અબતક, નવી દિલ્હી:
મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હીરે મોતી…. મેરે દેશ કી ધરતી…. ભારતની કૃષિ જમીન વિશ્વઆખા માટે કોઈ સોનાથી ઓછી નથી..!! આઝાદીકાળની વાત કરીએ તો, સોનાની ચીડિયા તરીકે ઓળખાતા દેશ ભારતને અંગ્રેજોએ ગુલામી હેઠળ લાવી દીધો હતો. આ દરમ્યાન ભારત ભુખા-નંગાનો દેશ બની ગયો હોય તેમ સ્થિતિ હતી. લૂંટારા ભુરિયાઓને લીધે અનાજ માટે ફાંફા હતા, પણ આજે ભારત અનાજ ક્ષેત્રે આત્મનિર્ભર ભારત બની ગયું છે.
આજે ભારત દેશ માત્ર પોતાના માટે જ આત્મનિર્ભર નહીં પરંતુ અન્ય દેશો માટે પણ અનાજનો જથ્થો પણ પૂરો કરવા માટે સક્ષમ બની ગયો છે. આજે ભારત વિશ્વ આખાનું પેટ ભરવા સક્ષમ છે. આજ દિશા તરફ ભારતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. આરબ દેશોમાં પહોંચાડવામાં આવતા અનાજના જથ્થામાં ભારતે 15 વર્ષે બ્રાઝિલને પાછળ રાખી પોતે નંબર વનનું સ્થાન હાંસલ કરી લીધું છે.
આરબ-બ્રાઝિલ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મંગળવારે રોઇટર્સને પૂરા પાડવામાં આવેલા ડેટા અનુસાર કોવિડ-19 રોગચાળાએ 2020માં વેપારના પ્રવાહમાં વિક્ષેપ પાડ્યો હોવાથી 15 વર્ષમાં પ્રથમ વખત લીગ ઓફ આરબ સ્ટેટ્સમાં ખાદ્ય નિકાસમાં ભારતે બ્રાઝિલને પાછળ છોડી દીધું છે. જણાવી દઈએ કે આરબ દેશોમાં બ્રાઝિલ સૌથી મહત્વપૂર્ણ વેપાર ભાગીદારોમાંનું એક છે. પરંતુ કોરોના રોગચાળાએ વૈશ્વિક લોજિસ્ટિક્સને ધક્કો મારતાં તે પાછળ ધકેલાયું છે. નિકાસનો જથ્થો મોકલવા માટેના ક્ધટેઈનરની અછત વિશ્વભરમાં ઉભી થઈ છે.
જેનો ફટકો બ્રાઝિલને વધુ લાગ્યો છે. સાઉદી અરેબિયામાં બ્રાઝિલની શિપમેન્ટ માટે કે જે એક સમયે 30 દિવસનો સમય લાગતો હતો તે હવે 60 દિવસ જેટલો સમય લઈ રહ્યો છે. આમ, માલ પહોંચવામાં વિલંબ લાગતા બ્રાઝિલનો વેપાર ઘટ્યો છે. અને ભારતને ફાયદો થયો છે. અહેવાલો અનુસાર, ગયા વર્ષે આરબના 22 લીગના સભ્યો દ્વારા આયાત કરાયેલ કુલ કૃષિ વ્યવસાય ઉત્પાદનોમાં બ્રાઝિલનો હિસ્સો 8.15% હતો, જ્યારે ભારતનો 8.25% હિસ્સો છે. જેનાથી બ્રાઝિલના 15-વર્ષના લાભનો અંત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતના ઉત્પાદનો જેવા કે ફળો, શાકભાજી, ખાંડ અને ખાસ કરીને અનાજ અઠવાડિયાથી ઓછા સમયમાં આરબ દેશોમાં મોકલાતા બ્રાઝીલ પાછળ પટકાયું છે.