કોરોનાની મહામારીના કારણે સૈઘ્ધાંતિક મંજુરી મળ્યા બાદ વહીવટી મંજુરીના અભાવે અઘ્ધરતાલ રહેલી ગ્રાન્ટ ચાલુ વર્ષે વપરાશે
જિલ્લા પંચાયત કચેરી તેમજ પ્રમુખ-ડીડીઓનાં બંગલાની સિકયુરીટીનો રૂ. ૧૮.૭૮ લાખનો કોન્ટ્રાકટ મંજુર
અઢી મહિના બાદ મળેલી જિલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં
રાજકોટ જીલ્લા પંચાયતની આજે કારોબારી સમિતિની બેઠક ચેરમેન કે.પી પાદરીયાના અઘ્યક્ષ સ્થાને મળી હતી જેમાં સભ્યોની ગત વર્ષની ખોરંભે પડેલી ૪ કરોડની ગ્રાન્ટ રીવાઇઝડ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાની મહામારીના કારણે ગત વર્ષની ૪ કરોડની ગ્રાન્ટને સૈઘ્ધાતિક મંજુરી તો મળી ગઇ હતી પરંતુ વહીવટી મંજુરી મળવાની બાકી રહી ગઇ હતી. આ બેઠકમાં સભ્યોની ૪ કરોડની ગ્રાન્ટને રીવાઇઝડ કરવામાં આવતા હવે આ ગ્રાન્ટ ચાલુ વષે વાપરવામાં આવશે. જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારીના બંગ્લોઝ તથા જિલ્લા પંચાયત કચેરીના સીકયુરીટી માટે ટેન્ડર પ્રક્રીયા કરવામાં આવેલ. જેમા રોયલ સીકયુરીટી જસદણના રૂા.૧૮,૭૮,૭૦૮ વાર્ષિક ભાવો મંજુર થયેલ છે. જેને બે વર્ષ માટે આગામી બાંધાકામ સમિતિની મંજૂરીની અપેક્ષાએ મંજુરી અર્થે રજુ કરાઇ છે.
જસદણ તાલુકાની જુદી જુદી ગ્રામ પંચાયત બિલ્ડિંગના કામો પુરા કરવાની મુદત ૫-૧૧-૨૦૧૯ હતી. પરંતુ જમીન મળવામાં વિલંબ થવાના કારણે આ કામોની મુદત ૫-૫-૨૦૨૦ સુધી વધારવા માટે અધિક્ષક ઇજનેરની કક્ષાએથી મંજુરી મળેલ. આ કામો વધારાની મુદતમાં પૂરા થયેલ છે. અને તા. ૨૮-૧-૨૦૨૦ના રોજ યોજાયેલા બાંધકામ સમિતિમાં પણ મંજુરી મળેલ છે. તો મુદત વધારો મંજુર રજુ કરવામાં આવ્યો છે.
કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં તા.૨૫-૩-૨૦૨૦થી તા.૩૧-૫-૨૦ સુધી લોકડાઉન જાહેર થતા આવશ્યક અને તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ કચેરીઓ સિવાયની તમામ કચેરીઓ બંધ થયેલ હોવાથી સ્વભંડોળ બજેટના જે કામો સ્થગિત થઇ ગયેલા તે તમામ કામો માટે બાકી રહેતી વહીવટી પ્રક્રીયા પુરી કરી આગામી વર્ષમાં આ તમામ કામો પુરા કરવા મંજૂરી આપવામાં આવી હતી. પડઘરી તાલુકાની જુદી જુદી ગ્રામ પંચાયત બિલ્ડિંગના કામો પુરા કરવાની મુદત ૧૩-૨-૧૯હતી. પરંતુ જમીન મળવામાં વિલંબ થવાના કારણે આ કામોની મુદત તા.૧૩-૫-૧૯ સુધી વધારવા માટે અધિક્ષક ઇજનેરની કક્ષાએથી મંજુરી મળેલ. આ કામો વધારાની મુદતમાં પુરા થયેલ છે અને તા.૨૮ના રોજ યોજાયેલ બાંધકામ સમિતિમાં પણ મંજુરી મળેલ છે. જેની મુદત વધારો મંજુર કરાયો છે. પડઘડી તાલુકાના ઓટાળા, દહીસરાડ, ખોડાપીપર રોડ પર પુલનુ કામ પુરા કરવાની મુદત ૨૭-૩-૧૯ હતી. પરંતુ ગાંધીનગર તરફથી પીયર કેપ અને એબટ કેપ તથા સ્લેબની ડીઝાઇન મોડી મળવાના કારણે કામમાં વિલંબ થયેલ. આ કામોની મુદત ૨૬-૭-૧૯ સુધી વધારવા માટે અધિક્ષક ઇજનેર કક્ષાએથી મંજુરી મળેલ. આ કામો વધારાની મુદતમાં પુરા થયેલ છે અને તા.૧૫-૧૦-૨૦ના રોજ યોજાયેલ બાંધકામ સમિતિમાં પણ મંજુરી મળેલ છે. જેનો મુદત વધારો પણ મંજુર કરાયો છે.