મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત ભારત આવેલી ચોથી ધમ્મયાત્રાના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી. આ મેકોંગ-ગંગા ધમ્મયાત્રા થાઈલેન્ડના બેંગકોંકથી શરૂ થઈ છે અને 2થી 10 ડિસેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે છે.
થાઈલેન્ડના લોકો બૌદ્ધ ધર્મની ભેટ આપવા બદલ ભારત પ્રત્યે આભાર વ્યક્ત કરી શકે તે માટે, તેમ જ ભગવાન બુદ્ધ અને તેમના બે પ્રમુખ શિષ્યો અરહંત સરીપુટ્ટ અને મોગ્ગલાનાના પવિત્ર અવશેષોને થાઈલેન્ડ મોકલવા બદલ ભારત સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરી શકે તે માટે ચોથી ધમ્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યાત્રા અંતર્ગત પ્રતિનિધિ મંડળે ગુજરાતમાં બુદ્ધિસ્ટ સર્કિટ અન્વયે વડનગર, દેવની મોરી અને વડોદરાની મુલાકાત લીધી હતી. યાત્રાના પ્રતિનિધિઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વતન ભૂમિ વડનગરની મોનેસ્ટ્રી અને પ્રેરણા સ્કૂલની મુલાકાત લઈને ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા.
આ પ્રતિનિધિમંડળના અગ્રણી ડો. સુપચાઈ વીરપુચોંગે મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં કહ્યું કે, આ ઐતિહાસિક યાત્રાનો ઉદ્દેશ્ય મેકોંગ અને ગંગા સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક, આધ્યાત્મિક જોડાણોને વધુ સંગીન બનાવવાનો છે. એટલું જ નહીં, બૌદ્ધ ધર્મના ઉપદેશોને વિશ્વભરમાં ફેલાવવા અને પર્યાવરણ પ્રત્યે જનચેતના વધારવા તેમજ શાંતિને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે યાત્રા યોજાઈ રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર વિશ્વમાં શાંતિ, સૌહાર્દ અને સદભાવ આજે અને આવનારા સમયમાં પણ રહે તેવી બૌદ્ધ ધર્મની લાગણીને વાચા આપતાં પ્રતિનિધિ મંડળને સમૂહ શાંતિ પ્રાર્થનાની પ્રેરણા આપી હતી. તેને પગલે, પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીશ્રી સાથેની બેઠકમાં સમુહ શાંતિ પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં 2009માં ઈન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને દલાઈ લામા આ કોન્ફરન્સમાં સહભાગી થયા હતા, તેની યાદ તાજી કરી હતી.
તેમણે ભારત અને ગુજરાતમાં રહેલી ઐતિહાસિક અને દર્શનીય બૌદ્ધ વિરાસતથી થાઈલેન્ડના અને વિશ્વના લોકો સુપેરે પરિચિત થાય તે હેતુથી ત્યાંના ઈન્ફ્લ્યુએન્સર્સ-યુ-ટ્યુબર્સ મોટાપાયે ગુજરાત આવીને ‘પીપલ ટુ પીપલ કનેક્ટ’ થવામાં પ્રેરણારૂપ બને તેવો અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રવાસ નિગમ અને બોધગયા વિજાલય-980 સંસ્થા વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં બૌદ્ધ મૂર્ત અને અમૂર્ત વારસાના સંરક્ષણ-સંવર્ધન અને વિકાસ તેમજ ગુજરાતના બુદ્ધિસ્ટ સર્કિટના સ્થાનોના વૈશ્વિક પ્રચાર-પ્રસાર માટે પરસ્પર સહયોગ માટે આ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, સચિવ અવંતિકા સિંઘ, પ્રવાસન સચિવ ડો. રાજેન્દ્ર કુમાર અને પ્રવાસન વિકાસ નિગમના એમ.ડી. છાક છુઆક વગેરે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.