પરિણીતાના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી જુદા જુદા સ્થળોએ દુષ્કર્મ આચર્યું

ભોગ બનનારના રૂ.20 લાખના સોનાના ઘરેણાં પડાવી અને ફ્લેટ આપવાના બહાને હવસખોરે રૂ.25 લાખની છેતરપિંડી કરી

રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. જેમાં ગોંડલના શખ્સે રાજકોટની પરિણીતાના ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી જુદા જુદા સ્થળોએ દુષ્કર્મ આચરી ભોગ બનનારના રૂ.20 લાખના સોનાના ઘરેણા અને ફ્લેટ આપવાના બહાને રૂ.25 લાખ મળી કુલ રૂ.45 લાખ પડાવી લીધાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટની પરિણીતાને ગોંડલના ધેલા સવા બાંભવા નામના શખ્સે ચાર વર્ષથી હવસનો શિકાર બનાવ્યા હોવાની ઘટના રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ હતી. જેના આધારે પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી ધેલા બાંભવા સામે ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ વી.એન.મોરવાડીયા ચલાવી રહ્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી ધેલા બાંભવાએ પરિણીતાના ફ્લેટમાં ધૂસી તેને ધક્કો મારી પછાડી દઈ ન્યૂડ ફોટો પાડી વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહિ પરંતુ હવસખોરે પરિણીતાની આબરૂ લૂંટી તેની પાસેથી સોનાના દાગીના વેચાવી રૂ.20 લાખ પડાવી લીધા હતા અને આરોપીએ ફ્લેટ આપવાના બહાને પરિણીતા પાસેથી રૂ.25 લાખ લઈ દસ્તાવેજ ન કરી દઈ છેતરપિંડી આચરી હતી.

રાજકોટ તાલુકા પોલીસે ભોગ બનનારની ફરિયાદ પરથી ધેલા બાંભવાં સામે દુષ્કર્મ અને રૂ.45 લાખ પડાવી ફરિયાદીના પતિને ધમકીઓ આપી હોવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.