સુરતની નવસારી બજાર ખાતે આવેલી પોલીસ ચોકીની સામે આવેલી સોના-ચાંદીની દુકાનમાં વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વેપારીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના બાદ આરોપીઓ સીસીટીવીમાં કેદ થતાં પોલીસે બેથી ત્રણ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. મૃતકના મૃતદેહને પીએમ માટે સિવિલ લાવવાની વાતે સમાજના લોકો એકઠા થયાં હતાં.
આ ઘટનામાં સીસીટીવી ફુટેજ પણ ચેક કરવામાં આવી રહી છે જેમાથી એક ફુટેજમાં બે વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની તપાસ હાલ પોલીસ કરી રહી છે, સંગ્રામપુરા વિસ્તારમાં આવેલી એક વ્યાજની દુકાન ચલાવતા ઇસમ પર ધોળે દિવસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. મૂળ ઉત્તર ગુજરાતના પાલનપુરના રહેવાસી મહેન્દ્ર શાહ ,પત્ની અને એક દીકરા સાથે સુરતમાં રહેતા હતા.
નવસારી બજાર પોલીસ ચોકીની સામે મહેન્દ્રભાઈ સોના-ચાંદીની છેલ્લા 25 વર્ષથી દુકાન ચલાવતા હતા અને સોના-ચાંદીના દાગીના સામે વ્યાજે રૂપિયા પણ આપતા હતા. આજે મહેન્દ્રભાઈ દુકાનમાં બેઠા હતા. દરમિયાન બે ઈસમો બાઈક પર આવ્યા હતા. અને દુકાનમાં ઘૂસી ગયા હતા અને ત્યારબાદ મહેન્દ્રભાઈ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં મહેન્દ્ર ભાઈનું મોત નિપજ્યું હતું. પરિવારને સમગ્ર ઘટનાની જાણ થતાં દુકાન પર દોડી આવ્યા હતા અને પરિવારનું દુઃખ જોતા લોકોની આંખમાં પણ અંશુ આવી ગયા હતા, હાલ તો આરોપીઓને પકડવા માટે પોલીસે સીસીટીવીની મદદ મેળવી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે