી જે પણ આ સ્તંભનો છેડા સુધી પહોંચી જશે તે શ્રેષ્ઠ હશે. ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા બંને એક એક દિશામાં સ્તંભનો છેડો શોધવા નીકળી પડ્યા. લાખ પ્રયત્નો છતાં બંનેને તેનો છેડો મળ્યો નહીં અને તે સમજી ગયા કે સૌથી શ્રેષ્ઠ કોણ છે
જ્યોતિર્લિંગનો અર્થ સામાન્ય શબ્દોમાં પ્રકાશનો આધારસ્તંભ કે સ્ત્રોત કહી શકાય છે.જ્યોતિર્લિંગ એટલે કે જ્યોતિનું બિંદુ. ભગવાન શંકર આ પૃથ્વી પર 12 સ્થળો પર સ્વયંભૂ પ્રગટ થયા છે. . આ બાર જ્યોતિર્લિંગનાં માં સોમનાથ, નાગેશ્ર્વર, મહાકાલ, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્ર્વર, કેદારનાથ, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્ર્વર, ધૃષ્ણેશ્ર્વર, રામેશ્ર્વર અને વૈદ્યનાથ. 12બાર જ્યોતિર્લિંગ ના પ્રથમ સોમનાથ જ્યોતિર્લિંગ નું મહત્વ અને ઇતિહાસ વિશે જાણીએ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની પ્રાગટ્ય કથા
પ્રાચીન ભારતીય પરંપરાઓ દ્વારા જાણવા મળે છે ચંદ્ર (ચંદ્ર ભગવાન)ને તેના સસરા દક્ષ પ્રજાપતિના શ્રાપથી મુક્ત કરવાની કથા સોમનાથના પ્રાક્ટય સાથે જોડાયેલી છે. ચંદ્રનાં લગ્ન દક્ષની સત્યાવીસ પુત્રીઓ સાથે થયાં હતાં. જો કે, ચંદ્રને માટે તેમાંથી રોહિણી રાણી સૌથી વધુ માનીતી હતી અને તેના પ્રત્યે વધુ પ્રેમભાવ હતો અને અન્ય રાણીઓની અવગણના કરી રહ્યાં હતાં., પતિવિયોગમાં ચંદ્રની અન્ય રાણીઓ દુ:ખી બની. આ વાતની જાણ દક્ષ પ્રજાપતિને પડી ત્યારે આક્રોશિત દક્ષે ચંદ્રને શાપ આપ્યો કે ‘ચંદ્ર તારો ક્ષય થાવ’.ચંદ્રએ પ્રકાશની શક્તિ ગુમાવી દીધી અને ચંદ્ર આખરે નિસ્તેજ થઈ ગયો.ચંદ્રએ પોતાનું તેજ ગુમાવતાંપૃથ્વી પર હાહાકાર મચ્યો કારણ કે હવે રાત્રિના પ્રકાશથી પૃથ્વી વંચિત બની ગઈ હતી.
પૃથ્વી નારીનું રુપ લઇ પ્રજાપિતા બ્રહ્મા પાસે પહોંચ્યાં અને ચંદ્રની જ્યોતિના અભાવથી વ્યાપ્ત કષ્ટોની વ્યથા રજૂ કરી. ત્યારે પ્રજાપિતા બ્રહ્માએ ચંદ્રદેવને શાપપથી મુક્ત થવા સલાહ આપી કે તેઓ મહાદેવને પ્રસન્ન કરી શાપનિવારણ કરે. ચંદ્રદેવ મહાદેવની ઉપાસના માટે પ્રભાસ તીર્થ પર પહોંચ્યાં. ભગવાન શિવની પૂજા કરી અને ધ્યાનજપતપ આદરી ચંદ્રએ આ ક્ષેત્રમાં મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી. ચંદ્રની મહાન તપસ્યા અને ભક્તિથી પ્રસન્ન થઈ છેવટે ભગવાન શિવે પ્રકટ થઈ દર્શન આપ્યાં અને અંધકારના શાપથી મુક્તિ આપી. ત્યારથી કહેવાય છે કે શિવજીની કૃપાથી 15 દિવસસુધી વધતો અને 15 દિવસ સુધી ઘટતો ચંદ્ર થાય છે(સુદ અને વદ). લૌકિક પરંપરાઓમાં એવું માનવામાં આવે છે કે ચંદ્રએ એક સુવર્ણ મંદિર બનાવ્યું હતું, ત્યારબાદ રાવણ દ્વારા રજત મંદિર બનાવવામાં આવ્યું હતું, ભગવાન શ્રીકૃષ્ણએ સોમનાથ મંદિરને ચંદનના કાષ્ઠથી બનાવ્યું હોવાનું મનાય છે.
