સેનેટરી પેડની જગ્યાએ મેન્સ્ટ્રુઅલ કપ યુવતીઓ-મહિલાઓને આપશે વધુ રાહત : 100% હાઈજેનિક
પીરિયડ્સ એટલે કે માસિક ધર્મ સ્ત્રીઓમાં જોવા મળતી એક સામાન્ય બાબત છે. એક અભ્યાસ મુજબ યુવતીઓમાં માસિકની સમસ્યા 8 થી લઈને 17 વર્ષ સુધી શરૂ થઈ શકે છે. પહેલીવાર માસિક ધર્મ થવો કોઈપણ યુવતી માટે એક ચિંતાનો વિષય બની જાય છે. છોકરીઓને લોહી અને તરલ પદાર્થ જોઈને તનાવ અને ભયનો અનુભવ થઈ શકે છે. આ લોહીને સોસવા માટે મહિલાઓ માટે સેનેટરી પેડ, સેનેટરી નેપકીન, ટેમપોન અને મેન્સ્ટ્રુઅલ કપ આપવામાં આવે છે પરંતુ મોટા ભાગની મહિલાઓ સેનેટરી પેડનો ઉપયોગ કરતી હોય છે. સેનેટરી પેડ દ્વારા મહિલાઓને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. વારંવાર પેડ બદલવાની સમસ્યા તો રહે જ છે ત્યારે મહિલાઓની આ સમસ્યાને દુર કરવા માટે રાજકોટ જીલ્લા પંચાયત દ્વારા એક અનોખી પહેલ શરુ કરવામાં આવી છે જેમાં મહિલાઓને પેડ, કપડું, સેનેટરી પેડ કે ટેમ્પોન યુઝ કરવાને બદલે
મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરવા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ભારતભરમાં
મહિલાઓ માટે કામ કરતી ‘લાલ સખી’ સંસ્થા સાથે મળી ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિ લાવવા પર્યાવરણ બચાવવા માટેનું આ એક અનોખું પગલું છે. મેન્સ્ટ્રુઅલ કપનો વપરાશ કરવા માટે મહિલાઓ ગભરાતી હોય છે કે તેમની વર્જિનિટીને કોઈ નુકસાન નહિ પહોંચે ? પરંતુ મેન્સ્ટ્રુઅલ કપનો વપરાશ કરવો પર્યાવરણ, મહિલાઓ માટે ખુબ જ સારો છે અને તેનાથી વર્જિનિટીને કોઈ નુકસાન પહોંચતું નથી. આ માટે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ગામડાઓમાં અવેરનેસ પણ ફેલાવવામાં આવી રહી છે.
મહિલાઓની માનસિકતાને દુર કરવા પ્રોજેક્ટ કરાયો શરૂ
ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓમાં માસિક ધર્મને લઇ જાગૃતિ ન હોવાને કારણે ઘણીબધી વખત સ્વાસ્થ્યને નુકસાન પહોંચતું હોય છે તેમજ સેનેટરી પેડ યુઝ કરવાને કારણે પર્યાવરણને નુકસાન પહોંચતું હતું. આ સમસ્યાનું સમાધાન લાવવા માટે જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી વિચારણા કરી રહ્યા હતા. તેમને જિલ્લા પંચાયત હસ્તકની સ્કૂલોમાં દીકરીઓ માટે સેનિટરી પેડ મશીન મુકાવી અલગ વ્યવસ્થા કરાવી છે. મહિલાઓમાં માસિક ધર્મને લઈને જાગૃતિ આવે તે માટે ભારતની મહિલાઓ માટે કામ કરતી સંસ્થા ‘લાલ સખી’ ગ્રુપ સાથે સંર્પક કરવામાં આવ્યો.
બજારની કિંમત કરતા સસ્તો આપવામાં આવે છે આ કપ
બજારમાં આ કપની કિંમત 400 થી 500 રૂપિયા છે આ કપની કિંમત પરંતુ રાજકોટ જીલ્લા પંચાયત દ્વારા આ કપ 250 રૂપિયામાં આપવામાં આવે છે. મહિલાઓ એક સાથે પૈસા ન ચૂકવી શકે તો 10, 20 કે 50 રૂપિયાના હપ્તે એટલે કે જ્યારે શક્ય બને ત્યારે રૂપિયા ચૂકવી શકે તેવી સુવિધા આપવામાં આવી છે.
કાત્યાની બહેન મહિલાઓને સમજાવે છે મેન્સ્ટ્રૂઅલ કપના ફાયદા
કાત્યાની બહેન ઘરે ઘરે જઈને મહિલાઓને માસિક દરમિયાન તેઓ શેનો ઉપયોગ કરે છે એ વિશે પ્રશ્ન પૂછે છે. તેઓ મહિલાઓને મેન્સ્ટ્રૂઅલ કપ દેખાડે છે અને એના વિશે પૂરી માહિતી આપે છે. આ ઉપયોગ કરવાથી શું શું ફાયદા થાય એ પણ તેઓ દ્વારા અન્ય મહિલાઓને સમજાવવામાં આવે છે.
