ધારાસભ્ય કાંતિ અમૃતીયાની આગેવાનીમાં સિરામીક ઉદ્યોગોના પ્રશ્નોની રજૂઆત કરાઈ
ગુજરાત સરકારના મુખ્ય મંત્રી તેમજ મંત્રીઓને ગાંધીનગર ખાતે મોરબી સીરામિક એસોસીએસનના પ્રમુખો દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. તેમજ ઘારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમાં સિરામિક ઉધોગના પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી. મોરબી સિરામિક ઉધોગના પ્રશ્નો માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળી અલગ અલગ પ્રશ્નોની વિગત વાર રજુઆત કરી હતી.
જેમાં ગુજરાત ગેસ દ્વારા સપ્લાય થતા ગેસમાં ભાવ ઘટાડો કરવા, પેન્ડીંગ સી ફોર્મ, સિરામિક ઝોનના ઇન્ટરનલ રોડ રસ્તા બાબત, ઉધોગ ઝોનમાં આધુનિક ફાયર સ્ટેશનની ફાળવણી કરવા, જીએમડીસી દ્રારા લિગ્નાઇટના ક્વોટા જરુર પ્રમાણે ફાળવવા, સિરામિક ઉધોગ ઝોનમાં પાણીની વ્યવસ્થા કરવા સહિતની બાબતો રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ઉધોગમાં સૌથી મોટી સમસ્યા વેપારમાં થતા ફ્રોડ તેમજ વેપારમાં ખોટા થતા નાણાની રીકવરી માટે ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીને જઈંઝ ની રચના કરવા માટે રજુઆત કરવામાં આવી હતી.
તદ્ ઉપરાંત ઉધોગ ઝોનમાં ઇન્ટરનલ રોડ અને રસ્તા માટે ઉધોગ મંત્રી બલવંત સિંહ રાજપુતને રજુઆત કરાઈ હતી. વિશેષમાં નવયુક્ત મંત્રીઓ રાઘવજીભાઇ પટેલ, ભાનુબેન બાબરીયા, ઋષિકેશભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત કરી હતી. ત્યારે આ શુભેચ્છા મુલાકાતમાં મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા તેમજ હળવદ-ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા તેમજ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખો મુકેશભાઇ કુંડારીયા, હરેશભાઇ બોપલિયા, વિનોદભાઇ ભાડજા, કિરીટભાઇ પટેલ તેમજ માજી પ્રમુખ નિલેષભાઇ જેતપરિયા તેમજ કિશોરભાઇ ભાલોડીયા હાજર રહ્યા હતા.
સિરામિક ઉદ્યોગોને નડતર પ્રશ્નો અંગે રજુઆત કરી મુકેશભાઇ કુંડારીયા:પ્રમુખ
‘અબતક’ સાથેની વાતચીતમાં મોરબી સિરામીક એશો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું કે, અમોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
જેમાં ઉર્જા મંત્રીને ગુજરાત ગેસના ભાવ ઘટાડો કરવા, પેન્ડીંગ સી ફોર્મ બાબતની રજુઆત કરેલ. પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાને જીપીસીબીના પડતર પ્રશ્ર્નો અંગે મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને પાણીની વ્યવસ્થા માટે તથા વેપારમાં થતા ફ્રોડ તેમજ વેપારમાં ખોટા થતા નાણાની રીકવરી માટે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને એસ.આઇ.ટી. ની રચના કરવા રજુઆત કરી.ઉદ્યોગ ઝોનમાં ઇન્ટરનલ રોડ અને રસ્તા માટે ઉઘોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતને રજુઆત કરેલ છે. અમારી રજુઆતોને મુખ્યમંત્રી સહિત મંત્રીઓએ હકારાત્મક અભિગમ દાખવ્યો હતો.