- ખાણમાં પથ્થર ભરવા ટ્રેકટરના વારા બાબતે અગાઉ થયેલી બોલચાલી રાખી હત્યા નીપજાવી દીધાનો ખુલાસો
ઉના તાલુકાના ઓલવાણ ગામની અંધુ સીમ વિસ્તારમાં પથ્થરની ખાણ ધરાવતા ભૂપત રાજશીભાઈ રામની ગત તારીખ 6 એપ્રિલના રાત્રિના સમયે પથ્થરની ખાણમાં હિસાબ-કિતાબ રાખતો મેતાજી ભીમાભાઇ ઉફેઁ ભીમા કરશન ટાપરિયા(ગઢવી) રહે. ખોડીયારનગર,ઉનાવાળા સાથે બોલાચાલી થતાં ભીમા ગઢવીએ પોતાની પાસે રહેલ દેશી પિસ્ટલમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરી છાતી માં ગોળી ધરબી દીધી હતી. જેના લીધે ભૂપતભાઈનું મોત થયું હતું. મામલામાં નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં મરણ જનારની પત્ની જશુબેનએ ભૂપત ગઢવી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઇ.પી.સી.ની કલમ 302,449, હથિયાર ધારા કલમ 25/1- બી(એ) સહીતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપી ભીમા ગઢવીની ધરપકડ કરી છે.
ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક વી. આર. ખેંગારના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ એ બી જાડેજા, પી.એસ.આઈ. એ.બી. વોરા, પ્રવીણ મોરી, રાજુભાઈ ગઢીયા, રાજુભાઈ પરમાર એસ.ઓ.જી. શાખાના ધર્મેન્દ્રસિહ ગોહિલ, પેરોલ ફર્લો સ્કવોડ તથા નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ પી. જે. બાટવા એ.એસ.આઇ કંચનબેન પરમાર, કાનજીભાઈ વાણવી સહિતના સ્ટાફે જુદી જુદી ટીમ બનાવી આરોપી ભીમાભાઇ ઉફેઁ ભીમા કરશનભાઈ ટાપરિયાના નિવાસસ્થાને પહોંચી સઘન પૂછપરછ કરતાં અંતે ભીમા ગઢવીએ જણાવ્યું હતું કે, ભૂપતભાઈ રામની માલિકીની પથ્થરની ખાણમા હિસાબ-કિતાબ કરવા મહેતાજી તરીકે કામ કરતો હતો.
એક માસ પહેલા ખાણની લીઝ પૂરી થઈ જતાં મરણજનારે પોતાને છુટ્ટો કરી દીધેલ હોય મરણજનાર ભૂપતભાઈ સાથે ખાણમા પથ્થર ભરવા ટ્રેકટરના વારા બાબતે અવાર નવાર બોલાચાલી-ગાળાગાળી થતી હતી. જેનો ખાર રાખીને ગત તા. 6 એપ્રિલની રાત્રિના વાડીએ મરણજનાર એકલો હોય ફોન કરી તારું કામ છે હું આવું છું તેમ કહી યામાહા મોટર સાયકલ ઉપર વાડી સ્થિત ઓફિસ પહોંચી ભૂપતભાઈ સાથે બોલાચાલી કરી આરોપી ભીમા કરશનએ તેની પાસે રહેલ દેશી પિસ્ટલ મરણજનારની છાતી ઉપર રાખી એક રાઉન્ડ ફાયરિંગ કરી નાસી ગયો હતો.
પોલીસે આરોપી પાસેથી એક દેશી પિસ્ટલ, જીવતા કાર્ટીસનંગ 4 સહીતનો કિલો રૂ. 35,400નો મુદામાલ કબ્જે કરી ધરપકડ કરી હતી. આરોપી ભીમા ગઢવી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ તેની સામે પોરબંદર, જામનગર, કચ્છ જિલ્લા તેમજ ઉના અને ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં સાતથી વધુ ગુનાઓ નોંધાયેલા છે.