લાઈફ બ્લડ સેન્ટરનાં ૩૯માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે પૂ. લોકેશજીનું રાજકોટમાં આગમન: પત્રકાર પરિષદ સંબોધી: કાલે રકતદાન કેમ્પ અને થેલેસેમીયા સ્ક્રીનીંગ ટેસ્ટ
રાજકોટમાં ૧૯૮૧થી કાર્યરત લાઈફ બ્લડ સેન્ટર કે જે રાજકોટ વોલન્ટરી બ્લડ બેંકના નામે ઓળખાતી હતી તે સ્થાપનાના ૩૯માં વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે. ત્યારે આ નિમિતે દિલ્હીથી ખાસ રાજકોટ આવેલા પ્રખર જૈનાચાર્ય, અહિંસા વિશ્ર્વભારતીના સંસ્થાપક અને ચિંતક પૂ. લોકેશજીએ પ્રોજેકટ લાઈફ અને લાઈફ બ્લડ સેન્ટરની સેવાભાવી પ્રવૃત્તિ નિહાળી હતી અને તેને બિરદાવી હતી આજે પત્રકારો સાથે વાતચીત કરતા પૂ. લોકેશજીએ કહ્યું હતુ કે, લાઈફ એટલે જીવન અને પ્રોજેકટ લાઈફ તેના નામ જેવું જ સેવા કાર્ય કરે છે.
તેમણે કહ્યું હતુ કે, આ દેશમાં કે પછી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ તો ઘણી બધી છે. પણ સાચા અર્થમાં લોકો સુધી તેનો લાભ પહોચે તેની દરકાર રાખતી સંસ્થાઓ બહુ ઓછી છે અને જે છે તેમાં પ્રોજેકટ લાઈફનું નામ અગ્રસ્થાને છે. પ્રોજેકટ લાઈફ એક એવી સંસ્થા છે જે સેવા અને સદભાવનાના ઉદેશ સાથે કામ કરે છે. આવી સેવાકીય સંસ્થાને હુ નમન કરૂ છું.
પ્રોજેકટ લાઈફની સ્થાપના ૧૯૭૮માં થઈ અને ત્યારથી અત્યાર સુધીની સફરમાં અસંખ્ય લોકો એવા છે જે નવજીવન પામ્યા છે. અથવા તો તેમની લાઈફ સ્ટાઈલ બદલાઈ ગઈ છે. અને સમાજમાં રહીને તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે. પ્રોજેકટ લાઈફના નેજા હેઠળ લાઈફ બ્લડ સેન્ટર, ગ્રીનફિલ્ડ પ્રોજેકટ, લાઈફ થેલેસેમીયા પ્રિવેશન સેન્ટર, લાઈફ એજયુકેશન સેન્ટર, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, મલિ સશકિતકરણ કેન્દ્ર અને એન.આર.જી.સેન્ટર કાર્યરત છે.
પર્યાવરણ બચાવવામાં પણ પ્રોજેકટ લાઈફનો મોટો ફાળો છે. ગોંડલ રોડ ઉપર વાવડી પાસે કાર્યરત ગ્રીનફીલ્ડ પ્રોજેકટ અંતર્ગત અત્યાર સુધીમાં ૨.૫૯ લાખ રોપાઓનું વિતરણ કરવામા આવ્યું છે. આ પ્રોજેકટ હેઠળ ૬ થી ૧૫ ફૂટની ઉંચાઈના રોપા ઉછેરવામાં આવે છે. અને પછી તેનું વિતરણ કરવામાં આવે છે. થેલેસેમીયા ટેસ્ટ અને બ્લડ વિશે વાતચીત કરતા જણાવ્યું હતુ કે અકસ્માત વેળા કે કપરા સમયે જો ડ્રાઈવીંગ લાયસન્સના બ્લડ ગ્રુપનો ઉલ્લેખ હોય તો ગણતરીની સેક્ધડોમાંજ અકસ્માતગ્રસ્ત વ્યકિતનો ઈલાજ ઝડપી બનાવી શકાય અને તે વેળાએ સારવાર ઝડપી બની શકે.
શિક્ષણની સેવામા પણ પ્રોજેકટ લાઈફ પાછળ નથી ગુજરાતમાં આવેલા ભૂકંપ પછી પડી ગયેલી અથવા જર્જરીત થઈ ગયેલી શાળાઓનાં નવનિર્માણનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. અને અત્યાર સુધીમાં ૮૪ શાળાઓ બનાવીને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ શાળાઓમાં દર વર્ષે ૨૪ હજાર બાળકો લાભ લઈ રહ્યા છે. અને સંસ્થાનો લક્ષ્યાંક ૧૦૮ શાળા બાંધવાનો છે.
પ્રોજેકટ લાઈફ લોકોના આરોગ્ય પ્રત્યે પણ ચિંતિત રહે છે. અને તેના ભાગ રૂપે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું સંચાલન કરે છે. આ સેન્ટરનાં માધ્યમથી અત્યાર સુધીમાં ૫.૭૯ લાખ લોકો લાભાન્વિત થયા છે. આ સેન્ટરમાં જુદી જુદી વયના ભાઈ બહેનો અને બાળકોને યોગાભ્યાસ કરાવવામાં આવે છે. એટલું જ નહિ સમયાંતરે નિષ્ણાંત તબીબોનાં વકતવ્યો પણ યોજાય છે. આ સેન્ટરનું લોનાવાલા સ્થિત કેવલ્યધામ, ઈન્ડિયન યોગા એસોસીએશન, આયુષ અને જૈન વિશ્ર્વ ભારતી ઈન્સ્ટિટયુટ વગેરે સાથે જોડાણ પણ છે.
મહિલા સશકિતકરણ મામલે પણ પ્રોજેકટ લાઈફની પ્રવૃત્તિ પ્રસંશનીય છે આ કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં ૭૫૦૦ જેટલી ગરીબી રેખા નીચે જીવતી અને વિધવા મહિલાઓને સ્વરોજગારીની તાલીમ આપી છે. લાઈફ વિમેન એમ્પાવરમેન્ટ સેન્ટર આવી મહિલાઓને સીવણ, બ્યુટી પાર્લર, કેટરીંગ, એમ્બ્રોઈડરી અને કોમ્પ્યુટરની તાલીમ આપે છે. અને તેમને જરૂરી કીટ પણ આપે છે. જેથી મહિલાઓને રોજબરોજના કાર્યોમાં કોઈ ઉપર નિર્ભર ન રહેવું પડે.
પ્રારંભમાં પ્રોજેક્ટ લાઈફના જોઈન્ટક એકઝીકયુટીવ ટ્રસ્ટી મીતલ કોટીયા શાહે સંસ્થા વિષે ટુંકમાં પરિચય આપ્યો હતો. સાથોસાથ ૬ ડિસેમ્બરે યોજાનારા રકતદાન કેમ્પ અને થેલેસેમીયા સ્ક્રીનીંગ ટેસ્ટ વિષે માહિતી આપી હતી. આ પત્રકાર પરિષદમાં પ્રોજેકટ લાઈફના મેનેજીંગ ટ્રસ્ટી શશીકાંત કોટીચા, એકઝીકયુટીવ ટ્રસ્ટી ચંદ્રકાંત કોટીચા, જોઈન્ટ એકઝીકયુટીવ ટ્રસ્ટી મીતલ કોટીચા શાહ, સી.ડી.ઓ. ઋષિકેશ પંડયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.