રાજકોટ શહેરની વચ્ચોવચ્ચ વહેલી સવારમાં પક્ષીઓનો કલરવ અને 55-60 વર્ષિય યુવાનોનું હાસ્ય સમગ્ર વાતાવરણને ઉત્સાહ અને ઉમંગથી ભરી દે છે આ જગ્યા છે.. રાજકોટ રેલવે ડિવીઝન સ્પોર્ટ્સ એસોસિએશનના ફુટબોલ ગ્રાઉન્ડની. જ્યાં 20 જેટલા સિનિયર ફૂટબોલ પ્લેયર દ્વારા રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા રેલ્વે લોકો કોલોની કુટબોલ ગ્રાઉન્ડમાં 1700 જેટલા વૃક્ષો વાવીને આ વિસ્તારને હરીયાળો કરી રહ્યા છે.
સ્પોર્ટ્સ પ્લેયર એસોસિએશનના ખેલાડી અને ચીફ ટીકીટ ઈન્સપેક્ટર અજયભાઈ આચાર્ય જણાવે છે કે, 2014 માં અમને ગ્રાઉન્ડ સોંપવામાં આવ્યું હતું. ત્યારે અહીંયા આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ વૃક્ષો હતા. અમે નક્કી કર્યું કે અહીં વૃક્ષોથી હર્યુ-ભર્યું એક આદર્શ ફુટબોલ ગ્રાઉન્ડ બનાવવુ છે.અમને લોકોને વૃક્ષોનું જ્ઞાન ઓછું હતુ પરંતુ અમારે કરવું હતુ; એટલે અમે શીખતા ગયા, કાર્ય કરતા ગયા અને અમારા અનુભવે આગળ વધતા ગયા.
સામાન્ય રીતે શુક્ર,શનિ અથવા રવિવારે અમે લોકો ભેગા થઈને વૃક્ષોની આજુબાજુ ઉગેલું ઘાસ કાઢવું, ખામણાં મોટા કરવા, દવા કે ખાતર જરૂર હોય તો આપવું, ડ્રીપ ઈરીગેશનની લાઈનની સફાઈ કરવી, વાલ્વ બદલવો, ક્ષાર જામ્યો હોય તેની સાફ-સફાઈની કરવી વગેરે કામગીરી માટેનો સમય અચૂક ફાળવીએ છીએ
એક સમયે ગ્રાઉન્ડ ઉપર બધા મિત્રો ભેગા થઈને ફૂટબોલ રમતા હતા, પરંતુ આ કોરોનાની મહામારીને કારણે અમે ફૂટબોલ રમી નથી શકતા. વોકિંગ-વેનો ઉપયોગ કરીને અમે લોકો દરરોજ સવારે વોકિંગ અને જરૂરી એકસરસાઈઝ કરીએ છીએ જેના કારણે અમારી તંદુરસ્તી અને સ્વાસ્થ્ય જાળવી શકીએ છીએ. અમારી આ જ તંદુરસ્ત અને સ્વાસ્થ્ય જાળવી રાખવાના કારણે અમારા ગ્રુપમાંથી હજુ સુધી એક પણ સભ્ય કોરોનાથી સંક્રમિત થયો નથી, જેની અમને અને અમારા પરીવારને સૌથી વધુ ખુશી છે.