અમદાવાદના થલતેજ વિસ્તારમાં ભાજપનાં રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહે તેમના નિવાસસ્થાને ભાજપનો ઘ્વજ ફરકાવી અને સ્ટીકર લગાવીને અભિયાનનો પ્રારંભ કર્યો
અમદાવાદના થલતેજ વિસ્તારમાં હજારો સમર્પિત કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ભારત માતા કી જય અને વંદે માતરમ્ના ગગનભેદી નારાઓ સાથે સ્વયંના નિવાસસ્થાને ભાજપાનો ધ્વજ ફરકાવી તથા સ્ટીકર લગાવીને પક્ષનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહે મેરા પરિવાર-ભાજપા પરિવાર અભિયાનનો પ્રભાવી પ્રારંભ કર્યો હતો.
મેરા પરિવાર-ભાજપા પરિવાર અભિયાનના દેશવ્યાપી શુભારંભ પ્રસંગે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરીયમ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને ઉદ્બોધન કરતા રાષ્ટ્રીય પ્રમુખશ્રી અમિતભાઇ શાહે જણાવ્યુ હતુ કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓના અભિયાનનો સર્વપ્રથમ કાર્યક્રમ મેરા પરિવાર ભાજપા પરિવાર નો આજથી શુભારંભ થઇ રહ્યો છે.
દેશભરના પાંચ કરોડથી વધુ કાર્યકર્તાઓ કમળના શુભ ચિહ્ન સાથે પોતાના ઘર ઉપર ધ્વજ લગાવીને કુલ ૨૦ કરોડથી વધુ મતદારો ભાજપા તથા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજીને પોતાનું સમર્થન વ્યક્ત કરશે. ગત ચૂંટણીમાં ૧૭.૫ કરોડ મતદારોના સમર્થન સાથે સ્પષ્ટ બહુમતી મળી હતી.
આ વખતે આ અભિયાનની શરૂઆતમાં જ ૨૦ કરોડ મતદારો સાથે આપણે સીધો સંપર્ક પ્રસ્થાપિત કરી રહ્યા છીએ. સંગઠનની સંચિય શક્તિ જાગૃત કરીને તેને વિજયમાં પરિવર્તિત કરવાનો આ કાર્યક્રમ છે. કાર્યક્રમના પ્રથમ ચરણમાં જ એક કલાકમાં ૧ લાખથી વધુ લોકોએ ભાજપાના ધ્વજને પ્રસ્થાપિત કર્યો છે.
સંગઠનના ચાર કાર્યક્રમો – મેરા પરિવાર ભાજપા પરિવાર મહાસંપર્ક અભિયાન, કમલજ્યોતિ, તથા વિજય સંકલ્પ રેલીની શ્રૃખલા દ્વારા દેશની જનતા, ગરીબ, પાર્ટીના કાર્યકર્તા અને ભાજપાના વિજયને એક વિજયમાળાના સંકલિત મણકા બનાવવાનું આ સંગઠનલક્ષી મહાપર્વ છે. છેલ્લા પાંચ વર્ષમાં ભાજપા તથા એનડીએ શાસિત ૧૬ રાજ્ય સરકારો તથા કેન્દ્ર સરકાર દ્વારા અભૂતપૂર્વ લોકકલ્યાણના કાર્યો થયા છે.
૬ કરોડ પરિવારોને ઉજ્જવલા ગેસ યોજના દ્વારા મફત ગેસ કનેક્શન આપવાની વાત હોય, કે ૨.૫ કરોડ જરૂરતમંદ પરિવારોને આવાસ ઉપલબ્ધ કરાવવાના હોય, કે ૨.૫ કરોડ પરિવારોને સૌભાગ્ય યોજના દ્વારા વિજળી પહોંચાડવાની છે, કે ૮ કરોડ પરિવારોને શૌચાલય ઉપલબ્ધ કરાવીને મહિલા ગરીમાને વધારવાનું કાર્ય કરવાનું હોય – આ તમામ કાર્યો છેવાડાના માનવીના અંત્યોદયને અનુલક્ષીને ભાજપા શાસનમાં થયેલા છે.
આરોગ્ય માટે વિશેષ ચિંતા કરીને ૫૦ કરોડ દેશબાંધવો માટે આયુષ્યમાન યોજના દ્વારા પાંચ લાખ સુધીનો વીમો પણ ભાજપા સરકારે ઉપલબ્ધ કરાવ્યો છે. પાર્ટીનો ભાવ એ છે કે જે લાભાર્થીઓ થયા છે તે ઉપરાંત બીજા કરોડો લોકોને આ લાભ પહોંચાડવાનો છે.
