રાજકોટમાં ઠંડીમાં સામાન્ય વધારો: બર્ફિલા પવનના સુસવાટા
કચ્છના નલીયામાં તાપમાનનો પારો આજે ફરી એકવાર સિંગલ ડિજિટમાં પહોંચી જવા પામ્યો છે. આવતા સપ્તાહથી ફરી રાજયમાં કાતીલ ઠંડી બોકાસો બોલાવશે.આજે રાજકોટમાં લધુતમ તાપમાનનો પારો થોડો નીચો પટકાયો હતો ઠંડા બર્ફિલા પવનના સુસવાટના કારણે લોકો ધ્રુંજયા હતા.
કચછના નલીયાનું લધુતમ તાપમાન આજે 9.8 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરનું તાપમાન પણ 9.8 ડિગ્રી જ રહેવા પામ્યું હતું. રાજકોટનું લધુતમ તાપમાન 11.1 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 77 ટકા અને પવનની સરેરાશ ઝડપ 8 કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી.
આ ઉપરાંત અમદાવાદનું તાપમાન 10.8 ડિગ્રી અમરેલીનું તાપમાન 10.4 ડિગ્રી, ડિસાનું તાપમાન 11.1 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 13 ડિગ્રી અને જુનાગઢનું તાપમાન 15.9 ડિગ્રી નોંધાયું હતું.આગામી ર4 અને રપ જાન્યુઆરીથી ફરી રાજયમાં ઠંડીનું જોર વધશે.
આવતા સપ્તાહે રાજયના કેટલાક વિસ્તારોમાં માવઠાની વકી
સમગ્ર રાજયમાં પડી રહેલી કાતિલ ઠંડીમાં છેલ્લા ત્રણ દિવસોથી સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે લોકોને ઠંડીથી આંશિક રાહત મળી છે. જો કે બીજી બાજુ ચાલુ માસના અંતિમ અઠવાડીયામાં રાજયમાં કેટલાક ભાગોમાં માવઠું થવાની સંભાવના છે.
હાલ વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે ભલે ઠંડીમાં સતત ઘટાડો થઇ રહ્યો હોય પરંતુ રપ જાન્યુઆરીથી ફરી ઠંડી વધશે. દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ વગેરે ભાગોમાં હળવું માવઠુ થવાની શકયતા છે. જો કે માવઠુ થાય તો પાકને નુકશાન થઇ શકે તેવી વકી છે.