અબતક, રાજકોટ
રાજકોટની હેતલ રાયચુરાની. ડોકટરે જયારે તેણીના માતા પિતાને આ રોગ પલ્મરી હાઈપરટેન્શન વિશે વાત કરી ત્યારે સમગ્ર પરિવાર પર જાણે વીજળી પડી. બંને માતા-પિતા હતપ્રભ થઈ પોતાની વહાલી દીકરીને કેમ કરીને જણાવવું તે ગડમથલમાં દિવસો પસાર કરી રહ્યા હતા..
પરંતુ દીકરીના આત્મવિશ્વાસનો તેમને ખ્યાલ હતો. ગમે તેવી પરિસ્થિતિમાં પણ સમગ્ર પરિવારને હિંમત આપતી દીકરીને હિચકિચાટ સાથે તેઓએ પલ્મરી હાઇપરટેંશનની ગંભીર અસર હોવાની વાત જણાવી. તેના બંને ફેફસા ડેમેજ થઈ ચુક્યાનું અને હૃદય ફૂલી ગયું હોવાનું અને આયુષ્ય બહુ ટૂંકું હોવાની વાત કરી. આયુષ્ય કેટલું છે તે જાણવા છતાં નિયતિને સહર્ષ સ્વીકારી તેની સામે સંઘર્ષ કરવા મેદાને ઉતારવાની જીદ પકડી આ બહાદુર છોકરીએ.
રાજકોટની એ આત્મવિશ્વાસથી ભરપૂર યુવતી હેતલ રાયચુરા છે. બહારથી ખુબ જ સામાન્ય દેખાતી હેતલના પરિવાર સિવાય બહુ ઓછા લોકોને ખબર છે કે તે જવલ્લેજ થતા પલ્મરી હાઇપરટેંશનની દર્દી છે.
હેતલ વાતચીતમાં જણાવે છે કે, જયારે મને ખબર પડી કે હું થોડાક સમય માટે જ આ દુનિયાની મહેમાન છું ત્યારે મારે જીવવું જ છે તેવો દ્રઢ નિશ્ચય કર્યો. આજે આ વાતને સાત વર્ષ થઈ ગયા છે. હજુ હું સામાન્ય વ્યક્તિની જેમ જ દવા લઈ સ્વસ્થતાપૂર્વક જીવી રહી છે.
પલ્મરી હાઇપરટેશન પીડિત યુવતિના નવજીવન માટે ફેફસા અને હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ જરૂરી
રાજકોટ નાગરિક બેંકમાં કાર્યરત 21 હજારના પગારમાંથી આશરે 20 હજારની દવાનો ખર્ચ જાતે જ ઉપાડતી સામાન્ય પરિવારની હેતલ કહે છે કે, આજકાલ ઓર્ગન ટ્રાન્સપ્લાંટ સરળ બન્યાનુ મેં સાંભળ્યું છે. આ બાબતે વિવિધ ડોકટરોનો સંપર્ક કર્યો છે અને મને જીવવાનું બળ મળ્યું, જયારે મને કહેવામાં આવ્યું કે મારા બંને લંગ્સ અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકાય તેમ છે.
ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે ડોનર અને મોટી રકમની જરૂરિયાત મારા પરિવાર માટે સૌથી મોટો પ્રશ્ન હતો. જેમાં મને સાથ સહકાર મળ્યો રાજકોટના એક પ્રતિષ્ઠિત ડોકટરનો. આપણે સૌ ઈશ્વરના સંતાન છીએ, વસુધૈવ કુટુંબક્મ એ આપણી પરંપરા રહી છે. નિ:શ્વાર્થ ભાવે મદદ કરવાની વિભાવના સાથે રાજકોટના પ્રખ્યાત ડોકટરે આ બંને બાબતે નિશ્ચિન્ત રહેવા અને તમામ જવાબદારી તેઓએ ઉઠાવી લેવાની તત્પરતા દાખવી.જેમાં સાથ મળ્યો અનેક દાતાઓનો. હેતલના રૂપમાં ઈશ્વરીય કાર્યમાં જોડાવા માટે દાતાઓ અને સમાજ શ્રેષ્ઠિઓને દાનરૂપી મદદની તક પુરી પાડી.
ગુજરાતમાં લંગ્સ અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે આ પહેલા કોઈ હોસ્પિટલ દ્વારા કરવામાં ન આવેલું હોવાથી હેતલે હૈદરાબાદની હોસ્પિટલ પર પસંદગી ઉતારી છે. રેરેસ્ટ રેર ગણાતી આ સર્જરી માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે. જરૂરી ખર્ચ માટે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી મદદ મેળવવા માટે પણ હેતલ અને તેના પરિવારજનોએ કાર્યવાહી આગળ વધારી છે.
બહુ જલ્દી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થઈ જશે, તેવો હેતલને આશાવાદ છે. ટ્રાન્સપ્લાન્ટ પછી પણ ઓર્ગન શરીર સાથે મેચ થાય, શરીર તેને સ્વીકારે તે પણ એક મોટી ચેલેન્જ હોવા છતાં હેતલ આત્મવિશ્વાસ સાથે કહે છે કે, હું તમામ મુશ્કેલીઓમાંથી બહાર આવીશ જ. ચિત્રકળા, રંગોળીમાં પારંગત અને ગાયનનો શોખ ધરાવતી હેતલ કહે છે કે, મારે મારા સ્વપ્નોને પૂર્ણ કરવા છે. અન્યની માફક સામાન્ય જીવન જીવી પરિવારજનોને પ્રેમ આપવો છે.
હેતલનો આ આત્મવિશ્વાસ જ કદાચ નિયતિને બદલવા માટે મજબુર કરી દેશે તેમ ચોક્કસ કહી શકાય…