ભગવાન મહાવીર દેશના સમિતિ આયોજિત જૈન પર્યુષણ પર્વ ૧૮ દિવસીય આરાધના મહોત્સવનું પાંચ મહાવ્રતોના બોધ પ્રવચન સાથે સમાપન
ભગવાન મહાવીર દેશના સમિતિ દ્વારા છેલ્લાં ૧૮ દિવસથી ચાલી રહેલાં જૈન પર્યુષણ પર્વ આરાધના મહોત્સવનું પાંચ મહાવ્રતોના બોધ પ્રવચન સાથે સમાપના કરવામાં આવ્યું હતું.
શ્રમણ સંઘ પૂજ્ય મધુસ્મિતાજી મહાસતીજીના શ્રીમુખેથી મંગલાચરણ તેમજ સુંદર ગીત પ્રસ્તુતિ સાથે આ અવસરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રભુ મહાવીર કથિત સિધ્ધાંતોની મહત્તા દર્શાવતાં આ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ, આચાર્ય શ્રુતસાગરજી મહારાજ સાહેબ, આચાર્ય પ્રજ્ઞસાગરજી મહારાજ સાહેબ, સૌરભજી મહારાજ સાહેબ, દિપેશમુનિજી મહારાજ સાહેબ યુવાચાર્ય મહેન્દ્રઋષિજી મહારાજ સાહેબ તેમજ આચાર્ય પ્રણામસાગરજી મહારાજ સાહેબે એક સાથે ઉપસ્થિત રહીને જૈન એકતાના દર્શન કરાવ્યાં હતાં.
લાઈવ પ્રસારણના માધ્યમે આયોજિત આ અવસરે મુખ્ય અતિથિ સ્વરૂપે તીર્થંકર મહાવીર યુનિવર્સિટીના ચાન્સેલર સુરેશજી જૈન, ભારતીય જૈન સંગઠનના રાજેન્દ્રજી લુંકડ સાથે જૈન કોન્ફરેંસના સુભાષજી ઓસવાલ જૈન, અનિલજી જૈન (સીએ), રાજીવજી જૈન (સીએ) તેમજ મનોજજી જૈન આદિ મહાનુભાવો વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં.
આ અવસરે ભગવાન મહાવીર દેશના સમિતિ દ્વારા થઈ રહેલાં જૈન એકતાના કાર્યોની પ્રશસ્તિ કરીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મ.સા.એ અહિંસા સંબંધી પોતાની વિચારધારા વ્યક્ત કરતાં ફરમાવ્યું હતું કે, આપણે કદાચ શસ્ત્રથી કોઈની હિંસા નથી કરતાં પરંતુ કોઈક વ્યક્તિ પ્રત્યેની આપણી અંદરમાં પડેલી નેગેટિવિટીની મેમરીથી વારંવાર હિંસા કરતાં રહીએ છીએ. મેમરી મર્ડર તે ભાવહિંસા છે જે દ્રવ્ય હિંસાથી પણ વધારે ખતરનાક છે. આપણે આવી મેમરીની હિંસાથી મુક્ત બની બ્રોડ વિચારધારાને અપનાવવી છે. આપણી વિચારધારા જ્યારે બ્રોડ બનશે ત્યારે જ જૈન એકતાના આપણાં પુરુષાર્થ આર્થક બનશે. પંથવાદ તે રોડ પર ચાલવા જેવું છે અને બ્રોડ વિચારધારા તે સ્કાય માં ફ્લાય કરવા સમાન છે. રોડ સિમિત હોય છે, સ્કાય અસિમીત હોય. પરમાત્મા સ્કાય સ્વરૂપ છે અને સ્કાય સુધી પહોંચવા આપણે મેમરીથી મુક્ત બની બ્રોડ વિચારધારા સાથે ફ્લાય કરવાનું છે.
ઉપરાંતમા શ્રુતસાગરજી મ. સા. એ સત્ય વ્રતનો બોધ આપતાં જણાવ્યું હતું કે, સત્ય અને આનંદ આપણી ભીતરમાં જ સમાયા છે. સત્ય સુંદર છે. દરેકની આત્મા અને દરેકની ચેતના એક સમાન છે. આપણે સહુ એક છીએ. આપણે જિનેન્દ્રના અનુયાયી છીએ. એ સાથે જ, આચાર્ય મહેન્દ્રઋષિજી મ. સા. એ આ અવસરે બ્રહ્મચર્યની પરિભાષા દર્શાવતા કહ્યું હતું કે, પરથી પરે થઈને નિજના આનંદમાં રહેવું તે બ્રહ્મચર્ય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયો આપણાં આત્મભાવને હેક કરી રહ્યા છે પરંતુ જ્ઞાન અરજી માટે બ્રહ્મચર્યનું પાલન જરૂરી છે. આપણે જેટલા આપણી ભીતરમાં જઈએ છીએ એટલા જ સંપન્ન બનીએ છીએ. આચાર્ય પ્રજ્ઞસાગરજી મ.સા. એ ચોરી અને અપરિગ્રહ સબંધી બોધ આપીને સમજાવ્યું હતું કે, આપણે જે છીએ એટલે કે આપણાં આત્મા સિવાય કશું મારુ નથી, તે ભાવ અચૌર્ય છે. મારુ નથી તેને મારુ ઘોષિત કરવું તે ચોરી છે.
એ સાથે જ, આ અવસરે સુરેશજી જૈન, રાજેન્દ્રજી જૈન, ડો. મણીન્દ્રજી જૈન તેમજ સુભાષજી ઓસવાલ જૈને પોતાના વિચારોની અભિવ્યક્તિ કરીને સહુના સાથ સહકાર બદ્દલ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર અવસરનું સુંદર સંચાલન રજીવજી જૈને કર્યું હતું.