૭૦ વર્ષમાંથી ૫૫ વર્ષ જે કોંગ્રેસના શાસનમાં દલીત, ગરીબ, ખેડૂત યુવા, મહીલાઓ કોઇપણ પ્રકારના લાભથી વંચિત હતા તેમને નરેન્દ્રભાઇની સરકારમાં જે લાભ મળ્યો છે તેવા ૨૫ કરોડ લાભાર્થીઓ માટે આપણે કમળજ્યોતિ દ્વારા વિકાસની દિવાળી એક જ દિવસે તારીખ ૨૬ ફેબ્રુઆરી, ૨૦૧૯ એ ઉજવીશું.
વિજય સંકલ્પ રેલી દ્વારા સમગ્ર ભારતમાં ૩ કરોડ મોટર બાઇક સવારો કમળના પ્રતિક સાથે આખાય દેશમાં ઘૂમી વળશે. પ્રચંડ બહુમતિ સાથે શ્રી નરેન્દ્રભાઇને પુન:પ્રધાનમંત્રી બનાવવાનો તથા ભારતને વિશ્વની મહાસત્તા બનાવવાનો સંકલ્પ આ ચાર કાર્યક્રમોની શૃંખલા દ્વારા વ્યક્ત થવાનો છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી – આ સંગઠનના ચારેય કાર્યક્રમો જન જન સુધી પહોંચાડવાનું કાર્ય કરીએ.
રાષ્ટ્રીય પ્રમુખશ્રીએ કરોડો કાર્યકર્તાઓને આહવાન કરતા જણાવ્યુ હતુ કે, દેશને સુરક્ષિત કરવાનું, અર્થતંત્રની ગાડીને પાટા પર લાવવાનું તથા તીવ્ર ગતિએ વિકાસયાત્રાને આગળ ધપાવીને ભ્રષ્ટાચારને નાબુદ કરવા માટે સંકલ્પબધ્ધ કાર્યકલાપો દ્વારા આપણે દેશના ૨૨ કરોડ પરિવારોના ઉત્થાન માટે રાતદિવસ જોયા વગર અહર્નિશ કાર્ય કર્યું છે. આપણે ગત પાંચ વર્ષમાં જે કાર્યો કર્યા છે તે સુશાસનની વાતો લઇને ગૌરવભેર પ્રજાની વચ્ચે જવાનું છે. આપણે એવું કાંઇ નથી કર્યું જેના લીધે આપણે નીચું જોવું પડે.
‘સમર્થ ભાજપા શક્તિશાળી ભારત’ એ પ્રત્યેક કાર્યકરની સંકલ્પના: મુખ્યમંત્રી
પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે મેરા પરિવાર-ભાજપા પરિવારના રાષ્ટ્રીય અભિયાનના શુભારંભ પ્રસંગે કાર્યકર્તાઓને સંબોધતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, આજના આ અભિયાન દ્વારા ગુજરાતમાં ૨૫ લાખ પરિવાર અને ૧ કરોડ મતદારો શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં વિકાસની રાજનીતિને લઇને અવસરવાદીતાની લડાઇ લડતાં ગઠબંધનની સામે આરપારના સંગ્રામ માટે સજ્જ થઇ રહ્યા છે.
સમર્થ ભાજપા શક્તિશાળી ભારત એ ભાજપાના પ્રત્યેક કાર્યકરની સંકલ્પના છે. દેશના હિતની વાત દેશની પ્રજા સુપેરે જાણે છે.૧૯૫૧ થી લઇને ભાજપાના કરોડો કાર્યકરો ભારતમાતાને વિશ્વગુરુ પદે પ્રસથાપિત કરવા માટે પોતાની આહુતિ આપી ચૂક્યા છે અને આવનારી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપાના કાર્યકરો ફીર એક બાર મોદી સરકારના સંકલ્પ સાથે સમગ્ર ગુજરાત તથા ભારતમાં ઘુમી વળશે.
પ્રદેશ પ્રમુખજીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, મેરા પરિવાર-ભાજપા પરિવાર ના રાષ્ટ્રીય અભિયાનનો શુભારંભ રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ગુજરાતમાં શુભહસ્તેથી થાય તે આપણા સૌ માટે અત્યંત ગૌરવપૂર્ણ ઘટના છે. તેને માટે સમગ્ર રાષ્ટ્રીય નેતૃત્વના આપણે હદયપૂર્વક આભારી છીએ.
પથ કા અંતિમ લક્ષ્ય નહીં, સિંહાસન ચઢતે જાતા, અંતિમ લક્ષ્ય હૈ હમારા, આગે બઢતે જાના. પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને ભારતમાતાને વિશ્વગુરુ પદે પ્રસ્થાપિત કરવા આપણે સૌ કમર કસીએ તેમ સૌ કાર્યકરોને શ્રી વાઘાણીએ જણાવ્યુ હતુ.