‘લાલ સખી’ ગ્રુપ રાજકોટના 2 ગામમાં શરૂ કર્યો પ્રોજેક્ટ
રાજકોટમાં લાલ સખી ગ્રુપ દ્વારા પીપળીયા ગામની આજુબાજુનાં લગભગ 10 જેટલાં ગામોમાં ઘરે ઘરે જઇ મહિલાઓને મેન્સ્ટ્રૂઅલ કપ વિશે માહિતી આપવામાં આવી હતી. લાલ સખી ગ્રુપની બહેનો દ્વારા ઘરે-ઘરે જઈને મેન્સ્ટ્રૂઅલ કપ કેવી રીતે ઉપયોગ કરવો તેના વિશે પણ માહિતી આપવામાં આવી હતી. 6 મહિનામાં 200 મહિલા આ કપનો ઉપયોગ કરે તેવો આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. કાત્યાનીબેન તિવારી નામની મહિલાએ રાજકોટ-અમદાવાદ હાઇવે પર પીપળિયા ગામની આજુબાજુનાં ગામમાં આ પહેલ શરુ કરી છે અને આ બાબતે મહિલાઓનો પણ સારો પ્રતિસાદ તેઓને મળ્યો છે.
મહિલાઓ તથા યુવતીઓ માટે 3 સાઈઝના મેન્સ્ટ્રુઅલ કપ ઉપલબ્
મેન્સ્ટ્રુઅલ કપ સીલીકોનમાંથી બનાવવામાં આવે છે. આ મેન્સ્ટ્રુઅલ કપનું આયુષ્ય 5થી 6 વર્ષનું હોય છે. કપનો ઉપયોગ કરતા પહેલા તેને ગરમ પાણીમાં એને ઉકાળી 5 મિનિટ રાખી સાફ કરવાનો રહે છે. કપનો ઉપયોગ કરતી વખતે એને દિવસમાં 4થી 5 વખત 4થી 5 કલાકના સમયાંતરે પાણીમાં વોશ કરવાનો રહે છે . 18 વર્ષથી ઓછી ઉંમરની યુવતી માટે સ્મોલ સાઇઝનો કપ ઉપયોગમાં આવે છે. 18થી 30 વર્ષની મહિલાઓ માટે મીડિયમ સાઇઝનો કપ ઉપયોગમાં આવે છે અને જે મહિલાઓ 25 વર્ષથી વધુ ઉંમર ધરાવે છે અને તે માતા બની ગઇ છે તો તેમના માટે લાર્જ સાઇઝનો કપ ઉપયોગમાં આવે છે.
ત્રણ રીતે કરી શકાય મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ
મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરવાની અલગ અલગ 3 રીત છે. અલગ અલગ 3 પ્રકારથી ફોલ્ડ કરી એને યોનિમાં પ્રવેશ કરાવવાનો રહે છે, જે અંદર પ્રવેશતાંની સાથે જ ખૂલી જાય છે. બહાર કાઢતા સમયે પણ એકદમ સરતળાથી એને બહાર કાઢી શકાય છે. મેન્સ્ટ્રુઅલ કપને મહિલાઓ માસિક ધર્મમાં યોનિમાં પહેરીને રક્ત એકત્રિત કરવાના કામમાં લઈ શકે છે.
મહિલાઓને જાગૃત કરવા જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીની અનોખી પહેલ
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મહિલાઓ માસિક ધર્મ દરમિયાન ઘણી સમસ્યાઓ સામનો કરતી હોય છે. વારંવાર સેનેટરી પેડ બદલવું વગેરે સમસ્યા રહેતી હોય છે. આ સમસ્યા ધ્યાનમાં રાખી એમાં બદલાવ લાવવા માટે વિચારણા કરી હતી અને લાલ સખી ગ્રુપનો સંપર્ક કરીને મહિલાઓને મેન્સ્ટ્રૂઅલ કપ અંગે માહિતગાર કરવા આ પ્રોજેક્ટ શરુ કર્યો છે. જિલ્લા પંચાયત હસ્તકની સ્કૂલોમાં દીકરીઓ માટે સેનિટરી પેડ મશીન મુકાવી અલગ વ્યવસ્થા કરાવી છે .ભવિષ્ય માં દરેક મહિલાઓમાં અવેરનેસ આવે અને સ્વસ્થ તેઓનું સારું રહે એ અમારો મુખ્ય હેતુ છે.
આ સંજોગોમાં મહિલાઓએ મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ ન કરવો
- જે મહિલાઓને સિલિકોનથી એલર્જી હોઈ
- યોનિમાર્ગ ને લગતી કોઈ બોમારીઓ હોઈ
- યોનિમાં કપ ફિટ કરવામાં અસ્વસ્થતા લાગે
- યોનિમાર્ગમા હાલમાજ કોઈ સર્જરી કરાવી હોઈ