જન્માષ્ટમી પર્વે ભાવ બાંધણા બેઠકમાં ફરસાણના વેપારી એસોસીએશન દ્વારા ગરમ ગાંઠિયા પ્રતિ કિલો રૂ.૨૫૦નાં ભાવે વેચશે
જન્માષ્ટમી તહેવારને અનુલક્ષીને ગઈકાલે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા બોલાવવામાં આવેલી ફરસાણના વેપારીઓની ભાવ બાંધણા બેઠકમાં ઉચ્ચ કવોલિટીના પેકીંગવાળા ફરસાણ રૂ.૧૭૦ના ભાવે પ્રતિ કિલો તેમજ ગરમા-ગરમ ફાફડા, વણેલા ગાંઠિયા રૂ.૨૫૦નાં ભાવે પ્રતિ કિલો વેચવા રાજકોટના વેપારીઓ સહમત થયા હતા જોકે આ ભાવ બાંધણું ફકત પાંચ દિવસ માટે અમલી કરવા વેપારીઓ સહમત થતા પુરવઠા તંત્રની ધાક પર શંકા ઉપજી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સમગ્ર રાજયમાં ફરસાણના સૌથી ઉંચા ભાવ રાજકોટમાં લેવાઈ રહ્યા છે. ફરસાણના વેપારીઓ રીતસરની લુંટ ચલાવી ગરમ ગાંઠિયાના ૩૦૦ થી ૪૦૦ રૂપિયા પ્રતિ કિલો ભાવ પડાવી રહ્યા છે આમ છતાં તંત્ર આવા વેપારીઓને દંડવાના બદલે મીટીંગ માટે બોલાવી ભાવ બાંધણું કરવા પ્રયત્ન કરતા ગઈકાલે ફરસાણના વેપારી એસોસીએશનના માત્ર ૬ વેપારીઓને બોલાવી ભાવ બાંધણું કરાયું હતું જેમાં ટોચના વેપારીઓ કે જે ગરમ ગાંઠિયાના રૂ.૩૦૦ વસુલી રહ્યા છે તેઓએ તહેવારના પાંચ દિવસ દરમિયાન પ્રતિ કિલો ૨૫૦ના ભાવે ગરમ ફરસાણ અને પેકીંગવાળા ફરસાણ ૨૦૦ રૂપીયા પ્રતિકિલોના ભાવને બદલે ૧૭૦ રૂપીયા પ્રતિકિલોના ભાવે પાંચ દિવસ વેચાણ કરવા સહમત થયા હતા.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ઘણા ગૃહ ઉધોગ અને જનતા તાવડા દ્વારા ગ્રાહકોને સારી કવોલિટીનું ફરસાણ રૂ.૧૦૦ થી ૧૨૦ કિલોના ભાવે વેચાણ કરી રહ્યા છે ત્યારે સારા વિસ્તારમાં ફરસાણના વેપારીઓ ગરમ અને ઠંડા ફરસાણના ૨૫૦ થી લઈ રૂ.૪૦૦ સુધી ભાવ વસુલી રહ્યા છે અને પોતાની દુકાને કયાં તેલમાંથી ફરસાણ બનાવી રહ્યા છે. તેમજ કેવા ભાવ વસુલી રહ્યા છે તેના બોર્ડ પણ લગાવતા ન હોય છતાં પુરવઠા તંત્ર, તોલમાપ ખાતુ કે ફુડ એન્ડ ડ્રગ આવા વેપારીઓને ત્યાં તપાસ માટે જતુ નથી. જોકે ફુડ એન્ડ ડ્રગ વિભાગ દર દિવાળીએ બોણી માટે તમામ દુકાનોએ પહોંચી જતા હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.
આશ્ચર્ય તો એ વાતનું છે કે, ગઈકાલે બોલાવાયેલી ભાવ બાંધણાની બેઠકમાં ૨૫ લાખની વસ્તી ધરાવતા રાજકોટ શહેરમાં ૧૦ થી ૧૫ હજાર જેટલી ફરસાણની દુકાનો હોવા છતાં માત્ર ને માત્ર ૬ વેપારીઓ હાજર રહેતા પુરવઠા તંત્રની રહી-સહી શાખ પર શંકા ઉપજી રહી છે.