મુસ્લિમ આક્રમણખોરોએ સદીઓ સુધી કર્યો ધ્વંશ
ઇતિહાસ પર નજર કરીએ તો અગિયારમીથી અઢારમી સદી દરમિયાન મુસ્લિમ આક્રમણકારો દ્વારા ધનભંડારની સમૃદ્ધિ લૂંટવાના ઇરાદે સોમનાથ મંદિરને અનેક વખત ખંડિત કરી નાંખવામાં આવ્યું હતું. લોકોની પવિત્ર અનેધાર્મિકભાવનાથી દર વખતે સોમનાથ મહાદેવમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. આધુનિક મંદિરનું નિર્માણ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી કરવામાં આવ્યું હતું, તેમણે 13 નવેમ્બર, 1947 ના રોજ સોમનાથ મંદિરના ખંડેરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદે 11 મે,1951ના રોજ હાલના સોમનાથમંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. આક્રમણને કારણે 17 વખત સોમનાથ મંદિર ધ્વસ થયું છે
પ્રથમ પ્રાણપ્રતિષ્ઠાને થયાં 7,99,25,105 વર્ષ
પ્રાચીન ભારતીય શાસ્ત્રીય ગ્રંથો પર આધારિત સંશોધન દર્શાવે છે કે સોમનાથ જ્યોતિર્લિંગ પ્રાણ-પ્રતિષ્ઠા વૈવસ્વત મન્વંતરના દસમા ત્રેતાયુગ દરમિયાન શ્રાવણ મહિનાના તેજસ્વી અર્ધના શુભ ત્રીજા દિવસે કરવામાં આવી હતી.વારાણસીના શ્રીમદ આદ્ય જગદગુરુ શંકરાચાર્ય વૈદિક શોધ સંસ્થાના અધ્યક્ષ સ્વામી ગજાનનંદસરસ્વતીજીએ સૂચવ્યું હતું કે, સ્કંદ પુરાણના પ્રભાસ ખંડની પરંપરાઓ મુજબ, પ્રથમ મંદિર 7,99,25,105 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું. આમ, આ મંદિર અનાદિ કાળથી લાખો હિન્દુઓ માટે પ્રેરણાસ્રોત છે.ભગવાન સોમનાથના આશીર્વાદથી ચંદ્ર ભગવાનને તેમના સસરા દક્ષાપ્રજાપતિના શ્રાપથી મુક્તિ મળી હોવાનું કહેવાય છે. શિવ પુરાણ અને નંદી ઉપપુરાણમાં શિવે કહ્યું હતું કે, હું હંમેશાં બધે જ હાજર છું પરંતુ ખાસ કરીને જ્યોતિર્લિંગ તરીકે 12 સ્થળોએ હાજર છું. સોમનાથ આ 12 પવિત્ર સ્થાનોમાંથી એક છે અને બાર પવિત્ર શિવ જ્યોતિર્લિંગોમાં આ પ્રથમ છે.
અદભૂત છે સ્થાપત્યકલા : હાલ શ્રી સોમનાથ ટ્રસ્ટ સોમનાથ મંદિરનો વહીવટ કરે છે. આ ટ્રસ્ટના પ્રથમ ચેરમેન સરદાર વલ્લભભાઈ પટેલ હતાં. સોમનાથ મંદિરની સ્થાપત્યકલાની વાત કરીએ તો એ ચાલુક્યશૈલીથી બાંધેલું આજનું કૈલાશમહામેરુ પ્રાસાદ મંદિર છે, તે ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. સોમનાથ મહાદેવના દર્શન કરવા દરરોજ હજારોની સંખ્યામાં દેશવિદેશથી ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આવે છે. અને શ્રાવણ મહિનામાં તો સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે શિવભક્તોનો ભારે ધસારો રહે છે. તમામ શિવભક્તોને દર્શન થાય તે માટે સોમનાથ ટ્રસ્ટે તમામ સગવડ ઉભી કરી છે.
યાત્રી સુવિધાઓ : શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ભગવાન સોમનાથ મહાદેવને વિશિષ્ટ શૃંગારોથી 29 જેટલા અલગઅલગ શણગાર કરવામાં આવશે.ભાવિકોની ભીડને ધ્યાનમાં રાખી મંદિર-દર્શન, આરતી માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.વૃદ્ધો, અશક્ત યાત્રિકો, દિવ્યાંગો માટે પાર્કિંગ ખાતેથી સોમનાથ મંદિર સુધી પહોચવા વિશેષ નિ: શુલ્ક વાહન વ્યવસ્થા શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ગોઠવવામાં આવી છે. વ્હીલચેર-ઇરીક્ષા-હેલ્પડેસ્ક સહિત અનેક સવલતોનો યાત્રીઓ લાભ લઇ શકશે. શ્રાવણમાં ભક્તોના પ્રવાહને ધ્યાને રાખી, વિશેષ પ્રસાદ, ગંગાજળ, પૂજાવિધિ, ક્લોકરૂમ, જૂતાંઘર સહિત વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રાવણમાસ દરમિયાન સ્વાગત કક્ષ 24 કલાક ખુલ્લો રહેશે, જ્યાં યાત્રીઓને સતત મદદ-માર્ગદર્શન મળી રહેશે.ભક્તો માટે શ્રી સોમનાથ હરિહર પ્રસાદ સેવા કેન્દ્રથી ભક્તોને નિ: શુલ્ક બૂંદી તથા ગાંઠીયાનું વિતરણ કરવામાં આવશે, સાથે જ શ્રાવણમાં યાત્રીઓને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે ટેમ્પરેરી પાણીની પરબો શરૂ કરવામાં આવશે.આવનાર યાત્રિકસંઘો તરફથી પ્રસાદ ફરાળ નિ:શુલ્ક મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.