રાજકોટમાં વેપારીઓએ આજે કલેકટર કચેરીએ એકઠા થઇ આવેદનપત્ર પાઠવી મીની લોકડાઉન પર વિરોધ નોંધાવ્યો હતો. જે રીતે રાજ્ય સરકાર દ્વારા મિની લોકડાઉન આપવામાં આવ્યું છે તેમાં કેટલાક વેપારીઓ સહમત તો કેટલાક વિરોધ દર્શાવી રહ્યાં છે. જેમાં વેપારીઓની માંગ છે કે સરકાર દ્વારા કોરોના ચેઇન તોડવા માટે સંપૂર્ણ લોકડાઉન આપવામાં આવે તે મંજૂર છે. પરંતુ મિની લોકડાઉનથી તમામ વેપારીઓ સહમત નથી કેટલાકને ફાયદો તો કેટલાકને નુકસાન થઇ રહ્યું છે.
આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને હાફ ડે લોકડાઉનની રજુઆત કરવામાં આવી હતી જેમાં સવારે 8 વાગ્યા થી બપોરના 3 વાગ્યા સુધી વેપાર ધંધો ચાલુ રાખવા દેવામાં આવે તેમ રજુઆત કરાઈ છે. હાલ રાજકોટમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના તમામ વેપાર ધંધા બંધ રાખવાની સુચના આપવામાં આવી છે. જેના કારણે વેપારીઓને હાલાકી પડી રહી છે
આજે કલેકટર કચેરીએ વેપારી એસોસિએશનના મુખ્ય આગેવાનો અને વેપારીઓ એકઠા થયા હતા. આ વેપારીઓ એકઠા થઇ વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓની માંગ છે કે, સરકાર દ્વારા મિની લોકડાઉન આપવામાં આવ્યું જેનાથી કેટલાક વેપારીઓને ફાયદો અને કેટલાકને નુકસાન થઇ રહ્યું છે. આ સમયે વેપાર-ધંધા બંધ રહેવાથી કોઇ સંક્રમણ અટકી શકતું નથી. લોકો ખુલ્લેઆમ ફરતા જ હોય છે. માટે સરકાર દ્વારા સંપૂર્ણ લોકડાઉન આપવામાં આવે અથવા તો મિની લોકડાઉન હટાવી લેવામાં આવે. મિની લોકડાઉનથી નાના વેપારીઓ મુશ્કેલીમાં પડ્યા છે.
રાજકોટ સહિત રાજ્યના 36 શહેરોમાં સરકાર દ્વારા તારીખ 5મેથી 12 મે સુધી મિની લોકડાઉન આપવામાં આવ્યું છે. આ મિની લોકડાઉન દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુ સિવાય તમામ વેપાર-ધંધા બંધ રાખવા અને રાત્રિના 8 વાગ્યા બાદ રાત્રિ કર્ફ્યૂની અમલવારી કરવા રાજ્ય સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં લોકોની ભીડ એકઠી થતી રોકવા રાજ્ય સરકારે મિની લોકડાઉન જેવા પ્રતિબંધો લાદી દીધા છે. બીજી તરફ રાજ્યનાં ગામડાંમાં તો જડબેસલાક લોકડાઉન જેવી પરિસ્થિતિ ચાલુ જ છે અને ત્યાં બહારથી આવતા લોકો પર ચુસ્ત પ્રતિબંધ લદાયો છે. ગામડાંમાં સ્વયંભૂ જાગૃતિ હવે જોવા લાગી છે અને કામ વિના લોકોને બહાર નીકળવા અને એકઠા થવા પર પ્રતિબંધ મૂકીને પંચાયત દ્વારા એનો ચુસ્ત અમલ કરાવાઈ રહ્યો છે.