ગુજરાતી ફિલ્મના શુટિંગ સમયે અને ભાજપના ચૂંટણી પ્રચાર અર્થ ચોટીલા આવ્યા હતા
ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર અને પોતાના અભિનય થકી ગુજરાતના લાખો લોકો નો પ્રેમ અને આદર પ્રાપ્ત કરનાર નરેશભાઈ કનોડીયાના દુખદ અવસાનથી સમગ્ર રાજ્યમાં તથા તેમના ચાહકોમાં ઘેરા શોકની લાગણી ફેલાયેલ છે ત્યારે નરેશભાઈ કનોડીયા ચોટીલામાં પણ અનેકવાર આવી ચૂક્યા હતા તેના મીઠા સંસ્મરણો અત્રે પ્રસ્તુત છે.
વર્ષો પહેલા ગુજરાતી ફિલ્મ પરદેશી મણીયારો નું શૂટિંગ અત્યારે જ્યાં ચોટીલાનો મફતીયા પરા વિસ્તાર છે ત્યાં થયું હતું અને આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતા નરેશભાઈ કનોડીયા તથા રોમા માણેક ને જોવા માટે લોકો ધક્કામુક્કી કરતા હતા આ સમયે ચોટીલાના પીઢ પત્રકાર પંકજભાઇ શાહે નરેશભાઈ કનોડિયાનો ઇન્ટરવ્યૂ લીધો હતો આ ઇન્ટરવ્યુ દરમ્યાન નરેશભાઈ એ એવું જણાવ્યું હતું કે માતાજીની કૃપા અને પ્રેક્ષકોના પ્રેમના કારણે લોકોના દિલમાં સ્થાન પ્રાપ્ત કરી ચુક્યો છું જ્યારે પત્રકાર પંકજભાઈ શાહે નરેશભાઈ ને પૂછ્યું કે ચોટીલા પંથકની મહેમાન ગતિ કેવી લાગી ?
ત્યારે આ સુપર સ્ટારે ખુબજ નિખાલસ ભાવથી જણાવ્યું હતું કે આ પંથકના લોકો ખૂબ જ માયાળુ અને લાગણીશીલ છે મને અહીં વારંવાર શૂટિંગ કરવું ગમશે. જ્યારે નરેશભાઈ અને રોમા માણેક ને કાઠીયાવાડી ભોજનનો સ્વાદ ખૂબ જ પસંદ આવ્યો હતો તેવી જ રીતે થોડા વર્ષો પહેલા ચૂંટણી સમયે નરેશભાઈ કનોડીયા તથા તેમના મોટાભાઈ મહેશભાઈ કનોડીયા ભાજપના પ્રચાર માટે ચોટીલા આવ્યા હતા અને ચોટીલાના રામ ચોક માં આ બંને ભાઈઓની જાહેર સભામાં તેમને જોવા અને સાંભળવા હજારો લોકો ઉમટ્યા હતા.